Recents in Beach

નવલકથાનું સાહિત્ય સ્વરૂપ|NavalKatha nu saahity sawarup

 

નવલકથાનું કલાસ્વરૂપ:-👉

 

ભૂમિકા:-

  ભારતીય પરંપરામાં કથા સાહિત્યનો સુદીર્ઘ ને માતબર ઈતિહાસ છે. સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ તેમજ અન્ય અર્વાચીન ભારતીય ભાષાઓની જેમ ગુજરાતીમાં વિપુલ કથા સાહિત્ય ખેડાયું છે, પરંતુ આપણે જેને નવલકથાનું અભિધાન કર્યું છે તેને ગતકાલીન કથા સરિતાસાગરનો સ્વરૂપ વારસો મળ્યો જ. નવલકથા સંજ્ઞા અને તેનું કલાસ્વરૂપ બંને બહુધા અંગ્રેજી ભાષા દ્વારા સાંપડેલી, પશ્ચિમના સાહિત્યની દેણગી છે. અન્ય ભારતીય ભાષાઓની જેમ ગુજરાતીમાં પણ ઓગણીસમી સદીના ઉત્તરાર્ધથી નવલકથાનો પ્રારંભ થયો છે. અને પાછલા સો સવાસો વર્ષમાં વર્ણ્ય સામગ્રી તેમજ અભિવ્યક્તિની દ્રષ્ટિએ ગુજરાતી નવલકથાએ વિવિધ રૂપ ધારણ કર્યા છે. એટલે નવલકથા એ અર્વાચીન સાહિત્ય બાગનું અપૂર્વ પુષ્પ છે. મુદ્રણ યંત્રથી એ પાંગર્યું, ખીલ્યું ફોર્યું.

 

 

 

નવલકથાના પર્યાયો:-

 

  નવલકથા એટલે નવલ=અદ્ભુત+કથા = વાર્તા પરથી ગદ્યમાં લખેલી કલ્પિત વાર્તા.

 નવલકથા શબ્દ હકીકતમાં અંગ્રેજીNovel’ પરથી સિદ્ધ થયો છે.

 Novel’ શબ્દ લેટિન ‘Novus’ (કંઇક નવીન) એ શબ્દ પરથી બન્યો છે.

 મરાઠીમાં નવલકથાને ‘કાદંબરી કહેવામાં આવે છે.

 હિન્દીમાં નવલકથાને ‘ઉપન્યાસ કહેવામાં આવે છે.

 ગુજરાતીની પ્રથમ નવલકથા ‘કરણઘેલો ના કર્તા નંદશંકરએ ‘Novel માટે ‘વાર્તા પર્યાય યોજેલો.

  સ્વ. મણિલાલ દ્વિવેદીએ ‘સરસ્વતી ચન્દ્ર ભાગ-૧ નું અવલોકન કરતા ‘સંસારચિત્ર એવો પર્યાય યોજ્યો હતો.

 ત્યાર પછી તો ‘Novel’ ને આપણે ‘નવલકથા તરીકે જ સંબોધતા આવ્યાં છે એટલે ‘Novel’નો પર્યાય નવલકથા કે જે રૂઢ બની ગયેલો શબ્દ છે.

 

મિત્રો આમજ બીજી પોસ્ટ માટે Follow the Gujarati Nots channel on WhatsApp


વ્યાખ્યા:-

 કોઈપણ સાહિત્ય સ્વરૂપને વ્યાખ્યામાં બાંધવાનું સરળ નથી. ડૉ. સુરેશ જોશી નોંધે છે તેમ ‘બહુ ચોક્કસ એવા લક્ષણોવાળી વ્યાખ્યા ઝટ બાંધી શકાતી નથી. ખરેખર નવલકથાને હજી એનો એરીસ્ટોટલ મળ્યો નથી.’ સર એલન ટેઈટનાં આ લાક્ષણિક ઉદગારમાં તથ્ય છે છતાં વિદ્વાનો દ્વારા નવલકથાની વ્યાખ્યા આપવાના એકાધિક પ્રયત્નો થયા છે. પરંતુ કોઈ એક જ વ્યાખ્યા નવલકથાને સાંગોપાંગ પૂર્ણ તથા સીમાબધ્ધ કરવા સમર્થ નીવડી નથી.

 

 સાર્થ ગુજરાતી જોડણી કોશમાં ‘નવલકથાને ‘ગદ્યમાં કલ્પિત વાર્તા તરીકે વર્ણવી છે.

 ‘નવલકથા એટલે – માનવીઓ એમની સંવેદનાઓ, વિચારો, પ્રવૃતિઓ વિશે ન્યૂનાધિક સંકુલતા વાળા કથાવસ્તુની કે ઘટનાની ભાત ગૂંથણીની ગદ્યમાં રચાયેલી, પ્રમાણમાં દીર્ઘ કલ્પિત કથા.’

 

‘નવલકથા એની ઉદારતમ પરિભાષામાં એક અંગત અને અપરોક્ષ જીવનની છબી છે.’- હેન્રી જેમ્સ.

 

‘A prose book of certain thickness that tells a story of real life’ (નવલકથાના વાસ્તવ તત્વને ઇંગિત કર્યું છે.)- મેરી મેકાર્થી.

 

ડૉ.રમણલાલ જોશી નવલકથાના શિથિલ કલાદેહનો અને તેની કેન્દ્રોગામી ગતિનો અણસારો આપી નોંધે છે; ‘નવલકથાની સામગ્રી સીધી જીવનમાંથી આવે છે અને એનું સંપૂર્ણ કલારૂપાંતર અશક્ય નહિ તો મુશ્કેલ તો આવશ્યક છે.’

 

ડૉ. હરિવલ્લભ ભાયાણી નવલકથાને કલા તરીકે નકારે છે; ‘નવલકથા કલા નહિ પણ સર્જનાત્મક નમનીય માધ્યમ છે.’

 

 ‘નવલકથાનું સ્વરૂપ જ એવું છે કે એ આપણા જીવનના વિશાળ પટને આવરી લે. જીવનના વૈવિધ્ય, ઊંડાણ, સંકુલતા- નવલકથામાં માત્ર ઉપકારક જ નહિ, અનિવાર્ય પણ થઇ પડે છે.’

 

 કદ, સંવિધાન, સર્જકનો અભિગમ, વર્ણ્ય વિષય, ભાષાકોશલ આદિમાં ભિન્નતાને કારણે આકારને પ્રકારમાં પરસ્પર વિરોધી લક્ષણ ધરાવતી કૃતિઓ નવલકથા પામી છે. ‘રંજનકથા થી માંડીને ‘પ્રતિ-જન ઠોસ ‘દસ્તાવેજી રચના થી માંડીને સાવ ‘કપોળ કલ્પિત કથા તો વળી ઘટના બહુલ કૃતિથી માંડીને ઘટના હાસવાળી કૃતિ સુધીની રચનાઓનો નવલકથામાં સમાવેશ થયો છે.

 

 આમ નવલકથાને વ્યાખ્યામાં બાંધવાના પ્રયાસો થયા છે. પણ નિષ્કર્ષ રૂપે એટલું જ કહી શકાય કે નવલકથા અત્યંત સરલ, નમનીય, બહુરૂપી અનેક શક્યતાઓવાળી, પચરંગી- સાહિત્યિક બે કાંઠાની મર્યાદામાં, લોકપ્રિયતાના વેગથી વહેતો, કથ્નાત્મ્ક પ્રવાહ છે.

એમાં કલ્પનાવિહાર આવી શકે

 એમાં સ્થળ કાળની કથાઓ આલેખી શકાય.

 એમાં વ્યક્તિ, વર્ગ કે પ્રજાની છબી ઉપસાવી શકાય.

 એમાં માનવ મનના અગોચર ને ગોચર કરી શકાય.

 એમાં કેવળ વાત જ ચાલતી હોય કે ઘણીવાર વિચાર પણ ચાલતો હોય.

 


 

Navalkathanu Sahity Swarup


નવલકથાના ઘટકતત્વો:-

 

  જુદી જુદી વ્યાખ્યાઓ કે મંતવ્યોમાં નવલકથાના જુદા જુદા ઘટકતત્વોની વાત કરવામાં આવી છે. એક જ વ્યાખ્યામાં નવલકથાના સર્વ ઘટકતત્વો કે વ્યાવર્તક લક્ષણોનો સમાવેશ થઇ જાય એવું ભાગ્યે જ બન્યું છે.

 

નવલકથા વિભિન્ન ઘટકતત્વોના યોગથી થતી અખિલ રચના છે.

૧. કથાવસ્તુ- વાર્તા

૨.વસ્તુ સંકલના

૩. ચરિત્રચિત્રણ-પાત્રાલેખન કલા

૪. સંવાદ કલા

૫. વાતાવરણ સર્જન

૬. રસનિષ્પતિ

૭. સંઘર્ષ

૮. નિરૂપણ શૈલી

૯. સમય, સ્થળ, કાર્યનો મહિમા

૧૦. જીવન પ્રત્યેની લેખકની વિશિષ્ટ દ્રષ્ટિ- જીવન શૈલી

 

. કથાવસ્તુ:-

  નવલકથાનું સૌથી પહેલું ઘટકતત્વ છે, કથાવસ્તુ. નવલકથાને માટે આછો પાતળો કથા તંતુ એ એની સ્વરૂપગત જરૂરિયાત છે. સર્જક નવલકથા માટે વસ્તુ ગમે ત્યાંથી પસંદ કરી શકે, એને માટે કોઈ બંધન નથી. નવલકથાનું વસ્તુ ખ્યાત હોય કે ઉત્પાદ્ય હોય કે પછી મિશ્ર હોય એમાં સર્જકની કલ્પના અચૂક કાર્યરત હોય છે.

 

 નવલકથામાં વસ્તુ ગમે તે હોય, ગમે ત્યાંથી લીધું હોય પરંતુ એમાં મનુષ્ય જીવનનું નિરૂપણ તો થતું જ હોય છે. મનુષ્ય જીવનને કેન્દ્રમાં રાખીને નવલકથાકાર પોતાની વાર્તાસૃષ્ટિ રચતો હોય છે. શ્રી ચન્દ્રકાંત બક્ષી લખે છે તેમ- “નવલકથામાં એક વસ્તુ ખડકની જેમ સ્થિર છે માણસ. હજી સુધી અને હવે તો વધુ માં વધુ માણસની વાર્તા લખાય છે.”

 

 મૂળભૂત રીતે નવલકથા પરસ્પર સંબધિત ઘટનાઓની ગૂંથાયેલી એક મોટી ઘટના જાળ છે. આ ઘટના જાળમાં કંઈ ને કંઈ વસ્તુઓ ઉપાદાન તરીકે સ્વીકારવી તેના કોઈ નિયમ નથી. જીવનના કોઈ પ્રસંગને નવલકથા માટે સ્વીકારી શકે પરંતુ Edwin muir કહે છે કે આવો પ્રસંગ ‘માનવમાત્રના જીવન સંગ્રામ અને તેની સંપતી-વિપત્તિની ઘટનાઓ સાથે સબંધ બાંધીને આપણા મર્મને સ્પર્શી શકે એવો તો હોવો જોઈએ.’ પછી પ્રસંગ એતિહાસિક હોય કે પ્રાચીન કે અર્વાચીન હોય તો પણ ચાલે.

 

 માનવીને સૌથી વધુ રસ પોતાના જેવા જ સુખ-દુઃખ, સ્નેહ-ઘૃણા, દયા-ક્રુરતા વગેરે અનુભવતા માનવમાં વધુ હોઈ. નવલકથાકારે એવા માનવીઓના પ્રતિબિંબને પોતાની કથામાં ઝીલવા જોઈએ.

 

 

. વસ્તુ સંકલના-વસ્તુગૂંથણી:-

 

  વાર્તા તત્વને કોઈક વ્યવસ્થામાં ઢાળ્યાવિના, સંસ્કાર્યા વિના ચાલે નહિ એટલે જ વસ્તુ સંકલનાને વાર્તાતત્વ કરતા વધુ મહત્વ અપાય છે.

 પ્રત્યેક નવલકથાના શ્રવણ- વાંચન પછવાડે હવે શું? બનશે, આ પછી આ બને છે તથા જે બન્યું તે આટલા માટે બન્યું અને આ રીતે બન્યું વગેરે આકર્ષણો પડેલા છે. ટૂંકમાં નવલકથાકાર વસ્તુ સંકલના માટે કુતુહલ અને વિસ્મય નામના બે ઘટકો હાથવગા રાખે છે.

 

 ઘટનાઓને એકબીજી સાથે સાંકળી લઈને વસ્તુ સંકલનાનો તખ્તો ગોઠવાય છે. ક્યારેક સર્જક એક પાત્રના જીવનમાં બનતી ઘટનાઓને આનુંપુર્વીમાં ગોઠવીને ઈતિવૃત પ્રધાન વસ્તુ સંકલના પણ જોડે છે. આ પ્રકારની વસ્તુ સંકલના પાત્રાલેખનને ભોગે થતી હોય.

 

 સામાન્યતઃ વસ્તુ સંકલના, કુતુહલ માંથી જન્મતા તનાવ (ટેન્શન) અને નિર્ધાર ઉપર આધારિત હોય છે. કેટલીક વસ્તુ સંકલનાઓ જીવન ચરિત્રાત્મક હોય છે. આવી વસ્તુ સંક્લનામાં નવલકથાના કેન્દ્રમાં એક મુખ્ય પાત્ર હોય છે અને તેના જીવનમાંથી કેટલીક ઘટનાઓને પસંદ કરીને મુકવામાં આવે છે.

 

 વસ્તુ સંકલનનો તેના સ્વાભાવિક ક્રમમાં આગળ વધવી જોઈએ અને સાથે સાથે જે ઘટનાઓ શા માટે બને છે અને તે પાત્રોના જીવનમાં તેમનાં મનોજગતમાં કયા પરિવર્તનો લાવે છે તે પણ જાણવું પડે. જો એ ઘટનાઓ પાત્રોના વ્યક્તિત્વ પર કશો પ્રભાવ જ ના પાડતી હોય તો તેનો કોઈ અર્થ નથી. વસ્તુ સંકલનાંથી નવલકથાની સંયોજના સુગ્ર્ન્થીત બને છે અને નવલકથાની સમયની સંવેદના સૂચવાય છે.

 

 

. ચરિત્ર-ચિત્રણ-પાત્રાલેખન:-

 

 વસ્તુ સંકલના ઘટનાઓની બનેલી હોય છે અને એ ઘટનાઓ કોઈ કરતા છે એ કર્તાએ બીજા અનેક કાર્યો અને વિકલ્પોમાંથી અમુકની પસંદગી કરી છે. પ્રત્યેક પસંદગી માનવીય સંદર્ભમાં તથા એ પાત્ર પાત્રના કાર્યને નિમિત્તે માનવીના જ પ્રશ્નો માનવીની ચર્ચા કરતા હોય છે. ઈ.એમ.ફોર્સ્ટ સાચું કહે છે ‘અન્ય કલાકારો ટાળી શકે, ચિત્રકાર- શિલ્પી માનવીને અડે જ નહીં તો પણ ચાલે, કવિ માત્ર પ્રકૃતિની વાત કરે તો પણ ચાલે પણ નવલકથાકારને તો જીવતા જાગતા માણસ વિના ચાલે જ નહિ.

 

 કથા વસ્તુની ઘટનાઓ માનવીના ચિત્તમાં ભાવ- પ્રતિભાવ, સંઘર્ષ જન્માવે છે તેનો પ્રભાવ પાત્રના ચરિત્ર ઉપર પડે છે તેથી પાત્રાલેખન- ચરિત્ર-ચિત્રણ નવલકથાનું ધરીસમું અંગ બન્યું છે.

 

 પાત્રસૃષ્ટિમાં સાદા-સ્થિર પાત્રો (Flat) અને પરિમાણ સભર કે ગતિશીલ (Round), વૈયક્તિક (Individual), વર્ગરૂપ (Type), અ-ચલ (static) અને પરિવર્તનશીલ (Dynamic), વળી મુખ્ય પાત્રો માટે નાયક (Hero) અને વિ-નાયક (Anti-hero) આદિ ભેદ-પ્રભેદોની શક્યતા છે, આથી ચરિત્રચિત્રણમાં નવલકથા લેખકની સર્જકતાને- કલ્પ્કવાને વિહરવાનો પૂર્ણ અવકાશ રહેલો છે.

 

 

 મુખ્ય પાત્ર અનેક ઘટનાઓમાંથી, અનેક પાત્રોની વચ્ચે પસાર થતાં થતાં પરિવર્તન પામે છે. એટલે આવા પાત્રોની આરંભની છબી અને અંતની છબી એક નથી હોતી.

 

  આમ નવલકથામાં આવતા પાત્રો કલ્પિત છતાં સજીવ, સજીવ છતાં પ્રતીતિકર હોવા જોઈએ. એમના વ્યક્તિત્વ પારદર્શક હોય એ ઇચ્છનીય છે.

 

 

. સંવાદકલા:-

 

 રંગભૂમિ ઉપર તો સંવાદનો મોટો મહિમા છે પરંતુ નવલકથા એ કઈ નાટક નથી. એથી જ નવલકથામાં જે સંવાદો આવે છે તે ઘટનાને અનુરૂપ આવે છે. નવલકથાના સંવાદો બે પ્રકારની કામગીરી મુખ્યત્વે બજાવે છે.

(૧) નવલકથામાં પાત્રોના વ્યક્તિત્વ પિંડ બાંધી આપવાનું કામ સંવાદો કરે છે. પાત્ર જે વાણી બોલે છે એ વાણી એટલે જ સંવાદ, પાત્રના મુખે બોલાતા સંવાદો પાત્રવ્યક્તિત્વનો પરીચય કરાવવાનું કામ કરે છે.

 

(૨) સંવાદો જે બીજું કામ કરે છે તે કથાને ગતિશીલ બનાવવાનું, ઘટનાઓના મંથર વેગને સંવાદો ક્યારેક ગતિશીલ કરીને નવલકથાને ગતિ આપવાનું કામ પણ કરે છે, જેથી સરળ છતાં ટૂંકા છતાં ધારદાર અને પ્રસંગના વક્તવ્યને આકારિત કરનારાં હોય છે.

 

 સંવાદો પાત્રવ્યક્તિત્વની ઓળખ કરાવે છે. સંવાદ કથોપકથન પણ નવલકથાની વસ્તુ સંકલનાની માવજતમાં ઉપકારક નીવડે છે. પાત્ર, પાત્રની બોદ્ધિક ભૂમિકા અને પરિસ્થિતિને અનુરૂપ રહી પ્રયોજતી સંવાદકલા નવલકથામાં સ્વભાવિકતા અવતારે છે.

 

 

. વાતાવરણ સર્જન-દેશકાળ વાતાવરણ:-

 

 નવલકથા જે સમયની અને જે સ્થળની હોય તેનો યોગ્ય પરિવેશ- તેનું યોગ્ય વાતાવરણ નવલકથાકારે નિર્માણ કરવાનું હોય છે. નવલકથા ઘટનાઓની સૃષ્ટિ હોઈ- આ ઘટનાઓ કથા- વાતાવરણને નિર્માણ કરે છે. તે પણ અગત્યનું બની રહે છે.

 

 કથાવસ્તુના વિકાસમાં અને પાત્રના વ્યક્તિત્વને પ્રગટ કરવામાં વાતાવરણનો મોટો હિસ્સો છે. વાતાવરણના પ્રામાણિક આલેખનથી કથા વિશ્વનો માહોલ રચાય છે. સમગ્ર કથાનક અને પાત્રસૃષ્ટિને વ્યવહારવા પરિવેશ પ્રાપ્ત થાય છે.

 

 નવલકથાની વાર્તા કયા સ્થળ અને કયા કાળ- સમયની વાત તેની સ્પષ્ટ કલ્પના વિના ઉચિત રૂપ ન આપી શકાય. સમયને અનુરૂપ કથાપરિવેશ રચાવો જોઈએ. પાત્રો, પાત્રોના પહેરવેશ, પાત્રોની વાણી, સ્થળ અને સમયના વર્ણન એ બધા દ્વારા વાતાવરણ નિર્મિત શક્ય બને છે. વર્ણનાદિથી લેખક જે તે સમય અને સ્થળને તાદ્રશ્ય કરીને વાચકની આસપાસ એક વાતાવરણ નિર્માણ કરે છે. અને વાચક તે દેશ- પ્રદેશ- સ્થળ વાતાવરણમાં જઈને વાર્તાને અવલોકે છે.

 

 

. રસનિષ્પતિ:-

 

 નવલકથાને માનવના માનવ્યને પ્રગટ કરવામાં રસ હોય છે એથી જ એને પ્રગટ કરવા સારું નવલકથાકાર મંથરગતિએ માનવજીવનનું ચિત્ર નીરુપતો હોય છે. માણસ પૂરો ઊઘડતો આવે એ રીતે નવલકથાકાર વસ્તુને વિકસાવે છે અને એ માટે જુદા જુદા રસોની નિષ્પતિ તે ઘટનારૂપ પ્રમાણે કરે છે. શૃંગાર, કરુણ, હાસ્ય, રોદ્ર, વીર, ભયાનક, બીભત્સ અને અદ્ભુત રસમાંથી નવલકથાકાર ને જે રસ કથાના વિકાસ અને સંકલન માટે અનુરૂપ અને અનુકૂળ લાગે તે રસ નીરુપતો હોય છે. નવલકથાકાર આખી કથામાં એક જ રસનું આલેખન કરતો હોય એવું ભાગ્યેજ બને કારણ કે નવલકથાનો પટ વિશાળ હોવાને કારણે સહજ રીતે એક પ્રકારના રસ વૈવિધ્યની તક પ્રાપ્ત થતી હોય છે. એક જ ઘટનામાં એક સાથે બે ત્રણ રસોનું નિરૂપણ કરી યોગ્ય સ્થાને નવલકથાને પહોંચાડે છે.

 

 બાહ્ય અને આંતર પિંડને રસ નિમિત એક આગવો આકાર બક્ષે છે.

 

 

. સંઘર્ષ તત્વ:-

 

  નવલકથાકાર માનવજીવનને કેન્દ્રમાં રાખીને જ્યારે કથા નિર્માણ કરતો હોય ત્યારે સ્વભાવિક છે કે  જીવનમાં સંઘર્ષ જે રીતે કોઈ ને કોઈ પ્રકારે જોવા મળે છે તેનું પ્રતિબિંબ નવલકથામાં પણ ઝીલાય. મનુષ્યનું જીવન કોઈને કોઈ પ્રકારના સંઘર્ષથી યુક્ત હોઈ- સંઘર્ષનું નિરૂપણ થતું. સંઘર્ષનું નિરૂપણ નવલકથાકાર ક્યારેક સંવાદો દ્વારા, ક્યારેક વર્ણનો દ્વારા, ક્યારેક પ્રસંગ નિરૂપણ દ્વારા, ક્યારેક પ્રતીકાત્મક રીતે અને કોઈક વાર વાતાવરણ નિમિત દ્વારા સર્જે છે.

 

 સંઘર્ષ બે પ્રકારના હોય છે (૧) બાહ્ય સંઘર્ષ: બાહ્ય સંઘર્ષ દ્વારા સર્જક મનુષ્ય વચ્ચેનો, પ્રસંગ-પ્રસંગ વચ્ચેનો કે પછી મનુષ્ય અને પરિસ્થિતિ વચ્ચેનો સંઘર્ષ નીરુપતો હોય છે. બાહ્ય સંઘર્ષ આપણે જોઈ શકીએ છીએ જ્યારે (૨) આંતર સંઘર્ષ આપણે જોઈ શકતા નથી. પરંતુ એને અનુભવી શકીએ છીએ. પાત્રના ચિત્તમાં ઊઠતા-જાગતા સંઘર્ષને જ્યારે નવલકથાકાર સક્ષમ રીતે નીરુપે છે ત્યારે જ નવલકથા વધુ ગતિશીલ અને ભવ્ય બનવા પામે છે. જેનું બાહ્ય સંઘર્ષ કરતા એક આગવું મૂલ્ય હોય છે.

 

 

. નિરૂપણ શૈલી (ભષા શૈલી):-

 

નવલકથાનું રૂપ કથનાત્મક છે. નવલકથામાં વર્ણનો, સંવાદો, નોંધપોથી, એકોક્તિ વગેરે પ્રયોજાય છે. નવલકથામાં બધાં પ્રકારની નિરૂપણ રીતિનો ઉપયોગ થાય છે. નવલકથામાં આવતા વર્ણનો ટૂંકા વેગીલા રેખા ચિત્રો ખેંચતા પણ હોઈ શકે અને વિગતપૂર્ણ વ્યાપક પણ હોઈ શકે. ચિંતન ટૂંકા, સૂત્રાત્મક વાક્યોમાં પણ વેરાયેલું હોય અને પાનાં ભરીને પણ પથરાયું હોય પરંતુ સમગ્ર રીતે જોવા જઈએ તો આખી નવલકથામાં એક સળગ કથક- કહેનાર હોય, અને સાંભળનાર પણ અપેક્ષિત હોય. નવલકથાકાર સર્વજ્ઞ હોઈ વ્યક્તિઓના મનની વાતો- આશયો- મુશ્દ્દા ઉર્મીઓ સઘળું કહે છે. સર્વજ્ઞ લેખક પાત્રોની ચેતનાના સર્વ સંચલનોનો સાક્ષી અને ‘પ્રવક્તા છે. છતાં તે કથામાં સંડોવાતો નથી. નવલકથામાં શૈલીએ પ્રસંગોપાત પ્રસાદ માધુર્ય અને ઓજસ જેવા ગુણ ધારણ કરતા રહેવું જોઈએ.

 

 નવલકથાની નિરૂપણ રીતિમાં વૈવિધ્ય હોય તો નવલકથાને એક ભાતીગળ આકાર પ્રાપ્ત થાય છે. નવલકથા આકર્ષક અને આસ્વાદ્ય બને. નવલકથામાં સર્જક પ્રસંગોચિત અને પાત્રોચિત ભાષાનો ઉપયોગ કરે છે અને એ રીતે વાર્તાને એક વિશિષ્ટ પરિમાણ આપવામાં તે સફળ થાય. જે તે સ્થળ કે પ્રદેશની જો કથા હોય તો તે સ્થળ કે પ્રદેશની બોલી નવલકથામાં પ્રયોજીને નવલકથાકાર એક વિશિષ્ટ પરિવેશ નિર્માણ કરી શકે છે. પન્નાલાલ પટેલ- ‘પાછલે બારણે નવલકથામાં ગ્રામીણ પરિવેશમાંથી પ્રસંગો, પરિસ્થિતિઓ, સમસ્યાઓ, પાત્રો ઉપાડી લઇ તેની ગૂંથણી કરે છે. આદ્ર હૃદયશ્રી, વેધક કથનરીતિની નાટ્યાત્મકતા અને લોકબોલી યુક્ત સશક્ત ભાષાભીવ્યક્તિ- આદ્ર પામેલી એમની સર્ગશક્તિની વિશિષ્ટતા છે.

 

  નવલકથામાં સર્જકના વ્યક્તિત્વને અનુરૂપ ભાષાશૈલી પણ જોવા મળે, પન્નાલાલ પટેલની કથાયાત્રામાં લોકકથાના ગદ્યની ભાત જોવા મળે છે. ગુજરાતનો ઈશાનિયા પ્રદેશના લોકોની બોલીનું સામર્થ્ય પિછાણીને, એ બોલીના વિશિષ્ટ લય, લહેકા, રૂઢિપ્રયોગો, પ્રતીકો,અલંકારો વગેરેથી લોકબોલીનો અતિરેક કાર્ય વિના સમુચિત વિનિયોગ કર્યો છે.

 

  સર્જકે સર્જકે નિરૂપણ શૈલી અને ભાષાશૈલીનું વૈવિધ્ય જોવા મળે છે.

 

 

. સમય, સ્થળ અને કાર્યનો મહિમા- સમયનું પરિમાણ:-

 

  સમયના પરિમાણનો પોતાની કથાના સંદર્ભે લાક્ષણિક રીતે વિનિયોગ કરવા માટે નવલકથાકાર અમુક પ્રકારની પ્રયુક્તિઓનો ઉપયોગ કરે છે. અને એના વડે સમયના અવનવા રૂપ કે ઘાટ સર્જે છે. નવલકથાકાર સમયનો કેવી રીતે ઉપયોગ કરે છે તેના પર નવલકથાના આકારનો આધાર રહેલો હોય છે. નવલકથામાં એક ઘટનાના અનુસંધાનમાં બીજી ઘટના બને અથવા એક ઘટનાને અનુસરે. સમય એક ચોક્કસ ક્રમમાંથી પસાર થઇ રહ્યો છે, એની પ્રતીતિ થાય છે.

 

 

૧૦. જીવન દર્શન:-

 

  નવલકથાકાર પોતાના ઉપાદાન તરીકે માનવ-જીવનને સ્વીકારતો હોઈ એ જીવન તરફનું પોતાનું કોઈ ને કોઈ દ્રષ્ટિ-બિંદુ ધરાવતો હોય તે સહજ છે. નવલકથા પોતાના જીવન અંગેના દ્રષ્ટિકોણ ને રૂમાલમાં જેમ અત્તરનું ટીપું નાખવા માત્રથી વાતાવરણ મહેકી ઉઠે છે- એ રીતે પ્રગટ કરતો હોય છે. પોતાનો દ્રષ્ટિકોણ સીધો સીધો પ્રગટ કરતો પણ પ્રચ્છન્ન રીતે પ્રગટ કરે છે.

 

  સમગ્ર નવલકથામાં લેખક એક દ્રષ્ટિબિંદુથી અનુસરે તો તેમાં એકતા, આકાર, અર્થપૂર્ણતા કે અપૂર્વતા આવે છે. આ અપૂર્વતા લેખકના વૈયક્તિક દ્રષ્ટિકોણમાંથી, વિશિષ્ટ દર્શનમાંથી, અને આત્મીય અનુભવમાંથી કે મોલ્લિક વિચારણામાંથી આવે છે- જન્મે છે. આ દ્રષ્ટિકોણમાંથી પ્રાપ્ત થતું નવલકથાનું નુતનત્વ- ‘નવલત્વ- જીવનના પ્રાકટ્યમાં અને તેની તૃષ્ટિકરણમાં પ્રગટ થાય છે.

 

૧૧. ઉપસંહાર:-

 

 નવલકથાના ઘટકતત્વો નીરખતાં નવલકથા કેવી હોઈ શકે એનો એક આછો પાતળો ખ્યાલ આવી ગયો હશે.



चित्तौड़गढ़ किस लिए प्रसिद्ध है?

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ