ભારતીય નવલકથાના સ્થિત્યંતરો
પ્રસ્તાવના:
સાહિત્યના ભિન્ન
ભિન્ન સ્વરૂપોમાં નવલકથાઓનું વિવેચન કરવું બધા કરતા અઘરું છે. કારણ કે નવલકથાઓની
કોઈ સંપૂર્ણવૃતિ મનમાં ઉપસતી નથી. નવલકથાને સમગ્ર રીતે ચિત્તમાં ગ્રહી શકાતી નથી એ
એની સ્વરૂપગત મર્યાદા છે.
નાટક અને કવિતા
જેવા સુલિષ્ટ પ્રકારોની તુલનામાં નવલકથાઓમાં કલાદેહ સામાન્ય રીતે શિથિલ ગણાય.
નાટકમાં કેન્દ્રાભિગામી ગતિ હોય તેમાં ભારે સુગ્રથિતતા આવતી હોય છે. શબ્દોની
ત્રેવડનાં પણ એમાં દર્શન થાય છે જ્યારે નવલકથા કેન્દ્રભિગામી ગતિમાં જ રાચતી જોવા
મળે છે. નવલકથાની સામગ્રી સીધી જીવનમાંથી આવે છે અને એનું સંપૂર્ણ કલા રૂપાંતર
અશક્ય નહિ તો મુશ્કેલ તો અવશ્ય છે જ તેથી જ કદાચ કહેવાયું છે કે “નવલકથા એ કલા નહિ
પણ સર્જનાત્મક કર્મનીય માધ્યમ છે.”
વિકાસ:-
આધુનિક સમયમાં
નવલકથાઓમાં જે વિકાસ થયો છે. તેને લક્ષમાં લેતા એના વિભિન્ન પ્રવાહોનું સમાવી લે
એવી નવલકથાની વ્યાખ્યા આપવી મુશ્કેલ છે. એની વ્યાપક વ્યાખ્યા આપવી હોય તો કહી શકાય
કે નવલકથાએ માનવ જીવનની પ્રતિબિંબિત કરતી અને વાંચકોએ રસાનંદ આપતી ગદ્યમાં રચાયેલી
કથા છે. મરાઠીમાં નવલકથા માટે કાંદમ્બરી શબ્દ પ્રચલિત થયો છે.
નવલકથાએ પાશ્ચાત્ય
સાહિત્ય સ્વરૂપ છે. પશ્ચિમના સંપર્કમાં મુકાયા પછી ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં તે
આપણી ભૂમિમાં રોપાય છે. ઇટેલીયન અંગ્રેજી અને ફ્રેન્ચ ભાષામાં નવલકથા અંબર બની એ
પછી ઘણે સમયે છોડ કે જેના મુળિયા આપણા સાહિત્યમાં પ્રસરતા દેખાય છે. અર્વાચીન
ભારતીય સાહિત્યમાં વિકાસમાં મિશનરીઓએ પોતાનો ફાળો આપ્યો છે. તેમાં નવલકથાઓનો
માધ્યમ બન્યું. નવલકથાનું માધ્યમ ગદ્ય એ જ અંગ્રેજોના આગમન પછી વિકસ્યું છે. એનો
પ્રારંભ બંગાળથી થયો. બ્રિટીશ અધિકારીઓએ તાલીમ આપવા સ્થપાયેલી કલકત્તાની ફોર્લ્ડ
વિલિયમ કોલેજોમાં કેરીનામાં એક ખ્રિસ્તી મિશનરી ૧૮૦૧માં બંગાળીના અધ્યાપક તરીકે
નિમાયા કેરી માટે પ્રશ્ન એ હતો કે વર્ગમાં વાપરી શકાય એવી પાઠયપુસ્તકની સામગ્રી
ક્યાંથી ભેગી કરવી. આ જરૂરિયાતને પહોંચી વળવા તેણે પંડિતોનું એક નાનકડું જૂથ ભેગું
કર્યું અને આ પંડિતોનું બંગાળી ભાષામાં નિબંધો, ટૂંકીવાર્તા અને સંવાદો તૈયાર કરવાનું કામ સોંપ્યું. તેમણે
સંસ્કૃત અને બીજી ભાષાઓમાંથી મુખ્યત્વે ભાષાંતરો અને રૂપાંતરો તૈયાર કર્યો.
કેટલાકોએ બંગાળીની એતિહાસિક નવલકથા ગણવામાં પ્રેરાય છે. આજ કૉલેજમાં જોહ્ન
ગીલક્રીષ્ટ નામના એક બીજા મિશનરીએ આવું જ કામ ઊંડું અને હિન્દી માટે શરુ કર્યું.
થોડા સમય પછી કેરીએ મરાઠીમાં રસ લેવા માંડયું એ ભાષાનું વ્યાકરણ લખ્યું આ રીતે
બંગાળી, હિન્દી, ઉર્દુ અને મરાઠી
ગદ્ય લેખનનો આરંભ થયો.
નવલકથાના વિકાસમાં
૧૦૦ વર્ષના ગાળામાં અવલોકતા જણાય છે કે બંગાળીમાં સમાચાર દર્પણ, બંગ દર્શક, સમુજપત્ર
અને કલોલ સામાયિકોએ પ્રસાર કર્યો છે. અસમિયામાં જુનાડી, બીજુલી કે અસોદય જેવી પત્રિકાઓએ તેલુગુમાં
સરસવની ગ્રંથમાળા કે આંધ્ર પ્રચારણી ગ્રંથમાળા આ બધા સામુહિકોએ મહત્વનો હિસ્સો
આપ્યો છે. ઘણી નવલકથાઓ ધારાવાહિક રૂપે સામાયિકોમાં પ્રગટ થઇ અને પાછળથી ગ્રંથસ્થ
બની વાર્તા રસ માટેની જન્મજાત આકાંક્ષપણે એના મબલક પાક માટે કારણરૂપ છે. ભારતીય
ભાષામાં સૌથી પહેલાં રોમાંચ લખાય છે. ગુજરાતીમાં પણ ૧૮૬૬માં પ્રગટ થયેલી પ્રથમ
નવલકથા કરણઘેલોમાં રોમાંચના તત્વો સ:વિશેષ પાશ્ચાત્ય વિચારકો સ્કોટ લીટ્ન અને
ગોલ્ડ સ્મિથનો પ્રભાવ પણ વ્યાપક રીતે જુદી જુદી નવલકથાઓ પર પાડયો છે.
આરંભમાં અનુવાદ
પંડિત દ્વારા નવલકથાના આ અભિનવ સ્વરૂપ સાથે પરિચય થવા માંડયો. ગુજરાતીમાં પારસી
લેખકોએ એનો આરંભ કર્યો ૧૮૭૨માં પ્રગટ થયેલી “હિન્દુસ્તાન મધ્યનું એક ઝોપડું” ને
ગુજરાતી પહેલી નવલકથા કહેવામાં આવે છે. પરંતુ આ કૃતિ Lachaumiere નામની ફ્રેન્ચ કથાના અંગ્રેજી અનુવાદ Indian tage ઉપરથી સોરાબસા દાદાભાઈ મુલ્સફાએ કરેલો અનુવાદ
છે. એટલે એટલે પહેલે દિવસથી નવલકથામાં તો ૧૮૬૬માં પ્રગટ થયેલી ‘કરણઘેલો’ જ ગણાય.
સરસ્વતીચંદ્ર- ગુજરાતી નવલકથાનું એક સીમાચિહ્ન:-
૧૮૮૭માં
ગોવર્ધનરામ ત્રિપાઠી ‘સરસ્વતીચન્દ્ર’નો પ્રથમ ભાગ લઈને આવે છે. એ ગુજરાતી સાહિત્યની જ નહિ પણ
ભારતીય સાહિત્યની એક અસાધારણ ઘટના છે. ગુજરાતીમાં ગદ્ય જ પૂરું વિકસ્યું ન હતું એ
પરિસ્થિતિમાં ગદ્યમાં વિવિધ આરોહ- અવરોહ પ્રગટ કરતી નવલકથા યોગ્ય રીતે જ ગુજરાતીના
ગોરવ ગ્રંથ લેખાય છે.
સામાજિક અભ્યુદયના
પાયામાં આપણા ગૃહ અને કુટુંબ રહ્યાં હોય તે અંગેની પર્યેષણા તેમણે કરી પણ રાજ્ય
સંસ્થા વગર કુટુંબ સંસ્થા શી રીતે પાંગરે? એટલે રાજ્ય વિચારણા પ્રસ્તુત કરી ગૃહ કુટુંબ અને રાજ્યને
તેમણે ધર્મના વિશાળ અને ઉજાત પરિવેશમાં મૂકી આપ્યાં.
નાયક
સરસ્વતીચન્દ્ર અને નાયિકા કુમુદના ચિત્રણમાં ગોવર્ધનરામે સ્થૂળ સૂક્ષ્મ પ્રિતી
સબંધથી જોડાયેલા આ પાત્રોની પ્રીતિનું શોધન કરી પ્રેમની એક વિશિષ્ટ ભૂમિકા પર
તેમણે મુકાવે છે. અનેક અનુભવોમાંથી લેખક તેમણે પ્રસાર કરે છે. કલ્યાણ ગ્રામની
યોજના એ ચોથા ભાગના ૩૯ના પ્રકરણમાં દેશ પ્રીતિનું મનોરાજ્યમાં આવે છે.
વ્યક્તિનિષ્ઠ પ્રેમને ગોવર્ધનરામ સમસ્ત પ્રેમમાં ઓગળી જતો બતાવે છે.
અન્ય ભારતીય
ભાષાઓમાં નવલકથાના વિકાસને જોયે તો કોડિયામાં ૧૯મી સદીના અંત ભાગમાં અને ૨૦મી
સદીની પ્રથમ ભાગમાં સંસ્કૃત શૈલીની ‘બિવાસીની’, ‘પદ્મમાલી’, ‘ભીમાંભુર્યા’ જેવી કથાઓ મળે છે પણ એનો કલા વહેતો ગણાય છે.
ફકીર મોહન સેનાપતિની નવલકથાથી જ તેલુગુમાં કોકકોંડા વેક્ટરત્નમ પન્તુંલુંએ ૧૮૬૭માં
‘મહાશ્વેતા’ આપી પણ એ
કાદમ્બરી પર આધારિત હોય એને તેલુગુની પ્રથમ નવલકથા કહી શકાય નહિ. પણ તેલુગુની
પહેલી નવલકથા તો ૧૮૭૮માં પ્રગટ થયેલી કન્દુકુટી પન્તુલુંની ‘રાજશેખર ચરિત્ર’ જ ગણાય. આ નવલકથા ગોલ્ડ સ્મિથના ‘વિકાર ઓફ
વેફીલ્ડ’ ને અનુસરે છે.
મલયાલમમાં બે
પરદેશીઓની હાથે અંગ્રેજીમાં નવલકથાઓ આરંભાય છે. કેરાલાના ખ્રિસ્તીઓમાં સામાજિક અને
ધાર્મિક જીવનને લગતી ૧૮૫૯માં શ્રીમતી પોલીન્સ લખે છે. પણ એ અપૂર્ણ રહે છે એમના પતિ
શ્રી પોલીન્સ એને પૂરી કરીને ૧૮૭૮માં મલયાલમમાં
‘ઘટકવધમ’ નામે એ પ્રગટ
કરે છે પણ આ મોલિક રચના નથી. એ પછી ચાર વર્ષે બાદ ૧૮૮૨માં આર્ચદીક્લ કે. ઓસીની
‘પુલેલી કુંચું’ પ્રગટ થાય છે. આ
નવલકથામાં હિંદુ ધર્મના સડા માટે જવાબદાર જ્ઞાતિ અને મૂર્તિપૂજાનો એમાં સખત વિરોધ
કરવામાં આવે છે. અને અંતે ખ્રિસ્તી ધર્મ માની શ્રદ્ધાને જોરશોર કરી આગળ કર્યો છે. પણ
આ કૃતિમાં સુવ્યવસ્થિત કથાવસ્તુ નથી અને એ માત્ર ધર્મના પ્રચારલક્ષી બની બેસી એટલે
એને પ્રથમ નવલકથાનું માન મલયાલમના વિવેચકો આપતાં નથી. પહેલી નવલકથા તરીકેનું સ્થાન
કેટલાંક વિવેચકો ૧૮૮૭માં પ્રગટ થયેલી ‘અપ્પુ નેડગાડી’ ‘કુંદ્લતા’ને આપે છે. એ એતિહાસિક નવલકથા નથી તેમ સામાજિક પણ નથી. આ
કથામાં એક રાજકુંવરનો પ્રધાન પુત્રી સાથેનો અને રાજકુંવરીનો એ જ પ્રધાનના પુત્ર
સાથેનો પ્રણયનું નિરૂપણ કરવામાં આવ્યું હોય તેવી એક પોરાણિક વાતાવરણની જમાવટ થઈ
છે. એમ.પી.પોલ જેવા વિવેચક આ નવલકથાને સેક્સ્પીયરના ‘સીમ્બેલિન’ સાથે સરખાવે છે. તે ઉપરાંત સ્કોટની ‘આઈ વેણ.
હો.’ની આ નવલકથાના વસ્તુ પર છાપ પડેલી છે.
૧૮૮૯માં પ્રગટ
થયેલી ચંદુ મેનની સામાજિક નવલકથા ‘ઇન્દુલેખા’ને વિવેચકો સૌપ્રથમ સુવિકસિત મોલિક નવલકથા તરીકે ઓળખાવે છે.
મરાઠીમાં ૧૮૫૭માં
બાબા પદ્મનજીએ લખેલી ‘યમુના પર્યટણ’ને મરાઠીની પહેલી નવલકથા કહેવી કે કેમ એ એક
પ્રશ્ન છે. કારણ કે એની ભાષા ખ્રિસ્તી મિશનરીઓના વધુ પડતા સંસ્કારોને કારણે
અંગ્રેજી મિશ્રિત છે. તેથી કેટલાંક વિવેચકો ૧૮૯૦માં પ્રગટ થયેલી હરિનારાયણ આપ્ટેની
‘મધલી સ્થિતિ’ને મરાઠીમાં
પ્રથમ નવલકથા ગણે છે.
અસમિયામાં
૧૮૭૭માં પ્રગટ થયેલી ‘કામિની કાંતર ચરિત્ર’ પહેલી નવલકથા છે. પરંતુ એમાં ખ્રિસ્તી ધર્મનો પુરસ્કાર અને
ભારતીયતાનો તિરસ્કાર હાડો-હાડ ભરેલો છે. એટલે અસમિયા વિવેચકો તેના લેખક એ.કે.
ગર્નીને પ્રથમ નવલકથા તરીકેનું પદ આપતાં અચકાય છે. એ પછી પદ્માવતી દેવી કુકનની
નવલકથા સુધર્માર ઉપાખ્યાન ૧૮૮૪માં પ્રગટ થાય છે.પણ એમાં પ્રાચીન કથા અને અર્વાચીન
નિરૂપણ રીતિ એવા સેળભેળ થઇ ગયા છે. કે એને પહેલી નવલકથા ગણવામાં આવતી નથી. પ્રથમ
નવલકથા તો પદ્મનાથ ‘ગોહાઇ’ બરુઆની ભાનુમતી
જ છે. સનાતન પ્રણય ત્રિકોણ પર આધારિત આ નવલકથા ૧૮૯૧માં પ્રગટ થઈ હતી.
બંગાળીમાં ૧૮૨૩માં
પ્રથમનાથ સર્વાંણી નવબાબુ વિલાસ પ્રગટ થઈ પણ એ રેખાચિત્ર જ છે.
જેથી બંગાળીની પ્રથમ મોલિક નવલકથા ૧૮૫૫-૫૭ દરમિયાન માસિક
પત્રિકામાં ધારાવાહિક રૂપે પ્રગટ થયેલી પ્યારી ચાંદ મિત્રની ‘આલા લેર ઘરેર દુલાલ’ છે. એ પછી કાલીપ્રસન્ન સિંહની ‘હુતિમ પેંચાર
નકશા’ ૧૮૬૨માં આવે છે.
૧૮૬૪માં બંકિમચંદ્રની રાજ મોહન સ્વાઈટ પ્રગટ થાય છે. પણ બંગાળીમાં લખાયેલી તેમની
પહેલી નવલકથા તો ‘દુર્ગેશનંદીની’ તે જ છે.
કન્નડમાં ગઈ સદીના મધ્યભાગમાં મુંદ્રા રાક્ષસ પર આધારિત મુદ્રા મજુસા પ્રગટ થઇ.
કન્નડની પહેલી મોલિક નવલકથા તે ‘વાવે તેનું લણે’ અને તેના લેખક હતા પટ્ટણ્ણા આ સામાજિક નવલકથા પછી
વાસુદેવઆચાર્યએ ઇન્દિરા આપી આ બંને કન્નડની પહેલી મોલિક નવલકથાઓ ગણાય છે.
તમિલમાં વેદનાયકમ
પીલેની ‘પ્રતાપ મુદલીયરચરિતમ’ એ પહેલી નવલકથા ગણાય છે. આ નવલકથામાં એક
ચારિત્ર્યશીલ હિંદુ ગૃહસ્થનો જીવન વૃત્તાંત જુદા જુદા પ્રસંગોમાં અપાય છે. ત્યારબાદ
હિન્દીમાં બંગાળી અને અંગ્રેજીની અસરથી નવલકથા લખવા માંડી ૧૮૮૬માં લખાયેલી લાલા
શ્રી નિવાસદાસની ‘પરીક્ષાગૃહ’ હિન્દીની પહેલી
નવલકથા ગણાય છે. તે પછી ૧૮૯૧ના દેવકીનંદન ખત્રીની ‘ચન્દ્રકાન્તા’ ભાગ- ૧ થી ૪ પ્રગટ થઇ ત્યારબાદ ગોપાલરામ ગહમરી
જાસૂસી નવલકથાઓ આપી પરંતુ હિન્દી નવલકથાના વિધાયક તો બન્યાં પ્રેમચંદજી તેમની
સેવાસદન ૧૯૧૬માં પ્રગટ થઇ તે સૌથી પહેલી નવલકથા છે.
આ રીતે તારવીએ તો
ગુજરાતીમાં ૧૮૬૬માં ‘કરણઘેલો’ ઓડીયામાં ૧૮૭૮, અસમિયામાં ૧૮૯૧, બંગાળીમાં ૧૮૬૫માં, કન્નડમાં ૧૯૦૪માં, તમિલમાં ૧૮૬૯માં, હિન્દીમાં ૧૮૮૬, મરાઠીમાં ૧૮૯૦, વ્યવસ્થિત રીતે નવલકથાનો પ્રાગટ્ય થાય છે. સાહિત્યિક
પુનરુત્થાન સૌથી પહેલાં બંગાળમાં આવી અને બીજા સાહિત્ય સ્વરૂપોની જેમ નવલકથામાં પણ
એ અગ્રેસર રહ્યું. આં બધી નવલકથાઓ પછી સમાજ સુધારાનો એક યુગ આવ્યો. જુદી જુદી સામાજિક
સમસ્યાઓ નવલકથામાં નિરૂપણ પામવા લાગી. આપણા ગૃહ, કુટુંબ, લગ્નકથા.
જમીનદાર અને દલિત વર્ગો સાથેની અથડામણો, સંસારિક કુરૂઢીઓ, વહેમો અને અંધશ્રદ્ધાઓ, દમન અને અત્યાચાર જેવા વિષયો નવલકથામાં
દેખાદેવા માંડયા. ગુજરાતીમાં જે કાર્ય ગોવર્ધનરામ જેવાના હાથે થાય છે એ કાર્ય
બંગાળમાં રવીન્દ્રનાથ જરા જુદી રીતે કરે છે. એમના પછી આવનાર શરદચંદ્ર માત્ર
બંગાળીના નહિ પણ સમગ્ર ભારતવર્ષીય નવલકથા પર છવાઈ ગયા.
રવિન્દ્રનાથ અને શરદબાબુની સાથે પ્રેમચંદજીનું
પણ સ્મરણ થાય. ભારતના મધ્યમ વર્ગના કુટુંબના પ્રશ્નોને એક ભાવનાવાદનો પટ આપવામાં
પ્રેમચંદજીને પણ મોટી સફળતા મળી છે. ત્યારબાદ ભારતીય સાહિત્યમાં ગાંધીજીના
વ્યક્તિત્વની પણ પ્રભાવક અસર પડી. દિન-દલિતો પ્રત્યેની હમદર્દી સામાજિક ન્યાય,
નીચલા ઘરનો મનુષ્યનો તીવ્ર બનતો જીવન સંઘર્ષ, સત્ય અને અહિંસાના સિદ્ધાંતો, ભારત જેવા કૃષિ પ્રધાન દેશની
ભૂમિ સમસ્યાઓ, હરિજનના પ્રશ્નો
વગેરે આપણા સાહિત્યમાં પ્રતિબિંબિત થાય છે. નવલકથાની સામગ્રી સીધી જીવનમાંથી આવે
છે. નવલકથા જેવા લોકપ્રિય પ્રકાર પર તેની અસર પડ્યા વગર કેમ રહે. ગુજરાતીમાં
ર.વ.દેસાઈ ગાંધીજીના જીવન સંદેશને રજૂ કરતી નવલકથાઓ આપે છે. અને યુગમૂર્તિ
વાર્તાકારનું બિરુદ મેળવે છે. ગોવર્ધનરામ પછી ક.મા. મુનશી એતિહાસિક પોરાણિક
વાતાવરણ દ્વારા ગુજરાતની અસ્મિતા અને ભારતીય સંસ્કૃતિની ભવ્ય યશગાથાને કથાના
માધ્યમ દ્વારા કલાત્મક ઉઠાવ આપે છે. ત્યાર પછી ગ્રામ જીવન પ્રત્યેનો રસ તળપદા, લોકજીવનનો કોતુંક મેઘાણી, પન્નાલાલ, પીતામ્બર પટેલ, પેટલીકરની પ્રાદેશિક નવલકથાઓમાં અભિવ્યક્ત થાય
છે. ત્રીસીના અને ચાલીસીના પ્રારંભમાં દેખાતું પ્રગતિશીલ વલણ આગળ જતાં ભારતીય
નવલકથામાં લગભગ અદ્રશ્ય થઇ જાય છે. આમ ભારતીય નવલકથાના મહત્વના સ્થિત્યંતરો
આવતા રહ્યાં છે.
સામાજિક નવલકથાઓનો
જવાબ આ સમયમાં આવ્યો એમાં ગાંધીવાદ અને માકર્સવાદની અસર પણ દેખાવા લાગી.
નવલકથાકારો સભાનપણે સામાજિક વાસ્તવવાદને નિરૂપણ કરવા લાગ્યાં. આ નવલકથાકારોને
પ્રેરણા બની સામાજિક સભાનતા અને માનવ જાતિના અનીષ્ઠોને દૂર કરવાની તીવ્ર ભાવના
જગતનું વાસ્તવ અને કલાનું વાસ્તવ બંને ભિન્ન છે. નવલકથાની કાચી સામગ્રીને કલાના
વાસ્તવ રૂપે પલટી આપવામાં રહેલી ઉન્નત્તાને કારણે કલાદ્રષ્ટિએ સંવર્ધક પર પરિણામ
નીપજી શક્યું નહિ અને એથી સામાજિક નવલકથાઓના વિપુલ-ગંજમાં સૂદ કલાકૃતિઓની સંખ્યા
તો અલ્પ જ રહી. સમાજની તત્કાલીન સમસ્યાઓને નીરુપીને સપાટિયા માનવ જીવનનું
પ્રતિબિંબ પાડતી કેટલીક દસ્તાવેજી નવલકથાઓનો ઉલ્લેખ માર્યાદિત રહ્યું.
માકર્સ અને
ગાંધીજીના પ્રભાવ હેઠળ લખાયેલી નવલકથાઓમાં સામાજિક વાસ્તવવાદ નીરુપવાનો પ્રયત્ન
થયો હોય તેમ ફ્રોઈડ અને યુગની અસરથી મનોવિશ્લેષણનો મહિમા વધ્યો. પહેલાં વ્યક્તિનો
સમાજ સાથે અને પરિસ્થિતિ સાથેનો ઘર્ષણ નીરુપાતું. હવે પાત્રોના માંનોવ્યપારોમાં રસ
વધે છે પરિણામે નવલકથામાં સ્વપ્નની દુનિયા, માનસિક સંઘર્ષ, વિવિધ માનસ ગ્રંથીઓ વ્યાપક રીતે નવલકથામાં સ્થાન પામે છે.
માંનોવેજ્ઞાનિક નવલકથા આપવાનાં પ્રયત્નમાં કોઈ ધરખમ કૃતિ આપણને મળતી નથી.
સ્વાતંત્ર્યોતર
કાળમાં ફરી પાસું પ્રદેશમાં રોપાવાનું નવલકથાકાર પસંદ કરે છે. પન્નાલાલ પટેલ, દાંડેકર, વિભૂતિ ભૂષણ, તારા શંકર વગેરે સર્જકો અમુક પ્રદેશને નીરુપવા નિમિત્તે
ભારતની વનશ્રી અને જનસમાજને આપણી સમક્ષ ચિત્રિત કરે છે. આવી કૃતિઓ પ્રદેશની
લાક્ષણિકતાઓને ચીતરતી કૃતિઓ સમગ્ર ભારતમાં ખ્યાલ ઉપસાવવા તાકે છે. અહીં ગામડું છે, ગામડાના પ્રશ્નો છે, વનની સમૃદ્ધિ છે, કુદરતની કલાત્મક છટાઓ છે. આમ પણ ભારત જેવા
કૃષિ પ્રધાન દેશમાં આ રીતે ગામડાં તરફ સ્વાભાવિક ગણાય પ્રદેશ પ્રત્યેનો પ્રેમ. આ
નવલકથાકારોને પ્રજાજીવનના મૂળ સુધી લઈ જાય છે. પ્રાદેશિકતાવાદ કે અલગતાવાદને
પ્રાદેશિક નવલકથા સાથે સ્નાન સુતક સબંધ નથી. કલાના ઉચ્ચ ધોરણો સિદ્ધ થાય છે. આપણે
ગુજરાતની વાત કરીએ તો પન્નાલાલ પટેલ ‘મળેલા જીવ’ વિશે સુંદરમેં કહ્યું હતું કે આ કથાથી ગુજરાતનું તળપદુ
જીવન વિદ્વતાની કે આંડબરીતા તથા સભાનકલાકારની કૃત્રિમતામાંથી મુક્ત રહી એક તળપદા
છતાં સાચાં કલાકારને હાથે સાહિત્યમાં આવિષ્કાર પામે છે. અત્યારે આ કથા જેવી છે
તેવી પણ હિંદના કોઈ પણ સાહિત્યમાં અને થોડા સંકોચ સાથે દુનિયાના સાહિત્યમાં પણ
ગુજરાતની કલાનું પ્રતિનિધિત્વ કરી શકે તેવી બની છે. ગ્રામ જીવનના આલેખનમાં અગાઉની
રંગદર્શિતાને બદલે સાદગીભરી કથનરીતિના વિનિયોગ દ્વારા એમાં નવો પ્રવાહ લાવવાનો
પ્રયત્ન વ્યંકટેશ માળગુડ્કરની બનગરવાડી’ જેવી કૃતિઓ દ્વારા થતો આપણે જોઈએ છીએ.
કોઈ પણ સર્જક
નવલકથામાં છેવટે તો કલાની શોધ જ કરતો રહે છે. ઊમાશંકર જોષી કહે છે પ્રાદેશિક
નવલકથાઓમાં જે તે પ્રદેશની લાક્ષણિકતાઓથી મનુષ્યના અસ્તિત્વને અળગું કરવું જેમ
શક્ય નથી તેમ મનુષ્યના અસ્તિત્વને સાચો અર્થ પામવા માટે નવલકથાકારે આ
પ્રાદેશીક્તાને પણ અતિક્રમવિ રહી.
એક સમય એવો હતો કે
Stream
of consciousness- ચેતના પ્રવાહનો
નવલકથાઓનું આકર્ષણ હતું. પ્રસિદ્ધ મરાઠી કવિ મરઢેકરે મરાઠીમાં ‘રાત્રિ ચા દિવસ’માં આ ટેક્નિકનો વિનિયોગ સૌથી પહેલાં કરેલો
વાચકોમાં અને વિવેચકોમાં આ પદ્ધતિએ આકર્ષણ જન્માવ્યો પછી તેમણે આ પદ્ધતિએ જ નવલકથા
લખી.
વસંત કાનેટકરની ‘ગર’ અને પંખ નોંધપાત્ર છે.
તમિલ નવલકથાકાર
ચેલ્પા પોતાની નવલકથા જીવનાશન’ માં આ પદ્ધતિનો
સફળ ઉપયોગ કરે છે. ગોપીચંદ, બુચ્ચી બાબુ, રીચકોંડા, વિશ્વનાથ શાસ્ત્રી, સતીનાથ ભાદુરી, પ્રફુલદત્ત ગોસ્વામી, હરિમોહન, સુરજીતસિંહ શેઠી વગેરે પોતાની નવલકથાઓમાં
વિશેષ વિનિયોગ કરે છે.
આધુનિક નવલકથાની
વાત કરીએ તો એમાં એક કરતા વધારે તત્વોનું મિશ્રણ થયું હોય છે. કન્નડ નવલકથાકાર
શાંતિનાથ દેસાઈને ‘મુક્તિમાં’ મનોવિશ્લેશ્નાત્મક
અધ્યતન તેમજ અસ્તિત્વવાદી તત્વો ભેગા થઈ ગયા છે. આધુનિક નવલકથામાં કવિતાની
ટેક્નિકનો વિપુલ ઉપયોગ કરવાની વલણ બલવતર બન્યો છે. પ્રતિક યોજના, ભાવ, કલ્પનોનો સંયોજન કવિતાની લગોલગ પહોંચી જતી
અભિવ્યક્તિ છટાઓ અનુભૂતિની તીવ્રતા અને સહજતાનો અનુભવ સંક્રાત કરવાનો પ્રયત્ન થાય
છે. આજના નવલકથાકારો વર્તમાનની ભીષણતા અને પ્રજાની યાતનાનો આલેખવાનો વલણ એમનું
બળવતર બન્યું છે.
ભગવતીચરણ વર્મા ‘તેઢે
મેઢે રાસ્તે’, ‘ભૂલે ભીસરે
ચિત્ર’ સિદ્ધી સચ્ચી બાતે’ આ નવલકથાઓમાં ૧૮૮૫થી ૧૯૪૭ વચ્ચેના ભારતના
સાંસ્કૃતિક અને સામાજિક ઇતિહાસને આવરી લે છે. ભારતના ભાગલાના વિષય પર આધારિત યશપાલની
‘જુઠા સચ્ચ’ એક મહત્વની રચના
છે.
આધુનિક નવલકથાના
સમગ્ર પ્રવાહનું વર્ણન કર્યા પછી છેલ્લે એન્ટીનોવેલ (અસંગત) રચીને એ પ્રવાહને
વહેતો રાખે છે. નવલકથાના ભાવ વિશે એની રીતે ગમે તેટલું સાચું કે સંપૂર્ણ હોય તો પણ
એનો બહારના વિશ્વ સાથે સબંધ ખંડિત થતો હોય. રોજ રોજના બનાવોનું સાચું દર્શન તો કોઈ
પણ સર્જકને એબ્સર્ડના આરે લાવીને જ મૂકે છે. વર્જીનીયા વુલ્ફ એમના ‘મોર્ડન ફિક્સન’ ઉપરના નિબંધ પણ લખે છે- આ કે તે પાત્રના
ચેતસિક ઉડાણમાં ઉતરનાર નવલકથાકાર તળિયે પહોંચી બધું જ તર્ક બદ્ધ સુવ્યવસ્થિત
મેળવવાની ખેવના ન રાખી શકે આવા કશાક વિચારમાં જ એન્ટીનોવેલનું બીજ રહેલું છે.
આમ, લગભગ ૧૦૦ વર્ષના ગાળામાં નવલકથાના વિકાસને
અવલોકતા બંગાળીમાંથી શરૂઆત કરી છેલ્લે આધુનિક નવલકથાઓ અને છેલ્લે વાસ્તવિકતા સાથે
સીધો સબંધ રાખવા માંગતી એન્ટીનોવેલ આ સંદર્ભમાં નવલકથાના પ્રચલિત સ્વરૂપથી જરા
જુદી પડે છે પરંતુ ભારતની જુદી જુદી ભાષાઓમાં અત્યારે લખાતી નવલકથાઓમાં આ નોવેલોનો
પડઘો પાડે છે.
0 ટિપ્પણીઓ
Please do not Enter any Spam Link in the Comment box.😈