Recents in Beach

લોકસાહિત્ય અને શિષ્ટ સાહિત્ય વચ્ચેનો ભેદ-તફાવત|Lok Sahity ane Shisht Sahity no Bhed

 


 

 લોકસાહિત્ય અને શિષ્ટ સાહિત્ય વચ્ચેની ભેદક રેખાઓ ચાર રીતે દોરી શકાય:

૧). અભિગમની દ્રષ્ટિએ ભેદ

૨). પ્રચાર-માધ્યમની દ્રષ્ટિએ ભેદ

૩). પ્રયોજનની દ્રષ્ટિએ ભેદ

૪). પરંપરાની દ્રષ્ટિએ ભેદ


 

લોકસાહિત્ય અને શિષ્ટ સાહિત્ય


. અભિગમની દ્રષ્ટિએ પડતા ભેદ:

 

  શિષ્ટ સાહિત્યનો અભિગમ હંમેશા કળાનો હોય છે અને તેથી જ એમાં નવનન્મેષશાલી મોલિક સર્જનનો આગ્રહ રાખવામાં આવતો હોય છે, જ્યારે લોક સાહિત્યમાં તો મોલિકતાને કોઈ જ સ્થાન નથી. લોકસાહિત્યમાં લોક્સમાજની જ સીધી હિસ્સેદારી હોવાને કારણે લોકસાહિત્યની કૃતિ લોકરુચિ-રસ-સંસ્કૃતિ પરંપરાને અનુસરે છે એટલે એમાં ક્યારેય મોલિકતા તત્વ નથી હોતું.

 

 શિષ્ટ સાહિત્યમાં વૈયક્તિક સર્જનનો મહિમા હોવાને કારણે એમાં વસ્તુ અને શૈલી મોલિક હોય છે; જ્યારે લોકસાહિત્યમાં અનુભૂતિની કે રીતિની કોઈ મોલિકતા હોતી નથી તેથી વસ્તુ અને શૈલી પણ પરંપરાગત રીતિમાં જોવા મળે છે. લોકસાહિત્યનું સર્જન સાંધિક હોય છે. તે જ રીતે એની સમગ્ર શબ્દસંપતિ પણ સાધિક જ હોય છે.

 

 શિષ્ટ સાહિત્ય એ જીવનનો અનિવાર્ય ભાગ નથી, એથી જ શિષ્ટ સાહિત્યની કૃતિ વાચન માટે જ હોય છે; જ્યારે લોકસાહિત્ય લોકજીવનનો જ એક અનિવાર્ય ભાગ છે અને તેથી એ શિષ્ટ સાહિત્યથી તદ્ન જુદું પડે છે.

 

. પ્રચારની દ્રષ્ટિએ તથા માધ્યમની દ્રષ્ટિએ પડતા ભેદ;

 

 શિષ્ટ સાહિત્યનુ પ્રસારણ માટેનું માધ્યમ કે સાધન છે લિપિ એથી જ એમ કહેવાય છે કે श्ब्दाथो सहितो काव्यं गध्यपध्य तद्वीघटશબ્દ અને અર્થના સહિતવ્યથી શિષ્ટ સાહિત્યનો ઉદ્ભવ થાય છે. તેથી જ એનો ઊગમ લિખિત છે; જ્યારે લોકસાહિત્યનો ફેલાવો મોખિક રીતે થતો જોવા મળે છે. લોકસાહિત્યની કૃતિ રજૂઆત માટે જ હોય છે, તેથી જ એ કાંઠોપકંઠ પ્રસરે છે. લોકસાહિત્યમાં એથી જ મૂળ પકડાતું હોતું નથી, પરંતુ વૃક્ષ જોવા મળતું હોય છે. લોકસાહિત્યનો ફેલાવો તો મોખિક રીતે જ થતો હોય છે, તેથી જ લોકસાહિત્યનાં સર્જનને ચોક્કસ સ્થળ-કાળ ને વ્યક્તિમાં પકડી શકાતું નથી. સાંસ્કૃતિક એકતાવાળો એક આખો સમાજ સાંધિક રીતે એને વહન કરતો અને કંઠોપકંઠ પ્રસારતો હોઈ લોકસાહિત્યની કૃતિમાં નાના-મોટા શાબ્દિક (કે વસ્તુગત પણ) ફેરફાર થયા કરે છે. તેથી લોકસાહિત્ય માટે પ્રયોગ (Performance) એ જ એનો પ્રસાર બને છે.

 

  શિષ્ટ સાહિત્યની કૃતિની માફક લોકસાહિત્યની કૃતિ સ્વાયત નથી, પણ પ્રયોગનિર્ભર છે. વળી લોકસાહિત્યની કૃતિ શબ્દબદ્ધ જ હોય એવુયે નથી. કથા, ઓંઠા વગેરેમાં તો પ્રયોગવેળાએ પ્રસંગાનુંરૂપ શબ્દથી અવતરે, એટલે એક જ વાતનાં અગણિત રૂપ એમાં હોય છે. તેથી જ લોકસાહિત્યમાં નિયત શાબ્દી અને અનિયત શાબ્દી એમ બે જાતની કૃતિઓ પ્રાપ્ત થતી હોય છે. કોઈ પણ પ્રકારની કૃતિ લોકસાહિત્યની હોય પણ એનો પ્રસાર કાંઠોપકંઠ અને પ્રયોગ દ્વારા થતો હોય છે. લોકસાહિત્યની કૃતિનો પ્રયોગ વૈયક્તિક, કલાની વૃત્તિમાંથી જન્મેલો, સામાજિક સંદર્ભયુક્ત, મોખિક અભિવ્યક્તિ વાળો પ્રયોગ હોતો નથી, પરંતુ સંઘ-પરંપરાનુરૂપ, સામાજિક સંદર્ભયુક્ત, સંઘ કે સમાજની જે કોઈ વ્યકિતએ સહજ-સંદર્ભ પ્રાપ્ત થતાં કરેલા સહજ ઉપયોગરૂપે હોય છે. લોકસાહિત્યમાં Context વિના text હોતી નથી. એ જ રીતે પ્રયોગ પણ સંદર્ભાનુરૂપ જ થાય છે.

 

  શિષ્ટ સાહિત્યનુ ઉપાદાન નગરસંસ્કૃતિમાં વસતા ઉચ્ચજાતિના લોકોનું જટિલ જીવન છે. જ્યારે લોકપ્રિય સાહિત્યનું ઉપાદાન ગામ-નગર અને શહેરોમાં વસતાં મધ્યમ વર્ગના લોકોનું કઠિન અને તણાવપૂર્ણ જીવન છે. જ્યારે લોકસાહિત્યનું ઉપાદાન ગ્રામીણ સંસ્કૃતિમાં જીવાતું નિમ્ન જાતિના પછાત અને નિરક્ષર લોકોનું સીધુંસાદું જીવન છે.

 

  શિષ્ટ સાહિત્યનું માધ્યમ શિષ્ટ ભાષા છે, હસ્તપ્રતો અને મુદ્રિત પુસ્તકો છે; જ્યારે લોકસાહિત્યનું માધ્યમ છાપાં, સામયિકો, રેડિયો અને ટેલીવિઝન(T.V.), રંગશાળા અને નાટકો છે અને માધ્યમ કાલીઘેલી તળપદી વાણી છે.

 

. પ્રયોજનની દ્રષ્ટિએ પડતા ભેદ:

 

  શિષ્ટ સાહિત્યનુ મોલિકભૂત પ્રયોજન રસાનુભૂતિનું હોય છે; જ્યારે લોક્સાહીત્યનું પ્રયોજન તો સંસ્કૃતિવહનનું હોય છે. લોકસાહિત્યનું આ પ્રયોજન ક્યારેક કોઈ વિધિ કે રિવાજના ભાગરૂપે આવે કે ક્યારેક બોધ-રંજનાદિ માટે પણ પ્રયોજાય તેથી લોકસાહિત્યનાં પ્રયોજનો વિવિધ હોય છે. સંસ્કૃતિના પરિવહન-સંરક્ષણ-સંપ્રસારણ માટે જેટલાં પ્રયોજનો હોય તેટલા ને અનુરૂપ પ્રસંગપ્રયોજન વૈવિધ્યવાળું આ લોકસાહિત્ય હોય છે. તેથી જ લોકસાહિત્ય કેવળ રસાનુભૂતિ માટે કદી સર્જાતું નથી. લોકસાહિત્યની પ્રત્યેક કૃતિ માટે પ્રયોજન પહેલેથી જ, પરંપરાથી જ નિશ્ચિત હોય છે. દા.ત. શીતળા સાતમની કથા કે મૃત્યુ પાછળ ગવાતા મરશિયા.

 

. પરંપરાની દ્રષ્ટિએ પડતા ભેદ:

 

 શિષ્ટ સાહિત્ય મોટે ભાગે લિખિત પરંપરાનું સાહિત્ય છે. એમાં ક્યારેક અપવાદરૂપ કાવ્યો કે અન્ય પ્રકારના સર્જનો હોય છે કે જે લિખિતરૂપે નથી. જેમ કે મંત્રો, વેદ, ગીતા કે પ્રેમાનંદ જેવાના કાવ્યો. શિષ્ટ સાહિત્યનો સર્જક તો ‘મં મારું લઇ જાય ત્યાં જવું પ્રેમને સન્નિવેશે એમ વિચારી નિરુદેશ રીતે ચાલતો હોય છે; જ્યારે લોકસાહિત્યની રચના જાતે જ પારંપારિક હોય છે અને બહુધા તે અલિખિત કે કંઠસ્થ પરંપરાની હોય છે. એ ઉપરાંત તે મોટેભાગે સુદીર્ઘ પરંપરા લઈને ચાલે છે.

 

 ટૂંકમાં શિષ્ટ સાહિત્ય વૈયક્તિક, જ્ઞાત કર્તુત્વવાળું, મોલિક, લિખિત, શબ્દાર્થસમ્યુંક્ત અને પાઠરહિત કે એક ચોક્કસ પાઠનાં આગ્રહવાળું, રસાનુભૂતિક્ષમ કલાસર્જન છે: જ્યારે લોકસાહિત્ય અજ્ઞાત કર્તુત્વવાળું, સાંધિક કર્તુત્વવાળું, પારંપારિક, કંઠસ્થ, શબ્દાર્થે કાંઇક અસમ્પૃક્ત, સમૃતિને અવલંબીને રચાયેલું, કાંઠોપકંઠ તરતું- ઊભરતું રહેવાથી મબલક પાઠાંન્તરો ને રૂપાંતરો વાળું, એ દ્રષ્ટિએ અત્યંત લવચિલ-રૂપાંતરક્ષમ છતાં મૂળ કાઠાએ જડબેસલાક અને એવું બનાવતા Motifs જેવા અફર તત્વોના વિનિયોગવાળું, નિપત શાબ્દી કે અનિયત શાબ્દી ગમે તે પ્રકારનું હોઈ શકે, પણ પ્રયોગનિર્ભર જ એવું હોય છે કે એને ન કેવળ આંખથી પમાય, ન કેવળ કાનથી પમાય, પ્રયોગથી પમાય એવું એ હોય છે. લોકસાહિત્યની કૃતિ સામાજિક/સાંસ્કૃતિક સંદર્ભથી મુક્ત નથી; Text સાથે જ Context હોય જ.  


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ