‘બાર ગાઉએ બોલી બદલાય’ એ કહેવત પ્રમાણે ગુજરાતમાં અનેક પ્રાદેશિક
બોલીઓ છે. વ્યાપક રીતે જોઈએ તો ગુજરાતમાં મુખ્યત્વે ચાર પ્રાદેશિક બોલીઓ છે: ૧.
ઉત્તર ગુજરાતની પટ્ટણી બોલી, ૨. મધ્ય
ગુજરાતની ચરોતરી બોલી, ૩. દક્ષિણ ગુજરાતની
સુરતી બોલી અને ૪. સૌરાષ્ટ્રની સૌરાષ્ટ્રી કે સોરઠી બોલી.
નીચે આપણે જાણીએ કે આ ચાર બોલીઓમાં કેવા
પ્રકારની ઉચ્ચારણ વિવિધતા રહેલી છે.
૧. ઉત્તર ગુજરાતની પટ્ટણી બોલી
(ક) શબ્દને અંતે
માન્ય ભાષામાં જ્યાં ‘એ’ હોય ત્યાં ‘ઈ’ સંભળાય છે. દા.ત.- કરે છે – કરશિ, કરે છે –
કરિ છિ, ઘરે- ઘરિ, આવશે- આવશિ.
(ખ) શબ્દના
આરંભમાં અથવા અંતમાં ‘આ’ હોય ત્યાં ‘ઓં’
જેવું સંભળાય છે. દા.ત.- ગામ- ગોંમ, ત્યાં-ત્યોં,
પાણી-પોંણી,અહીં- ઓંય, પાંસરી-પોંસરી, નાખ-
નોંખ.
(ગ) શબ્દને અંતે
બોલાતો ‘હ’ આ બોલીમાં
સંભળાતો નથી. દા.ત.- નહિ- નૈં, અહાં- ઐં.
(ઘ) શબ્દના આરંભે
બોલાતો ‘ઈ’ આ બોલીમાં ‘ઍ’ જેવો સંભળાય છે. દા.ત.- ભીનું- ભેંનું, મીણ-મેણ.
(ચ) શબ્દના આરંભે
‘હ’ નાં ધ્વનિ સાથે
ઉચ્ચારતો ‘આ’ બોલીમાં ‘ઍ’ જેવો સંભળાય છે. દા.ત.- ન્હાનું- ન્હેનું.
(છ) શબ્દના
આરંભના ‘ક’ નો ‘ચ’, ‘ખ’ નો ‘છ’, ‘ગ’ નો ‘જ’ ઉચ્ચારાય છે. દા.ત.- ક્યાં-ચ્યાં, કેમ-ચ્યમ, ખેતર-છેતર, ગયો હતો- જ્યો’તો.
(જ) આ બોલીમાં ‘ચ’ નો ‘સ’ ચાર-સાર, ‘છ’ નો ‘શ’ – છાસ-શાશ, ‘ઝ’ નો ‘શ્’ ઝાડ-શ્ઝાડ ને મળતો ઉચ્ચાર થાય
છે.
(ઝ) કેટલાક
શબ્દપ્રયોગો વિશિષ્ટ છે. દા.ત.- ત્યારે- તાણે, ત્યાં- તાં, પાસે-કને, કનિ, ચાલ- હેંડ, આગળો-અડો, વાસ-વાખ, મૂક-મ્હેલ, રાખ વગેરે.
ઉદાહરણ:- ‘આંહિ આયે બે દહાડા થ્યા, જાણો જ સો તો ક શમો ફરિ જ્યો શેં, નકર ભાટ ભરામણને દેહાવર તે હિદ જવું પડે? તમ હરખા બાપા પાસે આઈને શકન નાખતો ક ન્હાલ થઈ
જતા. હવ તો મજુરી કરિ કરિને તુંમલિઅ તૂટી જાય સે. ઈનું હત્યાનાહ જાય. મેંમઈમાં
માતા કાલકાનું ખપ્પર સાલે સે. ઈનું હારું થજો ક મારગમાં પહોરના જેવું દખ નહિ.’
૨. મધ્ય ગુજરાતની ચરોતરી બોલી:-
(ક) ક્રિયાપદને અંતે ઉચ્ચારતા ‘ઇ’, ‘ઉ’ નું ઉચ્ચારણ
અત્યંત હ્સ્વ, લગભગ ‘અ’ જેવું થાય છે. દા.ત.- હું નિશાળે જાઉં છું-
હું નેહાળ જાછ.
(ખ) ‘આઈ’ નો ઉચ્ચાર “ઐ’ થાય છે. ભાઈ-ભૈ, બાઈ- બૈ.
(ગ) ‘આં’ ને સ્થાને ‘ઓં’ ઉચ્ચાર. દા.ત.- ગામ-
ગોંમ, પાણી-પોણી, આનો-ઓનો, માન-મૉન.
(ઘ) ‘ઈ’ ને સ્થાને ‘ઍ’ નો ઉચ્ચાર. દા.ત.- નિશાળ- નેહાળ, લીમડો- લેબડો, ભીંત- ભેંત.
(ચ) શબ્દને અંતે
આવેલો અનુનાસિક બોલાતો નથી. દા.ત.- જાઉં- જઉ, કરું- કરુ, લખવું-લખવુ.
(છ) શબ્દની
શરૂઆતના ‘ક’નો ‘ચ’, ‘ગ’,નો ‘જ’, ‘ખ’ નો ‘છ’ અથવા ‘શ’ ઉચ્ચાર. દા.ત.- ક્યાં- ચ્યાં, ગયા-જ્યા, ખેતર-છેતર, શેતર.
(જ) શબ્દને અંતે
‘ય’નો ઉચ્ચાર સંભળાય. દા.ત.- આંખ-આંખ્ય, લાવ- લાવ્ય, કર-કર્ય.
(ઝ) ‘સ’ નો ‘હ’ ઉચ્ચાર. દા.ત.-
પાસે-પાહે, વિશ્વાસ- વિહવાહ, વિસામો-વિહામો.
(ટ) નારી જાતિના
બહુવચનનો પ્રત્યય ક્રિયાપદને પણ લાગે. દા.ત.- બેનડીઓ ઊભી હતી- બેનડિયો ઊભિયો
હતિયો.
(ઠ) નાન્યતર
જાતિના બહુવચનમાં ‘આં’ પ્રત્યય. દા.ત.-
ખેતર- ખેતરાં/ શેતરાં, ઘરો- ઘરાં, ઢોરો- ઢોરાં.
(ડ) કેટલાક
શબ્દપ્રયોગો વિશિષ્ટ છે. દા.ત.- દિવસ-દન, છોકરો- છેયો, છોકરી-છોડી, આપો- આલો, ચાલો- હેંડો.
ઉદાહરણ:-
‘ચેટલાક ચોરો ઘરમાં પેહીને ચોરી કરવાના
વેચારથી તે માંહે પેઠા. મરઘડા વના કશુ લેવા જેવુ નહિ જડ્યું, તેથી તે તેને ઉચકીને લૈ જ્યા. પણ તે તેને મારિ
નાંછવા જતા’તા તાણે જિવને હારું બહુ
કાલાવાલા કર્યા, તેમને હભારીને ચેટલો
કામનો તે હતો માણહને.... તારુ માથુ હમે મચેડી નાછીશું, કેમ જે તુ લોકોને ભડકાવો છ અને જગાડી રાખો છ.
તેથી તારે લીધે નિરાંત હમે ચોરી કરિ હકતા નથી.’
૩. દક્ષિણ ગુજરાતની સુરતી બોલી:-
(ક) શબ્દને અંતે આવેલા
‘ઈ’, ‘ઉ’ નાં ઉચ્ચારો હ્સ્વ ‘અ’ જેવા થાય છે. દા.ત.- હું જાઉં છું- ઉં જૌં છ, શું કરે છે?- સું કર છ?
(ખ) ‘ક’ નો ‘ખ’ અને ‘ગ’ નો ‘ઘ’ થાય છે. દા.ત.-
એકલો- એખ્ખલો, ગોટાળો- ઘોટાળો.
(ગ) ‘ટ’ નો ‘ત’, ‘ણ’ નો ‘ન’, ‘ઢ’ નો ‘ધ’, ‘ઠ’ નો ‘થ’ થાય છે. દા.ત.- છાંટો- છાંતો, માણસ-માનસ, કઢી-કધી, એકઠા-એકથા.
(ઘ) ‘શ’ નો ‘સ’ થાય છે. દા.ત.-
શાક- સાક (હાક), પાઠશાળા- પાઠસાળા.
(ચ) ‘સ’ નો ‘હ’ થાય છે. દા.ત.-
સુરત- હુરત.
(છ) કેટલીક વાર ‘હ’ બોલાતો નથી. દા.ત.- નહીં- ની, ચાહ- ચાઈ, કહ્યું-કયું.
(જ) શબ્દની
શરૂઆતમાં બોલાતા ‘ન’ નો ‘લ’. દા.ત.- નાખ- લાખ.
(ઝ) ‘ળ’ નો ‘લ’ ઉચ્ચાર થાય છે. દા.ત.- મળવું- મલવું.
(ટ) કેટલાક
શબ્દપ્રયોગો વિશિષ્ટ છે. દા.ત.- હું આવત- હું આવતે, કરું છું-કરતો
છે, આવે છે- આવતો છે.
(ઠ) કેટલાક શબ્દ
માન્ય ભાષા અથવા અન્ય બોલીમાં સાંભળવા મળતા નથી તેવા આ બોલીમાં છે. દા.ત.-
પોર્યો-છોકરો, પોરી-છોકરી, એવણ-એઓ, તેવણ-તેઓ, ઉતો-હતો વગેરે.
ઉદાહરણ:- ‘એક જણને બે પોયરા ઉતા. તેમાંના
નાલ્લાએ બાપને કયું કે બાપા જે મિલકટ મારે ભાગે ટે મને આપિ લાખો. બાપે મિલકટના બે
ભાગ પાઈડા. ઠોડા ડહાડામાં નાલ્લો પોયરો હગલું ઉદાવી ડીઢુ ટે વખતે ટે મલખમાં મોટો
ડુકાલ પઈડો ને ટેને ટંગી પડવા લાઈગી.
૪. સૌરાષ્ટ્રની સૌરાષ્ટ્રી (સોરઠી) બોલી:-
(ક) ‘એ’ નો ઉચ્ચાર ‘ઈ’ અને ‘ઓ’ નો ઉચ્ચાર ‘ઉ’ થાય છે. દા.ત.- એ-ઈ, તે-તી, તેમ-તિમ,
છોકરાઉ- છોકરાવું, છોકરાવ.
(ખ) ‘એ’ નો ઉચ્ચાર ‘અ’ જેવો થાય છે. દા.ત.- તું શું કરે છે?- તું શું કર છ?
(ગ) ‘ય’ નો વ્યાપક ઉચ્ચાર થાય છે. દા.ત.- વાત-વાત્યું.
(ઘ) અનુનાસિક
ઉચ્ચાર વિશેષ સંભળાય છે.
(ચ) ‘ચ’ નો ‘શ’, ‘છ’ નો ‘શ’, ‘જ’ નો ‘ઝ’ અને ‘ઝ’ નો ‘શ્ઝ’ ઉચ્ચાર સંભળાય છે. દા.ત.- ચાર-શ્યાર, છોકરો-શોકરો, જમવું-ઝમવું.
(છ) કેટલાક
શબ્દપ્રયોગો વિશિષ્ટ છે. દા.ત.- ગાયો- ગાયું, બાઈઓ-બાયું, જઈશું-જાશ્યું, કરીશું-કરસ્યું.
(જ) કેટલાક માન્ય
ભાષામાં અથવા અન્ય બોલીઓમાં સાંભળવા મળતાં નથી તેવાં ઉચ્ચારણો છે. દા.ત.-
નયા-ત્યાં, માથે-ઉપર, કેદુના-ક્યારના, ઓરો-પાસે, મોર્ય-પહેલાં, પોરો-વિસામો, ખોરડું-ઘર, ઉઝેરવું-ઉછેરવું, બરકવું-બોલાવવું, સાકરવું-બોલાવવું, વયો ગયો-જતો રહ્યો, ભાળવું-જોવું.
ઉદાહરણ:- ‘એક હતા
ડોસીમા. ઈ રોજ કથાવારતા સાંભળે ને દેવદર્શને જાય. રોજ પાદરના મંદિરે જાય. ઉંવા જઈ
દર્શન કરે, ચોખા કે જારની વાટકી લૈ
આવ્યાં હોય ઈ ઉંબરે ઠલવે ને સોપારી ને પૈસો મૂકે ને પાછાં ઘેરય આવે, ઘેરય આવીને માળા ફેરવે.’
0 ટિપ્પણીઓ
Please do not Enter any Spam Link in the Comment box.😈