લોકગીત એટેલે શું? લોકગીતના લક્ષણો જણાવો.
લોકગીતને અંગ્રેજીમાં Folk Lyrics- folk Song કહે છે, જે Folk Literature નો એક પ્રકાર છે. લોકગીત લોકસાહિત્યનો મુખ્ય ભાગ છે.
લોકગીતમાં લોકપ્રજાની લાગણીઓ, સંવેદનો, લોકબોલીમાં
વ્યક્ત થાય છે. કુદરતને ખોળે વિચરતા જીવતા આ અભણ માનવીઓ તેમના જીવનની ગતિવિધિને, હર્ષ, દુઃખ, નફરત, સાહસને તેમજ જન્મથી મૃત્યુ સુધીના રીત-રિવાજો,
માન્યતાઓને રજૂ કરે છે. શ્રમકાર્યનાં ગીતો, મેળા-ઉત્સવ ગીતો, પ્રકૃત્તિને ઋતુના ગીતો, નવરાત્રીને ગોરીગીતોને
લોકગીતો કહેવામાં આવે છે.
લોકગીતો નો પ્રેરણાસ્ત્રોત:- આદિમાનવ
પ્રકૃતિને ખોળે જીવતો હતો ત્યારે અનેક વિસ્મયકારક ઘટનાઓ તેની સામે બનતી હતી. જેમકે
ફૂલનું ખીલવું, સૂર્યનું ઊગવું ને
આથમવું, નવલખ તારલિયા ને ચાંદની, વહેતા
ઝરણાંનો નાદ, પશુ-પક્ષીઓના અવાજો,
કલરવ-ટહુકો, વર્ષાનો સ્પર્શ, લહેરાતાં
પાકનાં ખેતરો, તેમાં જે હર્ષ-ઉલ્લાસ,
ભય, વિસ્મયભાવ સમયે લોકથી ગવાયું,
નાચાયું તે સમયે ગીતના અજ્ઞાત સ્વરોથી માનવીના કંઠેથી જે ગીત ગુંજી ઊઠ્યું તે લોકગીત.
લોકગીત એટલે; ‘લોકમાનસ હૃદયમાંથી સહજભાવે ઉદભવેલું, સ્ફૂરિત થયેલું ગેયગીત છે.’
સવિશેષ સ્ત્રીહૃદયના ભાવો, સ્ત્રી દ્વારા જ પ્રગટ થયા છે. એટલે લોકગીત
સૌપ્રથમ નારીવાદી સાહિત્ય છે.
“માનવ હૃદયમાંથી ઉદભવેલું
સહજભાવે સ્ફૂરેલું સંગીત એટલે લોકગીત”
લોકગીતના લક્ષણો:-
લોકગીતની રચના કોણે કરી તે અજ્ઞાત છે, કારણકે જે લોકગીત રચીને ગાય છે તે તેમાં
તેનું નામ જોડતો નથી. સાચા અર્થમાં તે પોતાની કૃતિને લોકાર્પણ કરે છે. એટલે
લોકગીતનો રચયિતા કોઈ વ્યક્તિ તો છે જ પણ તે પોતાનું નામ લખવાની ખેવના રાખતો નથી,
તેથી લોકગીત કોણે, ક્યારે,
ક્યાં રચ્યું તે નિશ્ચિત થઈ શકતું નથી. વળી લોકગીત લોકકંઠે વહેતું ચાલે છે તેમાં
બીજી વ્યક્તિ પણ પોતાની પંક્તિઓ ઉમેરતો જાય છે.
૧. સહજ સર્જન:-
લોકગીત લોકોનું પ્રયત્ન વિનાનું સહજ
સર્જન છે. કોઈ પણ જાતના આડંબર વિના, બીજાને કેવું લાગશે તેનાવિના, નૈતિક મૂલ્યોની પરવા કર્યા વિના જે સહજ
જીવાતું જીવન છે. સહજ ઉર્મિઓની અભિવ્યક્તિ છે.
૨. પ્રકૃતિ મહિમાનું ગાન:-
આદિવાસી લોક તો અરણ્યમાં જ જીવે છે. આ લોકોની
આસપાસ પ્રકૃતિ પથરાયેલી છે. લોકો પ્રકૃતિના ખોળામાં મોટાં થયાં છે. આથી લોકગીતોમાં
પ્રકૃતિનું આલેખન થાય છે. ઝવેરચંદ મેઘાણીએ જે ઋતુગીતો સંપાદિત કર્યાં તે પ્રકૃતિનું
જ ગાન છે. લોકગીતોમાં નદી, ઝરણાં, પર્વત, સીમ, વનરાજી, વૃક્ષ, વેલી, પશુ-પંખી આવે
છે. લોકગીતોમાં મોર-ઢેલ, મેના-પોપટ,
કોયલ-કાગ આવે તે લોકો પંખી સાથે જોડાયેલા છે ને એ પંખીને પ્રતીક બનાવી પોતાના
હૈયાની વાત લોકગીતમાં મૂકે છે, જે લોકગીતનું કાવ્યસોંદર્ય છે.
“આસો માસો શરદપૂનમની રાત જો;
ચાંદલિયો ઊગ્યો રે, સખી મારા ચોકમાં !”
૩. માનવહૃદયની ઉર્મિઓ:-
માનવજીવન સુખ-દુઃખથી, હર્ષ-શોકથી, પ્રેમ-વિયોગથી ભરેલું છે. ગમા-અણગમા, મનોસંઘર્ષ આ બધુંજ રહેવાનું, આનંદ ઉલ્લાસમાં ગીતો
ગવાય છે, નાચે છે, મેળા ને ઉત્સવના પ્રસંગોમાં, મનભરી ને આનંદ ગીતો ગવાય છે. તો દુખદ ઘટનાઓ આવે ત્યારે પેટભરીને રડે છે.
આ દરેક હ્રદયની લાગણીઓ લોકગીતમાં પ્રગટ થાય છે. લોકગીત માનવ સંવેદનાની ગેય
અભિવ્યક્તિ છે.
“દાદા હો દીકરી વાગડમાં નાં દેજો રે સૈ,
વાગડની વઢિયારી સાસુ, દોહ્યલી રે! સૈયર લો હમચી.”
૪. પ્રસન્ન પ્રણયગાન:
લોકગીતોનો મુખ્ય સૂર તો પ્રણયનો છે. આ પ્રણય
લોકસમાજમાં સહજ છે. આજે પણ આદિવાસી સમાજમાં પ્રણય ને પ્રણયનો સ્વીકાર સહજ છે.
શિષ્ટસમાજમાં સરળ નથી. લોકગીતોમાં પ્રણય કથાગીત છે જેમાં ઢોલા-મારું, ઓઢો-હોથલ, મેહ ઊજળી
વગેરે..
ઝવેરચંદ મેઘાણીએ પ્રણય લોકગીતો ને કથાગીતો ને
કથાગીતોનું સંપાદન કર્યું છે. પ્રણયના વિવિધ રૂપો લોકગીતમાં પડયા છે, જેમ કે-
‘હો રંગ રસિયા ક્યાં રમી આવ્યા રાસ જો’
‘લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યા જો’
‘પાણી ગયાં’તાં રે, બેની ! અમે તળાવનાં રે !’
પ્રણયની અભિવ્યક્તિ વ્યંજનાત્મક છે. નાયિકાને
જે કહેવું તે સાદા, સરળ, લોકબોલીના જ શબ્દો છે ને તે છતાં પ્રતીકાત્મક,
વ્યંજનામાં કહેવાયું છે.
૫. વર્ણનાત્મક ચિત્રકાવ્ય:-
લોકગીતોમાં સાદું, સરળ વર્ણન આવે છે. એક ભાવચિત્ર ખડું કરી
શકે છે. લોકગીત એક દ્ર્શ્યાત્મક કાવ્ય બની જાય છે.
‘મારે આંગણિયે તુલસીનો ક્યારો,
તુલસીને ક્યારે ઘીના દીવા બળે.’
૬. સંઘોર્મિનું
ગાન:-
લોકગીત કોઈ એક વ્યક્તિની ઊર્મિ નથી ભલે
એ રચાયું ત્યારે તેના મૂળમાં એક વ્યક્તિ હોય પરંતુ તે સ્વાનુભૂતિ લોકગીતમાં સર્વાનુંભૂતિ
બની જાય છે. એક લોકગીતમાં અનેકનું ઉમેરણ હોય છે, તેથી એક પ્રાણે અનેકનાં હૈયા જોડાયેલાં અનુભવાય છે. લોકગીતનું ગાન
સમૂહમાં ગવાય છે.- સંઘોર્મિને પ્રગટ કરે છે. રાસ, રાસડા, દાંડિયા, સંઘગાન, સંઘનૃત્ય વગેરે.
૭. કાંઠોપકંઠ પરંપરા:-
લોકગીત આદિકાળથી રચાતું, ગવાતું આવ્યું છે. તે અભણ લોક્સમાજનું ગાન
છે તેથી લિખિત ક્યાંથી હોય? વળી જ્યારે લિપિ ન હતી ત્યારે
લોકગીત હતું જ તેના રચનારા નિશ્ચિત નથી. એ વહેતું વહેતું આવે છે, લોકકંઠે જળવાય છે ને વહેતું રહે છે. વડીલોને કંઠે જે ગીત હોય તે વારસાગત
શીખવવામાં આવે છે. જ્ઞાતિભેદે, પ્રદેશભેદે શબ્દો બદલાય છતાં
મોટિફ ન બદલાય ને લોકગીત કાંઠોપકંઠ્ય નિત્ય નૂતન રહ્યું.
૮. શબ્દ સ્વર, તાલ, લય, નૃત્ય સાથેનું ગેય
ગાન:-
લોકગીત એ માત્ર લોકોનું ઊર્મિકાવ્ય નથી.
તેમાં શબ્દ સ્વર લોકબોલીમાં એવીરીતે ગોઠવાઈને આવે છે કે તેમાંથી શબ્દનું માધુર્ય
જન્મે છે. લોકગીત ને તેનો લય, તાલ ને ગેયતા છે. તેનું સંગીત નિશ્ચિત છે. લોકગીતને પોતાનાં લોકવાદ્યો
જેવાં કે ઢોલ, શહનાઈ, પાવો, ઢોલક, સારંગી, ડમરું, ખંજરી, ઝાંઝર, કરતાલના તાલ સૂરમાં ગાવામાં આવે
ત્યારે જ તેની સાચી રીતે માણી શકાય છે. કેટલાંક લોકગીત નૃત્ય સાથે જ ગવાય
છે.
૯. લોકકલ્પનાની ભવ્યતા:-
લોકોની સામે જ પ્રકૃતિ પથરાયેલી છે, કે જીવાતું
જીવન છે. તેમની પાસે જે લોકકહેવતો ને અલંકારો છે. તે સહજ રીતે ગૂંથીને મૂકે છે
છતાં તેમાં કલ્પનાની ભવ્યતા અને કાવ્યસોંદર્ય પ્રગટ થતું અનુભવાય છે.
દા.ત. ‘મારે ટોડલે બેઠો રે મોર કાં બોલે ?
મારું હૈયું લે’રા લે’ર, જનાવર જીવતું ઝાલ્યું
રે! મોર કાં બોલે?’
કમનીય કાયા માટે (વિશેષણો પ્રતીકાત્મક મૂકે છે.)
૧૦. ઐતિહાસિક તત્વ:
લોકગીતોમાં બનેલી એતિહાસિક ઘટનાઓ જે હૈયે ને
હોઠે હોય છે તે લોકગીતોનું રૂપ ધરે છે. કેટલીક દંતકથાઓ તો કેટલીક ધર્મ માન્યતાઓ લોકગીતમાં
આવે છે.
દા.ત. (૧) ‘જશમાં ઓડણ હાલો મારે દ્વાર, કહોતો બતાવું મારો હાથિયો
જેવું તારા હાથિયાનું રૂપ, તેવી રે મારે ઘેર ભેંસલડી રે. (ઐતિહાસિક
ઘટના)
(૨) ‘લીપ્યું ને ગૂંપ્યું મારું આંગણું;
પગલીનો પાડનારા દ્યોને, રન્નાદે !’ (ધર્મ કથા)
૧૧. રાજા, બહારવટિયાનાં ગીતો:-
રાજા-મહારાજાઓની કથાનાં લોકગીત રચાય છે. તેમાં
બહારવટીયાના દુહા, રાસડા ગવાય
છે. જેમકે-
‘ભલો ભલો રે રાજા ગોપીચંદ’- ગોપીચંદનું
લોકગીત
‘ડુંગરે ડુંગરે કાદુ તારા ડાયરા,
દારુ ગોળાની વાગે ઠરમઠોર રે મકરાણી કાદુ – બહારવટિયો મકરાણી
કાદુ.
આમ લોકગીતોમાં આરંભ અને અંત સહજ છે ને અચાનક
આવતો જાય છે. લોકગીતોમાં વિનોદ અને મર્મહાસ્ય પણ જોવા મળે છે. લોકગીતોનો
ઉપદેશનો અભાવ છે. તેનું કામ સમાજસુધારણાનું નથી નૈતિક બોધ આપવાની ખેવના નથી, પણ જીવનના દરેક તબક્કાનું ગાન છે.
ટૂંકમાં લક્ષણો:
૧. લોકગીતનું સૌથી પહેલું
લક્ષણ- લોકો વડે અને લોક માટે રચાયેલ હોય છે.
૨. લોકગીતને અવારનવાર કે એનો
રચનાર આખો સમાજ હોવાને કારણે તેમાં સામુહિક પ્રગટીકરણ થતું હોય છે.
૩. લોકગીત એક વ્યક્તિનું
સર્જન હોતું નથી. લોકગીતમાં કોઈ વ્યક્તિની જાત-અનુભૂતિ ગવાઈ હશે. તેને ઘૂટવામાં
આવી હશે. પણ તેનું સાધારણીકરણ એટલી હદે કરવામાં આવે છે કે તે વ્યક્તિનું ગાન ન
રહેતા સમષ્ટિનું ગાન બને છે.
૪. લોકગીતમાં ગેયતા અનિવાર્ય
છે. કારણકે તે ગીત તો ગાવા માટે જ હોય છે.
૫. લોકગીતમાં ઊર્મિનું તત્વ
રહેલું હોય છે.
૬. થોડામાં થોડા શબ્દોથી
સચોટ ચિત્ર નિર્માણ કરવાની કુશળતા હોય છે.
૭. લોકગીતમાં આવતી લોકકલ્પના
સરળ અને ભવ્ય ઉભય પ્રકારની જોવા મળે છે.
૮. લોકગીતનો આરંભ અધ્ધરથી જ
થાય છે. અને એપણ આપણને તત્કાળ ઘટનાના મધ્યપ્રવાહમાં ઘસડી જાય છે.
૯. લોકગીતોની ભાષા સરળ, મધુર, જીવંત ને તળપદી
હોય છે.
૧૦. લોકગીતોનો પ્રવાહ અધિક
માર માર ગતિએ ચાલ્યો જાય છે.
(ઘટનાને કે સંવેદનાને ત્વરિત
ગતિથી વહેતી રાખવા માટે)
શ્રી જયમલ્લ પરમારે દર્શાવેલા લોકગીતોના લક્ષણો:
૧. એના રચનારા બહુધા અજ્ઞાત
હોય છે.
૨. એ સહજ અને સ્ફૂરિત હોય
છે.
૩.એમાં પ્રયત્ન વિનાનું
કલાવિધાન છે.
૪. એમાં પ્રકૃતિનો મહિમા છે.
૫. એમાં માનવહૃદયની ઉર્મિઓ
હોય છે.
૬. એમાં વ્યક્તિત્વનો સર્વથા
અભાવ છે.
અમેરિકન લોકસાહિત્ય વિદ
લોરેન્સ ડબ્લ્યુ લેવિને દર્શાવેલા લોકગીતના લક્ષણો:
Group matare, Participation and
Pervasive Functionality, Improvistional charter, Strong relationshin
performance and bodily movements and expressions.
0 ટિપ્પણીઓ
Please do not Enter any Spam Link in the Comment box.😈