ગોવર્ધનરામ ત્રિપાઠીનું જીવન કવન
ગોવર્ધનરામ ત્રિપાઠીનો જન્મ ૨૦ ઓક્ટોબર ૧૮૫૫ ના
રોજ ખેડા જીલ્લાના નડીયાદના ધર્મપ્રિય બ્રાહ્મણ માધવરામ ત્રિપાઠીને ત્યાં
થયો હતો. પિતા અત્યંત ધાર્મિક વૃત્તિના અને દિલના બહુ ભોળા. જ્યારે માતા શિવકાશી
રગેરગ વ્યવહારુ. પિતાની ધર્મનિષ્ઠા અને માતાની વ્યવહારુતા- બંને ગોવર્ધનરામને
વારસામાં મળ્યા હતા. દાદાના સમયથી ઘરમાં રહેતા મુનિ મહારાજ પાસે વીતેલા બાળપણ અને
ઘરના ધાર્મિક વાતાવરણથી ચિત્ત પર પડેલા વૈષ્ણવધર્મને વેદાંત વિચારનો પ્રભાવ
કિશોરાવસ્થાથી વાંચનનો અતિ શોખ, કાકા મનસુખરામ
સાથેનો સહવાસ વગેરે એ ગોવર્ધનરામને ધાર્મિક, વિદ્યાવ્યાસંગી
અને આર્યસંસ્કૃતિ પરત્વે અનુરાગી બનાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો.
અભ્યાસ અને શરૂઆતનું જીવન:-
ગોવર્ધનરામનું પ્રાથમિક શિક્ષણ મુંબઈની બુદ્ધિવર્ધક
શાળામાં થયું હતું. પછી અંગ્રેજી ત્રણ ધોરણ નડિયાદમાં અને ચોથા ધોરણથી મુંબઈની
એલ્ફીન્સ્ટન હાઇસ્કૂલમાં કર્યો. ઈ.સ.૧૮૭૧માં મેટ્રિક અને બી.એ.થયાં. કૉલેજના
અભ્યાસ દરમિયાન કાવ્ય રચના કરવાનો અને લેખો લખવાનો પ્રારંભ થઈ ગયેલો. પ્રારંભના
વર્ષોમાં ગુજરાતી કવિતા કરતાં સંસ્કૃત કવિતા રચવા તરફ વિશેષ રુચિ હતી. તે
સંસ્કૃતમાં એમણે કરેલા ગીરનારવર્ણન પરથી તેમ જ કાલિદાસના ‘મેઘદૂત’ના અનુકરણમાં શરુ કરેલું ‘મનોદુત’ કે પ્રથમ પત્ની હરિલક્ષ્મીના અવસાનથી જન્મેલા શોકથી ૧૮૭૫માં રચાયેલું
‘હ્રદયરુદિતશત્તક’ એ કાવ્યો પરથી જોઈ શકાય છે. એ શિવાય
૧૮૭૩નાં વર્ષમાં અંગ્રેજીમાં લખાયેલા ‘ઈઝ ધેર એની કિરયેટર ઓફ ધ યુનિવર્સ?’ ‘ધ સ્ટેટ ઓફ હિંદુ સોસાયટી ઈન ધ બોમ્બે પ્રેસીડન્સી’ કે એવા અન્ય લેખો એમની વ્યાપક વિષયોને ઊંડાણમાં લેવાની મનોવૃતિના સૂચક
છે. પરંતુ આ પ્રારંભિક લેખોમાં એમના જીવન-વિચારને સમજવામાં ખૂબ ઉપયોગી, ૧૮૭૭માં લખાયેલો ‘એ રૂડ આઉટલાઈન ઓફ ધ જનરલ ફિચર્સ ઓફ એસેટીઝમ ઈન માય
સેન્સ ઓફ ધ વર્ડ’ લેખ છે. સંસાર ત્યાગમાં નહિ, સંસારસેવા અર્થે જીવન સમર્પિત કરવું એ જ સાચો સન્યાસ એવી પ્રવૃતિમય
સંન્યાસીની ભાવના એમણે એ લેખમાં રજૂ કરી છે. કૉલેજના અભ્યાસકાળ દરમિયાન એમણે જીવન
જીવવા માટે ત્રણ સંકલ્પ કર્યા,
(૧) એલ.એલ.બી. થઈ મુંબઈમાં
વકીલાત કરવી.
(૨) ક્યારેય નોકરી કરવી નહિ.
(૩) ચાળીસમેં વર્ષે નિવૃત્તિ
લઈને શેષજીવન સાહિત્ય અને સમાજની સેવામાં સમર્પિત કરવું.
અભ્યાસમાં તેમનો પહેલો-બીજો નંબર આવતો નથી.
કારણ કે તેમનું ધ્યાન પાઠ્યપુસ્તકો કરતાં બહારના સામાન્ય પુસ્તકો વાંચવામાં વિશેષ
પ્રવર્તતું હતું. કૉલેજકાળ દરમિયાન તેમણે સાહિત્ય તથા કવિતાનો આમૂલ અભ્યાસ આદર્યો.
સંસ્કૃત માટે પણ એમનો શોખ વધતો ગયો. ઈતિહાસના
વિષય પર તેમની ખાસ પ્રિતી હતી. કોલેજકાળથી જ કાવ્યરચના કરવાનો અને લેખો લખવાનો
પ્રારંભ થઈ ચૂક્યો હતો. શરૂઆતમાં તેઓ ગુજરાતી કવિતા કરતા સંસ્કૃત કવિતા રચવા તરફ
વિશેષ રુચિ ધરાવતા હતાં. વ્યાપક વિષયોમાં- ઊંડાણમાં જવાની જન્મજાત વૃત્તિ હતી.
ગોવર્ધનરામની ઉઘડતી જતી જવલંત કારકિર્દીની
નિયતિને જાણે ઈર્ષ્યા આવતી હોય તેમ ૧૮૭૪નાં વર્ષમાં દુઃખો અને વિડબણાઓએ તેમની પર
ઘા પર ઘા કરવા માંડયા. તે વર્ષમાં તેમની પત્ની હરિલક્ષ્મીનું સુવાવડમાં અવસાન થયું
અને તેમની બાળકી પણ માતાની પાછળ ચાલી નીકળી. એ જ વર્ષમાં પિતા માધવરામની પેઢી
તૂટી. તેઓ બી.એ.માં નાપાસ થયાં. આ સંકટ પરંપરાને કારણે તેમનો ભોઈવાડમાં બંધાવેલો
માળો વેંચવો પડ્યો. પછી આખું કુટુંબ મુંબઈથી નડિયાદ ગયું. ગોવર્ધનરામ કૉલેજનો
અભ્યાસ પૂરો કરવા માટે મુંબઈમાં જ રહ્યા. આવી આર્થિક આપત્તિઓને કારણે ૧૮૭૯ થી ૧૮૮૩
સુધી એમને અનિચ્છાએ ભાવનગરના દીવાનના અંગત સેક્રેટરી તરીકે થોડો સમય નોકરી
સ્વીકારવી પડી હતી.
સાહિત્યિક જીવન:-
ગોવર્ધનરામનો હવે સાહિત્યાકાશમાં ઉદય થઈ રહ્યો
હતો. તેમનો સમર, ચિંતન અને પરિપાકરૂપ
તેમનો હવે સુવર્ણ યુગનો ઉદય થયો ગણાયો. ઈ.સ.૧૮૭૭માં શરુ કરેલું રસ ગંભીર કથા કાવ્ય
‘સ્નેહમુદ્રા’ ઈ.સ.૧૮૮૪માં તેમણે પોતાના હાથમાં લીધું. જે
ઈ.સ. ૧૮૮૯માં પ્રગટ થયું, પરંતુ આ સમયગાળાની સૌથી મહત્વ
પ્રવૃત્તિ તો ‘સરસ્વતી ચંદ્ર’ના પહેલાં ભાગનો આરંભ થઈ ગયો
હતો. ઈ.સ.૧૮૮૫માં તે પૂરો લખાઈ ગયો ને ઈ.સ.૧૮૮૭માં પ્રગટ થયો. આ જ અરસામાં એક બીજી
મહત્વની ઘટના બની. ગોવર્ધનરામે પોતાના નાનાભાઈ હરિરામ પાસે પુસ્તક- પ્રકાશનની પેઢી
એન.એન.ત્રિપાઠીની સ્થાપના કરાવી. જેણે આજે પણ એક પ્રતિષ્ઠિત પ્રકાશન સંસ્થા તરીકે
ઊજળું નામ રાખ્યું છે. ઈ.સ.૧૮૯૨માં ‘સરસ્વતી ચંદ્ર’નો બીજો
ભાગ પ્રગટ થયો, ઈ.સ.૧૮૯૮માં ત્રીજો ભાગ અને ઈ.સ.૧૯૦૧માં ચોથો
ભાગ પ્રગટ થયો હતો. અલબત્ત ૧૮૮૩થી જેની રચનાનો પ્રારંભ થઈ ગયો હતો તે ‘સરસ્વતીચંદ્ર’ ભાગ-૧ (૧૮૮૭) નવલકથા એમની ગ્રંથરૂપે પ્રગટ થયેલી પહેલી કૃતિ છે. પછી
ક્રમશઃ તેના ભાગ-૨ (૧૮૯૨), ભાગ-૩ (૧૮૯૮) અને ભાગ-૪ (૧૯૦૧) ચૌદ વર્ષ દરમિયાન પ્રગટ
થયા હતાં.
સરસ્વતી ચંદ્ર ગોવર્ધનરામ માધવરામ
ત્રિપાઠીની બૃહતકાય નવલકથા છે. આશરે અઢારસો પૃષ્ઠમાં વિસ્તરેલી આ કથાને ‘પુરાણ’, ‘પંડિતયુગનું મહાકાવ્ય’, ‘મહાનવલ’ વગેરે રૂપે ઓળખવામાં આવી છે. ગાંધીજી
પૂર્વે ગુજરાતના શિક્ષિત સમાજ પર ઊંડો પ્રભાવ આ નવલકથાએ પાડ્યો એનું કારણ આ
કૃતિમાં વ્યક્ત થયેલું જીવનવિષયક ઊંડું વ્યાપક ચિંતન તથા એ ચિંતનને કળારૂપે આપનારી
સર્જક પ્રતિભા છે.
0 ટિપ્પણીઓ
Please do not Enter any Spam Link in the Comment box.😈