Gujarat TAT-S Mains Exam
TAT Exam information in Gujarati
સાર લેખન એટલે શું?
સંક્ષેપીકરણ એટલે
વિસ્તારથી કહેવાયલી વિગતના મર્મને સમજીને, તેમાંની વધારાની લાગતી વિગતોને દૂર
કરીને, મર્મને હાનિ ન પહોંચે તે રીતે, ટૂંકમાં અને
સચોટ રીતે મૂળ વાતને ફરીથી મુકવી તે. સામાન્ય રીતે સંક્ષેપીકરણ એટલે મૂળ
લખાણના, પરિચ્છેદનો ત્રીજો ભાગ લખવો તે.
(અહીં એક વાત યાદ
રાખવી કે ત્રીજો ભાગ એટલે તમારે અપાયેલા પરિચ્છેદનાં શબ્દો કે વાક્યો ગણીને તેનો
ત્રીજો ભાગ કરવો- એવો અર્થ નથી.)
સંક્ષેપીકરણ એટલે ભાષાનો કરકસરભર્યો
ઉપયોગ. જરૂર ન હોય તો નિપાત કે સંયોજક પણ ન વાપરવાં તે કરકસર.
સંક્ષેપીકરણ કરવા માટે બે તબક્કામાંથી પસાર થવું પડે.
૧). મૂળ લખાણનું
યોગ્ય અર્થગ્રહણ કરવું, તેના મર્મને –
મહત્વની વિગતોને સમજવી, સારરૂપ વિગત
સમજવી.
૨). અર્થગ્રહણ
થયા પછી વધારાની આલંકારિક રજૂઆતો, દ્રષ્ટાંતો, પુનરાવર્તનો આદિને દૂર કરી મર્મને ઓછા અને
સચોટ શબ્દો દ્વારા સઘન પુનર્લેખન કરવું.
યોગ્ય સંક્ષેપીકરણ કરવા માટે જરૂરી પ્રક્રિયા:
આખા પરીચ્છેદને ત્રણ વખત વાંચો. પહેલી વખત વાંચો
ત્યારે એમાં શું કહેવાયું છે, તે સમજો.
બીજી વાર વાંચો
ત્યારે તમે જે સમજી રહ્યા છો, તેમાં કાંઈ ચુકી
નથી જવાતું, તે તપાસો,
ત્રીજી વાર વાંચો
ત્યારે તમે સમજેલા મર્મને વ્યક્ત કરતા શબ્દોને રેખાંકિત કરો.
૧ ફકરામાં કઈ
વિગતો દ્રષ્ટાંતરૂપ છે, તે સંજો, તે સંક્ષેપ કરતી વખતે ટાળવાની થશે.
૨. તે જ રીતે
પુનરાવર્તન પામતી વિગતો પણ ટાળવાની છે, તે વિગતો તારવો.
૩. મર્મને સીધી ન
સ્પર્શતી હોય તેવી વિશેષણ, ક્રિયાવિશેષણ, ગોણવાક્ય વગેરે જેવી ભાષાસામગ્રી પણ ન લેવી.
૪. મૂળ ફકરાના
વાક્યો જેવા છે તેવા જ લેવાનાં નથી, તે ખાસ યાદ
રાખો.
૫. શબ્દો, મૂળ બાબત વ્યક્ત કરે છે તેને યોગ્ય
વાક્યરચનામાં ગોઠવો.
૬. તમે અત્યાર
સુધીમાં સંધી, સમાસ, શબ્દસમૂહ માટે એક શબ્દ, રૂઢીપ્રયોગ, કેહવતો
આદિનો અભ્યાસ કર્યો છે, તેનો
સંક્ષેપીકરણની પ્રક્રિયામાં ઉપયોગ કરો.
૭. આ વાક્યોને
મૂળ પરીચ્છેદના સઘન સંક્ષેપરૂપ ફકરા તરીકે લાખો.
૮. મૂળ પરિચ્છેદ
અને સંક્ષેપ રૂપે લખાયેલા લખાણને ફરી એક વાર વાંચો અને તપાસો કે કોઈ મહત્વની વિગત
સંક્ષેપીકરણ કરતી વખતે ચુકી નથી જવાઈ ને!
૯. સંક્ષેપ
શબ્દોનો કરવાનો છે, ભાવ-અર્થનો સંક્ષેપ ન
થાય એ ધ્યાન રાખવું.
સંક્ષેપીકરણ કરી
યોગ્ય શીર્ષક આપવું. (તમને યોગ્ય
લાગતું શીર્ષક જે સંક્ષેપ કરેલ ફકરાને બંધ બેસતું હોય એવું આપવું)
ટૂંકમાં, સંક્ષેપીકરણ કરતી વખતે ખાસ યાદ
રાખો કે અહીં અર્થ કેન્દ્રસ્થાને છે, કહેવાયેલી મૂળ
વાતનો વિચાર-મર્મ કેન્દ્રસ્થાને છે અને ભાષાનો કરકસરભર્યો ઉપયોગ અપેક્ષિત છે.
ઉદાહરણ:-
“લોકો મારું કામ જુએ કે ન જુએ, તેની કદર કરે કે ન કરે, મને શાબાશી આપે કે ન આપે, તોયે હું સંપૂર્ણ નિષ્ઠાથી અને મારી શક્તિના
ઉચ્ચતમ ધોરણ મુજબ મારું એ કામ કરતો રહીશ. પરીક્ષા હોય કે ન હોય તોયે હું સરખી રીતે
વાંચીશ, કસોટીના ગુણ છેલ્લા પરિણામ માટે ગણાય કે ન
ગણાય તોયે હું તે સરખી કાળજીથી લખીશ; ક્રિકેટમેચ
ટ્રોફી માટેની હોય કે ખાલી ‘મૈત્રીરમત’ હોય તોય હું
સરખા ઉત્સાહથી રમીશ. સ્થૂળ વળતરની આશા નહિ, પણ મારા લાયક
કામ કર્યાનો આત્મસંતોષ એ મારું પ્રેરકબળ હશે. મનના આ વલણને કલાકારો ‘ક્લા ખાતર
કલા’ કહે છે. પણ છે તો જુદી જુદી પરિભાષામાં એક જ સિદ્ધાંતના ભાષાંતર. કામને અર્થે
જ કરેલું ઉત્તમ કોટિનું કામ. પૂજામાં દેવમુર્તિને ચોખા ચઢાવાય છે. ચોખાના દાણા
અક્ષત હોવા ઘટે. એ સારા દાણા ભેગા એક તૂટેલો હોય તો ‘ચાલશે’ એમ માને તે સાચો પુજારી નથી.” – ફાધર વાલેસ
જવાબ:-
યોગ્ય શીર્ષક- "જીવનનો સાચો પુજારી"
કદર કે શાબાશીની આશા રાખ્યા વિના પુરેપુરી
શક્તિ અને સંપૂર્ણ નિષ્ઠાથી હું મારું કાર્ય કરતો રહીશ. પરીક્ષા કે ક્રિકેટમેચનું
પરિણામ નહિ, પણ એમાં ઉત્સાહપૂર્વકની
મારી સામેલગીરીનું મારે મન મહત્ત્વ છે. કારણ કે વળતર નહિ પણ આત્મસંતોષ એ જ મારું
પ્રેરકબળ છે. ‘કામને અર્થે કરેલું ઉત્તમ કોટિનું કામ’ એ ‘કલા ખાતર કલા’ જેવો જ સિધાંત છે.
0 ટિપ્પણીઓ
Please do not Enter any Spam Link in the Comment box.😈