૧. પ્રવાસનું માધ્યમ:-
પ્રવાસ સાહિત્ય મુખ્યત: ગદ્યના માધ્યમ
દ્વારા સર્જાતું સાહિત્યસ્વરૂપ છે. લેખક માટે તેની પ્રવાસ-અનુભૂતિ વ્યક્ત કરવા
ગદ્યનું વાહન સ્વભાવિક સુલભ અને સરળ નીવડયું છે. પરંતુ એનો અર્થ એ નથી કે પદ્યમાં
પ્રવાસવર્ણન ન રચી શકાય. ગુજરાતીમાં પદ્યમાં પણ રચાયેલાં કેટલાંક પ્રવાસપુસ્તકો
પ્રાપ્ત થાય છે. કવિ શિવલાલ ધનેશ્વર રચિત ‘કચ્છ ભૂપતિ પ્રવાસવર્ણન’, હરિહર ધ્રુવ
કૃત ‘પ્રવાસ પુષ્પાંજલિ’ જેવા
પ્રવાસવર્ણન પદ્યમાં લખાયાં છે. પરંતુ આવાં પદ્યાત્મક પ્રવાસપુસ્તકોને અપવાદ રૂપ જ
ગણવા જોઈએ. તેવા કોઈ જૂજ અપવાદ બાદ કરતાં ઘણુંખરું પ્રવાસસાહિત્ય ગદ્યમાં જ રચાયું
છે. તેનું મુખ્ય માધ્યમ ગદ્ય છે, પરંતુ તેમાં
ગદ્ય માટે સહજ એવા બુદ્ધિતત્વ ઉપરાંત અનેકવાર પદ્યમાં રચાયેલાં કાવ્યમાં હોય છે
તેવી ભાવાત્મકતા પણ જોવા મળે છે. કાકાસાહેબ કાલેલકર, કલાપી, સુંદરમ વગેરેના
પ્રવાસપુસ્તકોમાં આપણને પ્રવાહી રસાળ કાવ્યમય ગદ્યના દર્શન અનેકવાર થાય છે.
૨. વસ્તુ-નિરૂપણકલા:-
પ્રવાસસાહિત્ય પણ સાહિત્ય છે, અને તેથી
નવલકથા, નાટક, નવલિકા વગેરેની જેમ તેમાં પણ નિરૂપણનું ઘણું મહત્વ છે.
પ્રવાસવર્ણનમાં લેખકે કરેલા પ્રવાસના આરંભથી માંડી અંત સુધીના સમય દરમિયાન તેણે
નિહાળેલી સૃષ્ટિ તથા અનુભવેલી ઘટનાઓનું સુરેખ સંકલન થાય છે. પરંતુ લેખકે પ્રવાસ
દરમિયાન જે કંઈ જોયું, સાંભળ્યું, અનુભવ્યું હોય તે બધું જ સ-રસ અને નીરસ, મહત્ત્વનું અને તુચ્છ બધું જ કંઈ
પ્રવાસવર્ણનમાં રજૂ કરવું આવશ્યક યા ઇષ્ટ નથી. તેમાંથી અસામાન્ય, પ્રભાવક, આકર્ષક પ્રસંગ-દ્રશ્ય-પરિસ્થિતિપાત્ર-પ્રવૃત્તિની
પસંદગી થાય અને તેમણે હ્રદયગમ રૂપમાં રજૂ કરવામાં આવે તે જ ઇષ્ટ લેખાય.
પ્રવાસવર્ણનમાં અનેક નાની-મોટી, એકમેકથી
ભિન્નકોટિની ઘટનાઓ આકારિત થાય છે. તે કારણે તેમાં અન્ય સર્જનાત્મક
સાહિત્યસ્વરૂપોની જેમ, કોઈ એક ખંડ, સળંગ ઘટના પ્રવાહ વહેતો હોતો નથી. તેમાં અંકિત
પચરંગી ઘટનાઓની ભરમાર ક્યારેક ‘ખંડલહરી’નો જ અનુભવ કરાવે
છે. પરંતુ ઉત્તમ સર્જક પ્રવાસની વ્યાપક સૃષ્ટિમાંથી વિશિષ્ટ પ્રસંગોની પસંદગી કરી
તેમનું સુશ્લિષ્ટ સંયોજન કરી કૃતિને – ‘નહિ સાંધો નહિ રેણ’ દર્શાવતી- એક અખંડ, સળંગસૂત્ર અને સાધત રસળતી
બનાવે છે.
પ્રવાસસાહિત્યમાં લેખકને તેના પોતાના
પ્રવાસનું આલેખન કરવાનું હોવાથી તેનું વિષયક્ષેત્ર માર્યાદિત બની રહે છે. પરંતુ
તેની પ્રવાસ સૃષ્ટિ ઘણી વિસ્તૃત હોય છે. પ્રવાસલેખકે વિશાળ સૃષ્ટિ પર ભ્રમણ કરતાં
જે ભાતીગળ અનુભવો પ્રાપ્ત કર્યા હોય તેમનું નિરૂપણ તે કરે છે. અર્થાત્ તેમાં બનેલી
વાસ્તવિક ઘટનાઓનું આલેખન થાય છે.પરંતુ કૃતિ માત્ર તથ્યો અને હકીકતોનું જ સંકલન બની
રહે તો તે નીરસ અને શાસ્ત્રીય સર્વસંગ્રહ સમી બની જવાનો ભય રહે છે. જો તેમાં કેવળ
કલ્પનાનો જ આશ્રય લેવાય તો તે પ્રવાસકથાને બદલે કાલ્પનિક કથા બની જવાની શક્યતા ઊભી
થાય છે. સાચી ઘટનાઓ કે વિગતોનું સુરેખ સંયોજન અને વિવેક પૂર્ણ કલાન્વિત નિરૂપણ
અનન્ય કોશલ માગી લે છે. લેખકે પ્રવાસ દરમિયાન પ્રકૃતિ- સંસ્કૃતિનાં જે કંઈ દ્રશ્ય
જોયાં હોય તેમનાં યથોચિત વર્ણન, તેમનાં દર્શનથી
જાગેલ મનોભાવ, મળેલ વ્યક્તિઓ સાથેની
વાતચીત અને તેમનાં વ્યક્તિત્વની પડેલી છાપ વગેરે વિશેની નોંધ પરિશ્રમ- વિવેક-
ચોકસાઈપૂર્વક કરી લીધી હોય અને એ પ્રમાણભૂત સાધનસામગ્રીને આધારે સ્વાભાવિક ઉપરાંત
આકર્ષક અને હ્રદયગમ લાગે તે રૂપમાં પ્રવાસકથા રજૂ કરી હોય, તો તે નિ:શક વાચકો માટે મોટા આકર્ષણરૂપ બની
રહે. તેમાં અપૂર્ણ-અસ્પષ્ટ લાગ્યાં કરે તેવા અલ્પચિત્રણને તેમજ અવિશ્વસનીય લાગે
તેવા અતિચિત્રણને સ્થાન હોઈ શકે નહિ. પ્રવાસકથામાં લેખકની પોતાનો જ વધુ પડતો પથારો
થઇ જાય તે પણ ઉચિત નથી. વાચકો લેખકને નહિ
પણ તેણે જોયેલ અવનવાં પ્રદેશ- દ્રશ્ય- લોકોને જોવા ઝંખતા હોય છે. તેમને બદલે લેખક
જ જો સતત દ્રષ્ટિ સમક્ષ રહ્યાં કરતો હોય તો વાચક તેની પ્રવાસકથાથી વિમુખ બની જાય
છે. વસ્તુત: પ્રવાસકથા એવી હોય કે લેખકે પ્રવાસ દરમિયાન જે કંઈ જોયું, સાંભળ્યું, અનુભવ્યું હોય
તે બધું વાચકના મન:ચક્ષુ સમક્ષ સુરેખ, સ્પર્શક્ષમ,જીવંત અને હૃદય રૂપમાં ખડું થઇ જાય.
પ્રવાસવર્ણન વાચકને પણ લેખકનો સહપ્રવાસી હોવાનો અનુભવ કરાવે, વર્ણ્ય પ્રદેશ જોવાની તેનામાં ઉત્કટ ઝંખના
જગાવે તેવું હોય તો જ તે સ-રસ અને સફળ કહેવાય.
પ્રવાસવર્ણનમાં લેખકના પ્રવાસના અથથી ઈતિ
સુધીના સમય દરમિયાન તેને થયેલ વિવિધ દર્શન, શ્રવણ, અનુભવનું આલેખન થાય છે. પરંતુ તેમાં પ્રસંગોની
ક્રમિકતાને કે દરરોજ જોવા મળેલ દ્રશ્યોના સિલસિલાને જડરૂપમાં વળગી રહેવાનો કોઈ
ચોક્કસ આગ્રહ હોઈ શકે નહિ. લેખક મુક્ત રીતે પ્રભાવક પ્રસંગોની મનપસંદ ફૂલગૂંથણી
કરી શકે છે. કલાપીએ ‘કાશ્મીરનો પ્રવાસ’માં પ્રવાસનો
કાળક્રમ જાળવવાને બદલે, વચમાંથી
પ્રવાસવર્ણનનો આરંભ કર્યો છે અને અંતભાગમાં પ્રવાસનો આરંભ આલેખ્યો છે. પરંતુ તે
કારણે કૃતિની રસવત્તા પર કશો કુપ્રભાવ પડ્યો હોય તેવું જોવા મળતું નથી. તેથી ઊલટું
પ્રસંગોની ક્રમિકતા જાળવ્યાં છતાં, કેટલાંક
પ્રવાસપુસ્તકો નીરસ બન્યાં છે, દા.ત. ફરામજી
દીનશાજી પીટીટ કૃત ‘યુરોપ, અમેરિકા, જાપાન અને ચીન’, સારાભાઇ ચૌકસી
કૃત ‘ભારતદર્શન’ વગેરે. કાકાસાહેબ
કાલેલકર, સુંદરમ જેવા પ્રવાસ લેખકો પ્રવાસ-પ્રસંગોની
ક્રમિકતા જાળવીને પણ સ-રસ પ્રવાસકથાઓ આપી શક્ય છે. આમ પ્રવાસસાહિત્ય સર્જનાત્મક
અને શાસ્ત્રીય બેઉ વાડ્મયની સીમાઓ જ્યાં મળે છે ત્યાં ઉભેલો કલાપ્રકાર છે. તેની
વિશિષ્ટતા તેની સત્ય ઘટનાત્મક સામગ્રી અને સુરેખ, ચિત્રાત્મક, જીવંત, હ્રદયગમ નિરૂપણ-
બેઉમાં રહેલી છે.
પ્રવાસકથામાં સંક્ષિપ્તતા તેમજ સઘનતા અનિવાર્ય
છે. પોતે કરેલા પ્રવાસનું સાંગોપાંગ, અતિ વિસ્તૃત તેમ
ઝીણવટભર્યું નિરૂપણ કરવાનું સર્જક પ્રવાસલેખકનું લક્ષ્ય હોઈ શકે નહિ. તે તો તેને
પ્રવાસ દરમિયાન સ્પર્શી ગયેલાં પ્રકૃતિ- સંસ્કૃતિનાં અમુક ચોક્કસ દ્રશ્યોનું જ
આલેખન કરે છે. પ્રવાસનું રોજનીશી જેવું; માહિતી પ્રધાન, અથથી ઈતિ સુધીનું વર્ણન કૃતિને શિથિલ તેમ
શુષ્ઠ બનાવે છે. અપ્રસ્તુત વર્ણનો અને વિચારો, નિરર્થક ચર્ચાઓ, સ્વમાહાત્મ્ય પરાયણ વગેરેથી સર્જાતી બિનજરૂરી પ્રસાર
કૃતિના સોષ્ઠવ- સોંદર્ય હારી લે છે. આથી પ્રવાસલેખકે નિહાળેલા બધાં જ સ્થળો કે
માણેલી બધી જ ક્ષણોમાંથી માત્ર અનુભુત સત્યના રૂપમાં ગ્રહણ થયેલા અમુક વેધક
ક્ષણોને જ સજીવ કરી, સુગ્રથિત રૂપમાં કૃતિમાં
કંડારવી જોઈએ. સંક્ષિપ્તતાની સાથે તેમાં વિષયના સારગ્રાહી મર્મયુક્ત નિરૂપણની
અપેક્ષા રહે છે.
૩. વ્યક્તિત્વનું પ્રકટીકરણ:-
પ્રવાસકથામાં પ્રવાસલેખક પોતે જ તેના
અનુભવોનું બયાન આપે છે. અર્થાત તેમાં મુખ્ય પાત્ર રૂપે હોય છે ‘હું’ યા પ્રવાસલેખક. લેખકની સાથે પ્રવાસ સૃષ્ટિમાં
વિહરતી અન્ય વ્યક્તિઓનાં ચિત્રો પણ તેમાં આલેખાય છે. આથી પ્રવાસવર્ણનમાં લેખકનાં
મનોભાવ, પ્રતિભાવ, ટેવ-કુટેવ, રુચિ-અરુચિ, આદર્શ વગેરે પણ
પ્રતિબિંબિત થતાં હોય છે. તેમાં લેખક જ કથનકાર હોવાથી તેનું વ્યક્તિત્વ વાચક સામે
પ્રત્યક્ષ રૂપમાં પ્રગટ થાય છે. પરંતુ આત્મકથા કે નિબંધ જેવાં સાહિત્યરૂપોની જેમ, પ્રવાસકથામાં લેખકનું વ્યક્તિત્વ મુખરિત ન
થવું જોઈએ. પોતાને કેન્દ્રમાં રાખીને પણ પ્રમુખ ન થવા દેવો, તે સાહિત્યિક પ્રવાસીનું મુખ્ય કર્તવ્ય છે.
પ્રવાસકથામાં લેખકને તેના અનુભવોની અભિવ્યક્તિમાં સતત જાગૃત રહેવું પડે છે. તેનું
લખાણ અહમ ભાવને પોષવાની વૃત્તિ-પ્રવૃત્તિથી મુક્ત રહેવું જોઈએ. પ્રવાસી જો તેનાં
અંગત સંવેદનોના આલેખનમાં નિરપેક્ષ ન રહે તો પ્રવાસકથામાં પ્રવાસ જગતને બદલે પ્રવાસલેખક
પોતે જ કેન્દ્રમાં આવી જાય છે અને કૃતિ પ્રવાસીપ્રધાન અથવા અહમ કેન્દ્રી બની
રહેવાની સંભાવના સર્જાય છે. જો ‘અહમ’નું સંયત નિરૂપણ
ન થાય તો, ચંદ્રવદન મહેતા – ‘અલગારી રખડપટ્ટી’ નાં
‘પ્રવાસ પુસ્તકો’ નામના આમુખ-રૂપ લેખમાં –
કહે છે તેમ, ‘લેખક કાં તો પોતાની
ડંફાસ હાંકે, પોતે મોટો છે, અનોખો છે, અને એણે જે
અનુભવ કર્યો એ જ સાચો એમ પ્રતિપાદન કરે; કે પોતે દંભ
આચરે – હું જ શાણો બધા ઘેલા એમ ઠરાવવા માગે તો લખાણ નબળું, ફીસું અને અણગમો ઉત્પન્ન કરનારું નીવડે. આ
વસ્તુ સાચી છે. પ્રવાસલેખકે ‘સ્વ’ના આલેખનમાં પુરા
સભાન બની, વિવેક દાખવી, ઉદાર અને વિશાલ
દ્રષ્ટિથી પોતાના અનુભવોને સાકાર કરવા જોઈએ, તો જ તેના
લખાણમાં ‘અહમ’નાં અરુચિકર પડઘાને બદલે
તેનું નિખાલસ નીરાડંબરી રુચિકર વ્યક્તિત્વ સ્પષ્ટ રૂપમાં ઉપસી શકે.
પ્રવાસલેખક ઘણે ભાગે તો પોતે કરેલા પ્રવાસનું જ નિરૂપણ
કરતો હોય છે. પરંતુ હંમેશા તેવું જ હોય એવો કોઈ નિયમ નથી. કોઈવાર પ્રવાસલેખક અન્ય
કોઈએ કરેલા પ્રવાસનું પણ નિરૂપણ કરતો હોય છે, દા.ત. સ્વામી આનંદે ‘બરફ રસ્તે
બદ્રીનાથ’ નામના પુસ્તકમાં સાધન વિહોણી એક સાધુ ટોળીએ
કરેલી હિમાલયના દુર્ગમ પથની યાત્રાનું રસિક શૈલીમાં નિરૂપણ કર્યું છે.
૪. વ્યક્તિ ચિત્રણ:-
પ્રવાસકથામાં લેખક ઉપરાંત અન્ય અનેક વ્યક્તિઓ
પાત્રો રૂપે આવે છે. તેમનાં શબ્દચિત્રોનું તેમાં મહત્ત્વનું સ્થાન છે.
પ્રવાસલેખકને તેના પ્રવાસ દરમિયાન અનેક અજાણ્યા અને અલ્પજાણ્યા માનવીઓનો ભેટો થતો
હોય છે. લેખક સાવ સામાન્ય માનવીથી માંડી મહાન વિભૂતિઓ સુધીનાં- સજ્જનો અને દુર્જનો, બાળકો અને વૃદ્ધો, સ્ત્રીઓ અને પુરુષો, એમ ભાતભાતનાં- પાત્રોના સંપર્કમાં આવે છે.
તેમાંના કેટલાંક પાત્રો લેખકના આત્મીય સ્વજન બની જઈ, તેના હ્રદયમાં
માન-પ્રેમ ભર્યું સ્થાન પામે છે. કેટલીક વ્યક્તિઓની ક્ષણિક મુલાકાતમાંથી પણ તેને
કોઈ અજબ આનંદ અને ઉત્સાહ સાંપડે છે. ક્યારેક વળી અન્ય કોઈ વ્યક્તિનો એવો જ ક્ષણિક
મેળાપ તેના મનમાં તીવ્ર અણગમો અથવા વેદના પણ પ્રગટાવે છે. આવી અસાધારણ વ્યક્તિઓ
પ્રવાસલેખકના ચિત્તમાં અંકિત થઈ જાય છે. તેમનાં જીવંત ચિત્રો પ્રવાસકથામાં આલેખાય
તે સ્વાભાવિક છે.
પ્રવાસકથામાં પાત્રો લેખકના મનોજગતમાંથી
ઉદ્ભવેલા અથવા કાલ્પનિક હોતાં નથી. તે તો વાસ્તવિક સૃષ્ટિનાં જીવતાં-જાગતાં, હરતાં-ફરતાં, રમતાં-બોલતાં
પાત્રો હોય છે.તે આપણી સમક્ષ અલ્પ-ઝલપ આવીને ચાલ્યાં જાય છે. પરંતુ તેમનું ચિત્રણ
એવું સુરેખ, સમભાવયુક્ત, વિલક્ષણ અને જીવંત હોય કે તે આપણા મન: ચક્ષુ
સમક્ષ ચિરકાળ સુધી રમતાં રહે, અપરિચિત છતાં
નિકટના સહ્રદય સ્વજન હોય તેવો ભાવ જન્માવે. આવા નિરૂપણ માટે લેખકમાં જનસ્વભાવની
સાચી આંતરસૂઝજન્ય પરખ અને માનવહ્રદયના સૂક્ષ્મભાવોનું પૃથક્કરણ કરવાની શક્તિ હોવી
આવશ્યક છે. પ્રવાસલેખકે પાત્રોના પરિચયની કે મુલાકાતની તેના મન પર જે ત્વરિત છાપ
પડી હોય તેનું વાસ્તવિક આલેખન કરવાનું હોય છે. પાત્રોમાં તે પોતાનાં જીવન વિશેનો
કોઈ વિશિષ્ટ દ્રષ્ટિકોણ કે આદર્શ આરોપી શકે નહિ.
પ્રવાસકથામાં લેખકને પ્રવાસ દરમિયાન મળેલી
વ્યક્તિઓ સાથેના સબંધો-સંઘર્ષો, તેમનાં
વિચાર-સંવેદન, વાણી-વ્યવહાર, સ્વભાવ-ખાસિયતો વગેરેનું હુબહુ અને હ્રદયગમ
નિરૂપણ કરવામાં આવે છે. તેમાં જે તે વ્યક્તિના સમગ્ર જીવનનું નહિ, પણ તેના સહવાસ કાળની ક્ષણો દરમિયાન લેખકના
માનસપટ પર તેની જે છબી અંકાઈ હોય તેનું આલેખન થાય છે. તેમાં ક્યારેક વ્યક્તિ
પ્રત્યેના સ્નેહ, સૌજન્ય, આદર કે અહોભાવને લઈ પક્ષપાતયુક્ત અથવા લાગણીસભર
અતિચિત્રણ થવાનો ભય રહે છે. તેથી પ્રવાસલેખક તેને ભેટેલાં પાત્રોના આલેખનમાં સૂઝ
અને સંયમ જાળવે એ જરૂરી છે. પ્રવાસવર્ણનમાં કેટલીકવાર લેખકનો પ્રવાસ ઉદ્દેશ તેના
પત્રાંકનમાં પ્રતિબિંબિત થતો જોવા મળે છે, દા.ત. નાટ્યકાર
ચંદ્રવદન મહેતાનાં ‘ગઠરિયા’ નામધારી
પુસ્તકોમાં આવતાં પાત્રોમાં મહદઅંશે નટ, નાટ્યકાર, દિગ્દર્શક અથવા નાટ્યશોખીન વ્યક્તિઓનું દર્શન
થાય છે.
૫. વર્ણનકલા:-
પ્રવાસકથા લેખકે કરેલા પ્રવાસનું, તે દરમિયાન જોયેલાં-અનુભવેલાં, પ્રકૃતિ-સંસ્કૃતિનાં વિવિધ દ્રશ્યોનું વર્ણન
હોય છે. વર્ણન તેનું એક અનિવાર્ય અને ઘણું મહત્ત્વનું અંગ છે. વિવિધ પ્રકારનાં
વર્ણનો પ્રવાસ કથામાં અચૂક આવતાં હોય છે. પ્રવાસસાહિત્યનો હેતુ પ્રવાસ દરમિયાન
જોવા મળતાં સ્થળોનાં એતિહાસિક વિવરણ માત્ર આપવાનો નથી. તેનો હેતુ તો છે લેખક
દ્વારા પ્રવાસમાં પ્રાપ્ત અનુભૂત સત્યોને વાચકની સામે મૂળરૂપમાં સજીવ રીતે ઉપસ્થિત
કરવાનો. તેમ કરવા માટે ખુલ્લી આંખો દ્વારા થતાં અવલોકનની સાથે અપૂર્વ વર્ણનકોશલ પણ
અપેક્ષિત છે. લેખક તેમાં સર્વસાધારણ દ્રષ્ટિથી બધી જ બાબતોનું વિગતવાર વર્ણન નથી
કરતો, પરંતુ જેનું નિરૂપણ કરે છે તેને તે તેનાં
સંવેદન-કલ્પનાથી રંગીને જીવંત રૂપમાં પ્રસ્તુત કરે છે. વિવિધ સ્થળોના પ્રવાસ
દરમિયાન તેને થયેલ અનોખા અંગત અનુભવો, સંવેદનો, સંસ્મરણો, કલ્પના વગેરેથી
તે દ્રશ્યોને રસી દઈ રસભર્યા અને સજીવ બનાવે છે.
પ્રવાસસાહિત્યમાં લેખક દ્વારા
જમીનમાર્ગે, જળમાર્ગે અથવા હવાઈ
માર્ગે થયેલા વિભિન્ન પ્રદેશોમાંનાં ભ્રમણોનાં વર્ણનો રજૂ થાય છે. આ વર્ણનો
વિગતોના શુષ્ઠ ખડકલા અથવા માહિતીનો નોંધો જેવાં નહિ પણ સુરેખ, રંગીન, સ્પર્શક્ષમ, જીવંત અને હ્રદયગમ હોવાં જોઈએ. લેખક જે સ્થળોએ
વીચર્યો હોય, જેમનાં દર્શનથી મંત્ર
મુગ્ધ બન્યો હોય, તેમનો તેણે ચિત્રાત્મક
વર્ણનો દ્વારા વાચકને સાક્ષત્કાર કરાવવો જોઈએ. પ્રવાસવર્ણનમાં તેણે જોયેલાં
સ્થળોની યાદી અપેક્ષિત નથી. તેમાં તો જે તે સ્થળનું ભોગોલિક, એતિહાસિક અથવા દંતકથાત્મક પરિવેશ સહિતનું સજીવ
સાક્ષાત્કારક નિરૂપણ અપેક્ષિત છે. આ સ્થળોમાં પ્રકૃતિનિર્મિત તેમજ સંસ્કૃતિ-સભ્યતાનિર્મિત
સ્થળોનો સમાવેશ થાય છે. તેમાં પ્રકૃતિનિર્મિત સ્થળોનાં રમણીય વર્ણનો સવિશેષ આકર્ષક
હોય છે. પ્રકૃતિનાં અનેકાનેક સુંદર, ભવ્ય, અદ્ભુત, મનોહર દ્રશ્યોના
મૂર્ત, સ્પર્શક્ષમ, રંગીન, જીવંત અને હ્ર્ધ વર્ણનો પ્રવાસકથામાં શ્રેષ્ઠ
આભરણરૂપ બની રહે છે. તે કારણે તેમાં મહાસાગરો, ખાડીઓ, સમુદ્રતટો, નદીઓ, સરોવરો, મેદાનો, હરિયાળાં ખેતરો, પર્વતો, ખીણો, વનો-ઉપવનો, રણો, વેરાન વગડા, પશુ-પંખી વગેરેનાં વાસ્તવિક, ચિત્રાત્મક, રસિક અને
રોમાંચક વર્ણનોની અપેક્ષા રહે છે.
પ્રવાસકથામાં પ્રકૃતિનાં તથા સ્થળ-કાળનાં
વર્ણનોની સાથે, માનવસંસ્કૃતિ અને
સભ્યતાએ સર્જેલાં આકર્ષક સ્થાનો અથવા ધામોનાં- જેવા કે નગરો, રાજમાર્ગો, સ્ટેશનો, બજારો, નાટક- સિનેમાગૃહો, અવનવા આકારની ઇમારતો, જાતજાતની નાની-મોટી ચીજવસ્તુઓ પેદા કરતાં
કારખાનાં પુલો, બંધો, નહેરો, ગામડાં,
ખેતીવાડી વગેરેમાં- તેમજ વિવિધ વાણી, વેશભૂષા, રહેણીકરણી, વૃત્તિપ્રવૃત્તિ, આર્થિક-સામાજિક- રાજકીય- ધાર્મિક- સ્થિતિ
દર્શાવતાં માનવીઓનાં વાસ્તવિક તેમ સુરેખ અને હ્ર્ધ વર્ણનો આવતા હોય છે. તેથી તો
પ્રવાસ દરમિયાન જોયેલાં સ્થળકાળનાં માનવી અને તેમની આસપાસનો પ્રાકૃતિક પરિવેશ
બેઉનું હુબહુ દર્શન કરાવતાં વર્ણન કોઈ પણ સારી પ્રવાસકથા માટે અનિવાર્ય ગણાય છે. લેખક
પાસે નિરીક્ષણ માટેની સૂક્ષ્મ દ્રષ્ટિ, મુગ્ધ અને
સંવેદનશીલ સ્વભાવ, ચિત્રાત્મક શૈલી હોય તો
આવાં વર્ણન તે અનાયાસે કરી શકે છે.
વિવિધ પ્રકારનાં આકર્ષક વર્ણનોનું પ્રવાસકથામાં
મહત્ત્વ છે. પરંતુ તેમાં કેવળ વર્ણનો જ કેન્દ્રસ્થાને રહે તે ઉચિત નથી. વર્ણન પોતે
કોઈ પ્રકૃતિ- સંસ્કૃતિ નિર્મિત દ્રશ્યના જીવંત નિરૂપણ માટેનું સાધન છે, સ્વયં કોઈ સાધ્ય નથી. વર્ણન ખાતર વર્ણન હોઈ
શકે નહીં. વર્ણન દ્વારા લેખકે પ્રવાસ દરમિયાન જોયેલ અવનવીન પ્રાકૃતિક-માનવીય જગતને
રુચિ રૂપમાં સજીવન કરવાનું હોય છે. જીવન અને જગતનાં વિભિન્ન-સુંદર અને કદરૂપ, કમનીય અને બિભત્સ, ભવ્ય અને તુચ્છ, આનંદપદ અને
કરુણાજનક, કોમળ અને કઠોર- પાસાનું તેણે સંયમપૂર્વક યથાતથ
છતાં હ્રદય સ્પર્શી નિરૂપણ કરવાનું હોય છે. અને તેથી વર્ણનો કોઈ પણ જાતના પૂર્વગ્રહ
કે અભિગ્રહથી મુક્ત હોવાં આવશ્યક છે. પ્રવાસકથામાંનાં વર્ણનોમાં સર્વત્ર સજીવતા
અને પ્રસન્નતાનો ધબકાર અનુભવાય તો જ તે મનહર ઉપરાંત મનભર બની શકે છે.
૬. ભાષા અને શૈલી:-
કોઈ
પણ કૃતિને રસિક અને જીવંત બનાવવામાં તેની શૈલી અગત્યનો ભાગ ભજવે છે. પ્રવાસવર્ણનમાં
લેખક અમુક પ્રાકૃતિક- સાંસ્કૃતિક પરિવેશમાં માનવ સ્વભાવ અને માનવસૃષ્ટિનું દર્શન
કરાવે છે. એ દર્શન જેટલી ભાવવાહી અને હ્રદયસ્પર્શી શૈલીમાં થાય, તેટલી તેની રસવત્તા વધે. જો માનવહ્રદયની
લાગણીઓની આ કથાને જડ, શુષ્ઠ અને નીરસ ભાષામાં
નિરૂપવામાં આવે તો તે એની સુકુમારતા અને મર્મસ્પર્શીતા ગુમાવી બેસે. આથી પ્રવાસકથાની
ભાષા સરલ છતાં રસાળ તેમજ લાગણીભીની અને કલ્પનારંગી હોવી જરૂરી છે. તેમાં પ્રસંગોચિત
નર્મ-મર્મ યુક્ત, ચિંતનયુક્ત અને લેખકના
સંવેદનોને યથાતથ અભિવ્યક્તિ આપે તેવી ભાવવાહી શૈલી પ્રયોજવી જોઈએ.
પ્રવાસવર્ણનમાં લેખક વિવિધ પ્રસંગ-પરિસ્થિતિઓનું
સંયોજન કરી, તેમને સચોટ ચિત્રાત્મક
શૈલીમાં નીરુપે છે. લેખક, તેનામાં રહેલ
સર્જકતાને બળે, તેની પ્રવાસકથાને લગભગ
નવલકથા જેટલી રસાવહ બનાવી શકે. તેના લેખનમાં પ્રવાસીના વ્યક્તિત્વની સદા પ્રસન્ન
ઉષ્મા અને આત્મીયતા વરતાવી જોઈએ. સ્થળ પ્રસંગ, દ્રશ્ય, પાત્ર, મનોભાવ વગેરેનું
મૂર્ત, સુરેખ, રંગીન અને
ગતિશીલ નિરૂપણ થયું હોય તો પ્રવાસવર્ણન આસ્વાદ્ય થઈ શકે. અસંબદ્ધ, અનાવશ્યક અથવા
અમૂર્ત ચર્ચાઓમાં વિહરતી શૈલી કૃતિની મર્યાદા બને છે. લેખકની શૈલીમાં કથનમાં લાઘવ, સઘનતા અને સચોટતા ઈચ્છનીય છે.
પ્રવાસસાહિત્યનુ મુખ્ય પાત્ર લેખક હોય છે અને
તેને જ અંત સુધી બોલવાનું હોય છે. આથી તેની ભાષામાં એકધારાપણું કે નીરસતા આવવાનો
ભય રહે છે. ભાષા પર જો લેખકનું પ્રભુત્વ ન હોય, તો સફળ પ્રવાસકૃતિ
ભાગ્યે જ સર્જાય છે. ભાષાપ્રભુત્વ ધરાવનાર લેખકની કૃતિ તાદ્રશ, વિવિધ, જીવંત નીરુપણને
લઈ સ-રસ અને તેથી સફળ બને છે. કાકાસાહેબ કાલેલકરની પ્રવાસકૃતિઓ તેનાં ઉદાહરણ છે.
પ્રવાસકથામાં લેખક પોતાના અનુભવને આલેખતો હોવાથી તેની ભાષામાં સ્વાભાવિક નિખાલસતા, સરળ નિર્વ્યાજ મધુરતા, વાતચીતની નૈસર્ગિક છટા અને વિનોદ- પરિહાસની
પટુતા હોવી જોઈએ. કૃત્રિમ, કલિષ્ટ, કઠોર, આડંબરયુક્ત, એકવિધ, શબ્દાળુ
ભાષા-રીતિ તેમાં કદીય ચાલી ન શકે.
પ્રવાસકથામાં આવતા છુટાછવાયા પ્રસંગોના રસાળ
નિરૂપણ માટે લેખક વચ્ચે વચ્ચે યથોચિત ટુચકા, હાસ્ય- વિનોદયુક્ત
અનુભવ અથવા પ્રતિભાવ, દંતકથા વગેરેનો ઉપયોગ
કરે તે ઈચ્છનીય છે. તેથી એકવિધતાનો હાસ અથવા નાશ થાય છે. અને કૃતિમાં વિવિધતા, જિજ્ઞાસા, રસિકતા જેવાં
તત્વો ઉમેરાય છે, જે વાચકને પોતામાં લિન રાખી શકે છે. લેખકે
તેની પ્રવાસકથાનાં વિષય અથવા વર્ણનને અનુરૂપ અવતરણ, અલંકાર આદિ
પ્રયોજી કૃતિને ચારુતા અર્પવી જોઈએ. પરંતુ માત્ર વિદ્વત્તાનું પ્રદર્શન કરવા માટે
આયાસ તેમ અવિવેકપૂર્વક યોજાતાં અસંબદ્ધ અને આંગતુક અવતરણ કે અલંકરણ કૃતિનું ભૂષણ ન
બનતાં દૂષણ જ બની રહે છે, એ મુદ્દો પણ
બરાબર લક્ષમાં રહેવો જોઈએ.
પ્રવાસસાહિત્યમાં અમુક શૈલીનો જ પ્રયોગ થવો
જોઈએ, એવો કોઈ નિયમ ન હોઈ શકે. કેટલીકવાર તેમાં
વર્ણનાત્મક શૈલીનો પ્રયોગ થતો હોય છે. કોઈવાર નાટ્યાત્મક નિરૂપણ થતું હોય છે, તો ક્યારેક પાત્રશૈલી પણ પ્રયોજાતી હોય છે.
ગુજરાતીમાં મહદઅંશે વર્ણનાત્મક રીતિમાં લખાયેલાં પ્રવાસવર્ણનો પ્રાપ્ત થાય છે; જેમકે- ‘હિમાલયનો પ્રવાસ’ (કાકાસાહેબ કાલેલકર), ‘દક્ષિણાયન’ (સુંદરમ), ‘સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં’ (ઝવેરચંદ મેઘાણી) વગેરે. કેટલીક પ્રવાસકથાઓમાં
વર્ણનાત્મક શૈલી ઉપરાંત નાટ્યાત્મક શૈલી પણ પ્રયોજાય છે, દા.ત. ‘અલગારી રખડપટ્ટી’ (રસિક ઝવેરી), ‘ગઠરિયા’ ગ્રંથમાળા (ચંદ્રવદન મહેતા) વગેરે. કોઈવાર
પ્રવાસલેખક તેનાં પ્રવાસ દરમિયાન તેનાં સ્નેહી કે સ્વજનોને પાત્રો દ્વારા સ્વપ્રવાસના
અનુભવો લખી મોકલતો હોય છે. આવા પાત્રોનું સંકલન પુસ્તક રૂપે પણ પ્રગટ થાય છે.
ગુજરાતીમાં આવી કેટલીક પાત્રાત્મક પ્રવાસકથાઓના પુસ્તક પ્રકાશિત થયાં છે; દા.ત. ‘કાશ્મીરનો પ્રવાસ’ (કલાપી), ‘પ્રવાસ પત્રો’ (છોટુભાઈ અણડા), ‘પ્રદક્ષિણા’ (ભોગીલાલ સાંડેસરા) વગેરે. કોઈ લેખક પ્રવાસ
કરતાં કરતાં રોજબરોજના તેના અનુભવો- પ્રતિભાવોને ડાયરીમાં આલેખે અને પછી તે
ડાયરીને પ્રવાસ પુસ્તક તરીકે પ્રગટ કરે તે પણ બનવાજોગ છે. તેમાં પ્રવાસની તારીખવાર
રોજિંદી સામાન્ય હકીકતો ઉપરાંત, વ્યક્તિના
આંતર-બાહ્ય બંને જગતની વિગતો આલેખાતી હોય છે. પ્રવાસ ડાયરી રૂપે લખાયાં હોય તેવાં
થોડાં પુસ્તકો ગુજરાતીમાં મળી આવે છે; દા.ત. વિજયરાય
વૈદ્ય કૃત ‘ખુશ્કી અને તરી’, સ્વામી પ્રણવતીર્થજી
કૃત ‘કૈલાસ’, નરભેરામ સદાવ્રતી કૃત ‘શ્રી
કૈલાસદર્શન’ વગેરે. આમ, પ્રવાસસાહિત્યમાં વિબીન્ન શૈલી-નીરુપણનો આશ્રય
લેવાતો હોય છે.
૭. સાહિત્યિકતા:-
પ્રવાસકથામાં લેખકે કરેલા પ્રવાસનું મહત્વ વધુ
હોય છે. પ્રવાસ દરમિયાન લેખકને થયેલા અનુભવો તેના ચિત્તમાં વિચલિત થઈ નીરુપાતા
હોવાથી, તેમાં અનુભૂતિની સચ્ચાઈનો રણકો સ્પષ્ટ સંભળાવો
જોઈએ તેમજ વાચકને તેના સહપ્રવાસી હોવાની પ્રતીતિ થવી જોઈએ. પ્રવાસવર્ણનમાં ક્યારેક
વિષય કરતાં લેખકનું વ્યક્તિત્વ અને સાહિત્યિક છટા સવિશેષ નીખરતાં હોય છે, તેમ છતાં તે કૃતિ વાચકને રસિકતાનો અનુભવ કરાવી
શકે છે. પ્રવાસસાહિત્યમાં વર્ણનોની એતિહાસિકતા કે વિગતોના મૂળભૂત તત્ત્વોની
અપેક્ષાએ તેમની સાહિત્યિક કલાત્મક અભિવ્યક્તિ વધુ મહત્ત્વની હોય છે. ક્યારેક આવા
દ્રષ્ટિબિંદુનો વિરોધ પણ થયો છે. અંગ્રેજ લેખિકા મેરી કિંગ્સલે પ્રવાસકથામાં
સાહિત્ય-તત્ત્વને અનાવશ્યક ગણે છે. તે કહે છે કે- ‘No one expects
Literature in a book of travel.’
પરંતુ
આ વિધાનનું સમર્થન કરી શકાય નહિ. પ્રવાસપુસ્તકમાં સાહિત્યના અંશો ન હોય તો તે માત્ર
‘ગાઈડ બુક’ કે ભોમિયાપોથી જેવો
માહિતીપ્રધાન અહેવાલ જ બની રહે. તેવા પુસ્તકોમાં પ્રવાસી માટેની સવલતો, વિવિધ સ્થળોએ પહોંચાડતા રેલ્વે, હવાઈ કે જળમાર્ગની વિગતો, જે તે સ્થળનાં સ્થૂળવર્ણનો વગેરે માહિતીનો
શુષ્ઠ ખડકલો નજરે પડે છે. તેમાં વ્યવસ્થિત માહિતી અને ટિપ્પણયુક્ત વર્ણન હોવાથી તે
તારીખોના ભરતીયા ધરાવતાં માહિતીગ્રંથો સમા બની રહે છે. આવાં પુસ્તકો વાચકોને નીરસ
અને કંટાળાજનક લાગે છે. પ્રવાસસાહિત્યની દ્રષ્ટિએ તે ઉતરતી કક્ષાના ગણાય છે. તેથી
ઊલટું, સાહિત્યિક ગુણવત્તા ધરાવતાં પ્રવાસપુસ્તકો રોચક રસળતી અથવા કલાત્મક શૈલીમાં
આલેખાયા હોય છે. તેમાં લેખકને પ્રભાવિત કરી ગયેલાં સ્થળો કે બનાવોનું હ્રદયસ્પર્શી
નિરૂપણ થાય છે. સ્થળ પ્રત્યેના કેવળ પ્રેમથી પ્રેરાઈને લેખક તેનું ભાવભર્યું વર્ણન
કરે છે. આથી વાચકને તે આકર્ષી શકે છે. આવાં સર્જનાત્મક અંશો ધરાવતાં પુસ્તકો જ વાચકને
પ્રવાસનો રસાસ્વાદ કરાવી શકે છે.
પ્રવાસકથાનો લેખક જો જન્મજાત પ્રવાસી હોય, તો તેનું પ્રવાસવર્ણન ઘણું રસિક બની શકે છે.
પ્રવાસ પ્રત્યે ઉત્કટ અનુરાગ અને આકર્ષણ ધરાવનાર પ્રવાસી મુક્ત અને મુગ્ધ મનોભાવપૂર્વક
સર્વત્ર ઘૂમે છે. તેના દર્શન- નિરૂપણમાં સાહજિકતા અને મર્મસ્પર્શીતા હોય છે.
કાકાસાહેબ કાલેલકર, સુંદરમ, રસિક ઝવેરી વગેરે પ્રવાસલેખકોમાં પ્રવાસની આવી
નૈસર્ગિક વૃત્તિ-દ્રષ્ટિ ખીલેલી હોવાથી તેમનાં પ્રવાસપુસ્તકો રસિક અને આકર્ષક બની
શક્યા છે. આ વસ્તુ પરથી એટલું સ્પષ્ટ સમજાય છે કે, જન્મજાત
પ્રવાસીનાં સ્વભાવગત પ્રવાસપ્રેમ, જોમ જુસ્સો,
મુગ્ધતા, સોન્દર્યાભિમુખતા, સંવેદનશીલતા, સૂક્ષ્મ-વ્યાપક
નિરીક્ષણ પ્રિયતા તેનાં લખાણમાં પણ ઊતરે છે. પ્રવાસીના મન અને તનની નૈસર્ગિક
વૃત્તિ-પ્રવૃત્તિનું તેના લખાણમાં યથોચિત પ્રતિબિંબ પડે છે ત્યારે તે અવશ્ય સવિશેષ
આસ્વાદ્ય બની રહે છે.
પ્રવાસના સાહિત્યસ્વરૂપનો અભ્યાસ કરતાં આવા
કેટલાંક સર્વસામાન્ય લક્ષણો તારવી શકાય છે, પરંતુ આવા બધા જ
લક્ષણો કોઈ એક પ્રવાસકૃતિમાં અપેક્ષિત અથવા અનિવાર્ય ગણી શકાય નહિ. તેમના કેટલાંક
લક્ષણો અમુક કૃતિઓમાં પ્રધાન હોય, ગોણ હોય કે ગેરહાજર
પણ હોય, છતાં સ-રસ પ્રવાસગ્રંથોમાં સામાન્યત: આ બધાં લક્ષણોનો કલાત્મક વિનિયોગ
થયેલો જોઈ શકાય છે; ઉદાહરણ રૂપે- ‘હિમાલયનો
પ્રવાસ’, ‘કાશ્મીરનો
પ્રવાસ’, ‘દક્ષિણાયન’, ‘ગઠરિયા’, ‘ગ્રંથમાળા’, ‘અલગારી રખડપટ્ટી’, ‘નવા ગગનની નીચે’ વગેરે પ્રવાસગ્રંથો.
૮. પ્રવાસ અને ઈતિહાસ:-
પ્રવાસલેખકને કોઈ વાર ઈતિહાસકારની પણ થોડી
કામગિરી બજાવવી પડે છે. ખાસ કરીને પ્રવાસ દરમિયાન તેણે જોયેલ એતિહાસિક સ્થાપત્યો-
કિલ્લા, મહેલો, સંસદભવનો, મંદિરો, ભોંયરા, વાવો, પુલો વગેરે-નાં
નિરૂપણમાં આવી કામગીરીનો વિનિયોગ થાય છે. વસ્તુના સુરેખ, સરસ ચિતારની સાથે તેમાં એતિહાસિક સત્યનું
સંયોજન થતાં તે આહ્લાદક ઉપરાંત વિશ્વસનીય પણ બની રહે છે. તે માટે પ્રવાસલેખકે આવા
સ્થાપત્યોનું વર્ણન કરતાં પહેલાં તેમને વિશે સાચી જાણકારી મેળવી લેવી જોઈએ.
ઇતિહાસની જેમ પ્રવાસવર્ણનમાં અસત્ય અને બિનપાયેદાર વિગતોનું નિરૂપણ ચાલી શકે નહિ.
ઈતિહાસકારની જેમ પ્રવાસલેખકમાં જિજ્ઞાસાવૃત્તિ, સત્યનિષ્ઠા, વિવેકબુદ્ધિ, આકર્ષક વર્ણનશક્તિ
હોવી આવશ્યક છે. બેઉને વર્ણ્ય વિષયનાં સ્થળ-કાલની મર્યાદા જાળવવો પડે છે. પરંતુ
ઇતિહાસની તુલનામાં પ્રવાસવર્ણનનું ક્ષેત્ર ઘણું સીમિત છે. ઇતિહાસમાં અનેક સૈકાઓની
મુખ્યત: રાજકીય કથા આલેખાય છે; પ્રવાસવર્ણનમાં
અમુક મર્યાદિત સમયમાં જોયેલ દેશ-વિદેશના સોંદર્યધામોની મુખ્યત: પ્રભાવલક્ષી કથા
રજૂ થાય છે. ઇતિહાસકાર તેણે જોયા ન હોય તેવા દેશ-કાલની કથા બિનગત રૂપમાં – પરલક્ષી
રીતે- કહે છે; પ્રવાસલેખક તેણે જોયેલ
દેશ-કાળની કથા આત્મલક્ષી રૂપમાં કહે છે. ઇતિહાસકારને સમગ્ર દેશની- રાજા અને પ્રજા બેઉની-
ચડતી, પડતીની કથા, પ્રાપ્ત તથ્યો, પુરાવાને આધારે, તર્કબદ્ધ રૂપમાં વિગતવાર
આલેખવાની હોય છે; પ્રવાસલેખકને તેના
પ્રત્યક્ષ અનુભવમાં આવેલ પ્રદેશો- લોકોનું પસંદગીયુક્ત નિરૂપણ કરવાનું હોય છે.
ઈતિહાસકારનું મુખ્ય લક્ષ્ય છે જ્ઞાન, બોધ, સમજ આપવાનું; પ્રવાસકથાનું
મુખ્ય પ્રયોજન છે આનંદ આપવાનું. પ્રવાસકથામાં એતિહાસિક સ્થાપત્ય સાથે સંબદ્ધ
દંતકથાઓ, ધાર્મિક-સાંસ્કૃતિક અનુશ્રુતિઓ પણ સંક્ષેપમાં
આવી શકે; ઇતિહાસમાં તેમને સ્થાન ન હોય. પ્રવાસકથામાં
એતિહાસિક સ્થાપત્યનાં ચિત્રણમાં પણ લેખકની લાગણી- કલ્પનાના રંગો ભળી જાય; ઇતિહાસમાં તેવું નિરૂપણ શંકાસ્પદ બની રહે.
પ્રવાસકથામાં એતિહાસિક સ્થાપત્યના વર્ણનમાં ઈતિહાસ આવે તો તે આનુષંગિક રૂપમાં, અતિ સંક્ષેપમાં, ઇતિહાસમાં તેવા
સ્થાપત્યનું વર્ણન મુખ્યકથાની જ એક ભાગ રૂપે, વિગતો તથ્યો પુરાવાઓ સહીત, વિસ્તારપૂર્વક થતું હોય છે. પ્રવાસકથામાં
સ્થાન વિશેષની સોન્દર્યાત્મક, ભોગોલિક, સાંસ્કૃતિક, એતિહાસિક વિલક્ષણતાના નિરૂપણની સાથે લેખકની
આંતરયાત્રાનો નકશો પણ દોરાતો જાય છે. સ્થાન વિશેષના બહુવિધ દર્શનથી પ્રવાસલેખકના
હ્રદયમાં જે સંવેદનો પ્રગટે છે અને ચિતમાં જે છાપ પડે છે, તેમનું સુરેખ ચિત્રાત્મક રંગીન જીવંત નિરૂપણ
પ્રવાસકથામાં થતું હોય છે આવું નિરૂપણ પ્રવાસકથાને સાહિત્યકૃતિ બનાવે છે અને
ઇતિહાસથી જુદી તારવે છે.
0 ટિપ્પણીઓ
Please do not Enter any Spam Link in the Comment box.😈