Recents in Beach

ગુજરાતી ભાષામાં શબ્દપ્રયોગ|Vocabulary in Gujarati language

ગુજરાતી વ્યાકરણ 

 શબ્દપ્રયોગ



કોઈપણ વાત કે વિચાર જ્યારે વાક્યરૂપે મુકાય છે ત્યારે પ્રથમ ‘શબ્દ’ પસંદગી થાય છે. એક જ અર્થ ધરાવતા ઘણાં શબ્દો કોશમાં હોય છે. એક જ શબ્દ જુદી અર્થછાયાઓ પ્રગટ થતો હોય તેવું પણ બને છે.

 

 ‘તેઓ ખૂબ સરસ બોલ્યા અને ‘તેઓ મને ખૂબ બોલ્યા- આ બંને વાક્યોમાં પ્રથમ વાક્યમાં ‘બોલવું એટલે રસ પડે તેવો અર્થ છે, જ્યારે બીજા વાક્યમાં બોલવું એટલે ‘વઢવું એવો થાય છે.

 શબ્દકોશમાં- ‘દેખાવું એટલે ‘સૂઝવું અને ‘સૂઝવું એટલે ‘દેખાવું એમ બંને શબ્દોના સમાન અર્થ આપેલા છે. ‘દાદાને ઘણાં વરસ થયાં એટલે ઓછું દેખાય છે અને ‘તેમને આંખે તકલીફ હોવાથી ઓછું સૂઝતું – આ વાક્યોમાં કોશમાં આપેલા અર્થ મુજબ જ બંને શબ્દો વપરાય છે પણ, ‘દુષ્કાળ પડ્યો એટલે ખેડૂતને શું કરવું તે સૂઝતું નહોતું- આ વાક્યમાં ‘સૂઝવુંનો અર્થ ‘અતિશય મૂંઝવણમાં આવી પડવું એવો થાય છે.

 

  આ રીતે લખાણમાં વપરાતા શબ્દો તે વાક્યના સંદર્ભો મુજબ અર્થો ધારણ કરે છે એટલે કયા શબ્દને ક્યાં અને કેવા સ્વરૂપે મૂકવો તે કુશળતા માગી લેતું કામ છે. શબ્દની યોગ્ય પસંદગી દ્વારા જ લખાણમાં સચોટપણું અને ચોકસાઈ આવે છે. એક શબ્દને બદલે તેવો જ અર્થ ધરાવતા બીજા શબ્દોને આપણે ‘પર્યાયવાચી શબ્દો કે સમાનર્થી શબ્દ તરીકે ઓળખીએ છીએ. સામાન્ય સંજોગોમાં આપણે જે બે શબ્દોને પરસ્પરના પર્યાય ગણતા હોઈએ તે શબ્દોની સૂક્ષ્મ અર્થછાયાઓ થોડી ભિન્ન પણ હોય છે.

 

 આમંત્રણ શબ્દના પર્યાય તરીકે સામાન્ય સંજોગોમાં આપણે ‘નિમંત્રણ વાપરી લઈએ છીએ; પણ તેને સૂક્ષ્મ રીતે જોઈએ તો- આમંત્રણ એ મોટા સમુહને અપાતું નોતરું છે, જ્યારે નિમંત્રણ એ કોઈ ચોક્કસ પસંદગીની વ્યક્તિઓને અપાતું નોતરું છે. એ જ રીતે ‘મોટું શબ્દ આપણે વિસ્તાર, કદના અર્થમાં પ્રયોજીએ છીએ પણ, ‘ત્યાં એક મોટું સરોવર આકાર લઈ રહ્યું છે.’ અને ગાંધીજી તો ભારત દેશના એક મોટા માણસ હતા તો વળી, ‘એ માણસે તો આખો દિવસ મોટી મોટી વાતો કરી!’

 

 આ ત્રણેય વાક્યોમાં રહેલા ‘મોટા શબ્દની અર્થછાયાઓ વિશે વિચારી જુઓ: ‘મોટું સરોવર એમાં કદની વિશાળતાનો અર્થ છે,મોટા માણસમાં માણસના ગુણની કદર થઈ છે અને ‘મોટી મોટી વાતોમાં તદ્દન નકામી વાતો એવો અર્થ ઊપસે છે. ઘણી વખત બંને શબ્દો એકબીજાના પર્યાય હોવા છતાં એકબીજાનાં સ્થાને તેમને બદલી શકાતા નથી.

 

 સૂક્ષ્મ અને ‘ઝીણું બંને શબ્દો એકબીજાના સમાનાર્થી છે. ‘રસ્તે ચાલ્યા જતા ગાડાનાં પૈંડામાંથી ઝીણી રજ ઊડતી હતી.’- આ વાક્યમાં ‘ઝીણી ને બદલે ‘સૂક્ષ્મ શબ્દ પ્રયોજી શકીએ: ‘રસ્તે ચાલ્યા જતા ગાડાના પૈંડામાંથી સૂક્ષ્મ રજ ઊડતી હતી.’ હવે ‘પિતાજી ઘણું જ ઝીણું ફાળિયું માથે બાંધતાની જગ્યાએ ‘પિતાજી ઘણું જ સૂક્ષ્મ ફાળિયું માથે બાંધતા એમ કહી શકાશે નહિ.

 

 આવા શબ્દોનો કોશગત અર્થ લઈને વાક્યને સમજવા મથીએ તો અનુકુળ-યોગ્ય કે સાચી સમજ મેળવી શકતા નથી. તેમને વિશિષ્ટ સંદર્ભો સાથે સમજવાથી વાતને સારી-સાચી રીતે પામી શકાય છે. એટલે શબ્દો પ્રયોજનાર તેને મૂળ અર્થથી દૂર લઇ જઈને જુદા જ સંદર્ભમાં પણ વિશેષ અર્થ સ્ફુટ કરવા માટે પ્રયોજે છે એ રીતે તે મૂળ ભાવ- રજૂઆતની સાર્થકતા લાવવાનો પ્રયત્ન કરે છે. આમ કરવાથી અભિવ્યક્તિ કર્ણપ્રિય, લયબદ્ધ, લાઘવપૂર્ણ અને અસરકારક બને છે.   


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ