નર્મદયુગના લક્ષણો|Narmad yug na lakshno

 

સુધારા- નર્મદયુગના લક્ષણો:-


  ગુજરાતમાં અંગ્રેજી કેળવણીનો પ્રસાર થતા સમાજ જીવનમાં ક્રાંતિના મંડાણ થયા. આ ક્રાંતિનાં કારણે અંગ્રેજી સાહિત્યના અધ્યયન પરિશીલનથી સાહિત્ય રીતિમાં પરિવર્તન આવ્યું આ યુગના સાહિત્યકારો નર્મદ, દલપતરામ, નવલરામ, નંદશંકર કરશનદાસ મૂળજી વગેરે સાહિત્યકારોએ પોતાના સાહિત્યમાં મુખ્યત્વે સમાજ સુધારો જ આપ્યો છે. જેથી આ યુગને સુધારાયુગ ઉપરાંત આ યુગના અગ્રણી સુધારક અને તેજસ્વી સાહિત્યકાર પણ નર્મદ હોય તેથી ‘નર્મદયુગ’ તરીકે પણ આ યુગને ઓળખવામાં આવ્યો. આ યુગના કેટલાક લક્ષણો ઉડીને આંખે વળગે તેવા નીચે મુજબ છે:


 

૧. અનેકવિધ વિષયમાં કાવ્ય સર્જન:-


  નર્મદ, દલપતરામ અને નવલરામે મધ્યકાલીન પરંપરાને અનુસરી પદ, બારમાસી,આખ્યાન, ગરબી વગેરેની રીતિની કવિતામાં અનુસરણ કર્યું. પણ એ કવિતાનો વિષય બદલાયો. નવલરામે એમની કવિતાઓમાં કન્યા કેળવણી, બાળવિવાહ નિષેધ, વિધવા વિવાહ વગેરેને વિષય બનાવી સમાજ સુધારક પ્રબોધ્યો, તો નવલરામે ગુજરાતી સાહિત્યને સંખ્યાબંધ હાસ્યરસની કવિતાઓ આપી એમણે પણ સમાજ સુધારી એમની શૈલીમાં પ્રબોધ્યો. અંગ્રેજી કવિતાના સંપર્કથી પ્રવૃતિને પ્રણય જેવા વિષયો ગુજરાતી કવિતામાં પહેલી વાર દાખલ થયાં અંગ્રેજી ઊર્મિ કાવ્ય ભણેલા નર્મદે પૂર્વ-પશ્ચિમની અસર નીચે ઊર્મિ કવિતાઓ લખી તો કાલિદાસના ઋતુસંહારનું અનુસરણ કરીને વન-વર્ણન, ઋતુ-વર્ણન જેવા કાવ્યો લખ્યા. આમ સંસ્કૃત અને અંગ્રેજી ગ્રંથો પરથી પોતાની રૂચી ઘડનારા નર્મદ અને મુખ્યત્વે ગુજરાતી વ્રજ ભાષામાં કવિતા રચનાર દલપતરામે પ્રકૃતિ વર્ણનની કવિતાઓ આપી છે.

 


  નર્મદે આત્મલક્ષીતા સિદ્ધ કરીને પ્રણયનાં કાવ્યો લખ્યા. દેશાભિમાન અને લાગણી જેવા શબ્દો પહેલીવાર ગુજરાતને આપનાર દેશપ્રેમના વિષયો, જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય હતા. એની જગ્યાએ અનેક વિધ વિષયો જેવા કે પ્રણય, પ્રકૃતિ, દેશપ્રેમ, વતન પ્રેમ અને સમાજ સુધારો જેવા વિષયો આ યુગમાં પહેલીવાર જોવા મળે છે.


 

૨. સમાજ સુધારો:-


  ગુજરાતમાં અંગ્રેજી કેળવણીનો પ્રસાર થતા એકબાજુ સમાજ જીવનમાં ક્રાંતિના મંડાણ થયા અને સમાજ સુધારણાનો અવાજ ઉત્તરોતર બુલંદ બનતો ગયો હતો તો બીજી બાજુ અંગ્રેજી સાહિત્યના અધ્યયન પરિશીલનથી સાહિત્યનાક્ષેત્રે પણ મોટું પરિવર્તન આવ્યું. આ યુગમાં એકબાજુ સમાજ સુધારાનો ઝુંબેશ અને બીજી બાજુ સાહિત્ય પ્રવૃત્તિ એકબીજાની પોષક અને પુરસ્કૃત બની આ યુગના સાહિત્યકારો દલપતરામ, નર્મદ, નવલરામ, મહીપતરામ, નંદશંકર, કરશનદાસ મૂળજી વગેરે સમાજહિત ચિંતકોએ પોતાના સાહિત્ય દ્વારા મુખ્યત્વે સમાજ સુધારાનો જ બોધ આપ્યો છે, તેથી આ પણ સુધારા તરીકે ઓળખાય છે. આમ સુધારો એ આ યુગનું પ્રધાન લક્ષણ બની રહે છે.


 

  ગુજરાતમાં સુધારા પ્રવૃત્તિની પહેલ કરનાર દુર્ગારામ મહેતાજી હતા. તેમણે ઉચ્ચ-નીચ્ચના ભેદભાવ ફરજિયાત વૈવિધ્ય, ભૂત-પ્રેત તથા વહેમ, અંધશ્રધ્ધા, મૂર્તિપૂજા જેવી રૂઢિઓ અને માન્યતાઓ સાથે પોતાને સુઝે તેવી સ્વતંત્ર બુદ્ધિ પ્રમાણે વિચાર શ્રેણી પ્રચલિત કરવાનો પ્રયત્ન કર્યો હતો તે નર્મદ મુંબઈની “બુદ્ધિવર્ધકસભા”માં ભેગા થયેલા હિન્દુઓને મંડળી મળવાથી થતા લાભ સમજાવી રહ્યો છે અને ભેગા થયેલા નવયુવાનોને નીચેની પંક્તિઓથી ઉત્સાહ વધારી રહ્યો છે.

 

“આમે મરવું, તે મેં મરવું. કા’ન લડતા મરવું?

છતે જોરને છતે ઉપાયે, કા’ કેદીમાં ખપવું?”

 

સહુ ચલો જીવવા જંગ બ્યુગલો વાગે,

યા હોમ કરીને પડો ફતેહ છે આગે.”

 

  પોતાની જિંદગીને હોડમાં મુકીને સતત ૨૦ વર્ષ સુધી આ વીર સુધારકે ગુજરાતી સમાજમાંથી અજ્ઞાન, વહેમ, જડતા અને કાયરતાને દુર કરીને જ્ઞાન અને વિચાર યુક્ત વર્તનનો પ્રકાશ ફેલાવવાનો મહાન પુરુષાર્થ કર્યો હતો.

 



નર્મદયુગના લક્ષણો




૩. ગદ્ય લેખનનો આરંભ:-


  આ યુગમાં સાહિત્યક્ષેત્રે અનેક નવપ્રસ્થાનો થયા. મધ્યકાળમાં માત્ર પદ્ય જ રચાતું હતું એની જગ્યાએ આ યુગમાં ગદ્યની શરૂઆત થઇ. નિબંધ, નવલકથા, આત્મચરિત્ર, નાટક, વિવેચન, પ્રવાસ સાહિત્ય જેવા નવીન ગદ્ય પ્રકારો સર્જાવા લાગ્યા.નંદશંકર મહેતાએ રસેલ સાહેબના સૂચનાને સર વોલ્ટર સ્કોટની અંગ્રેજી નવલકથાને નમુનો ગણી ગુજરતી સાહિત્યની સોથી પહેલી એતિહાસિક નવલકથા ૧૮૬૬માં ‘કરણ ઘેલો’ લખી તો દલપતરામ અંગ્રેજી ભણ્યા ન હતા છતાં ફાર્બસ સાહેબના સંપર્કથી અંગ્રેજી કૃતિના આધારે ‘લક્ષ્મી’ નાટક લખ્યું. ‘ગુલાબી’ નામનું નાટક જે અંગ્રેજી નાટ્ય પદ્ધતિથી લખાયેલું નગીનદાસ તુળજીદાસ મારફતિયા પાસેથી ગુજરાતી સાહિત્યને પ્રાપ્ત થાય છે. જે ગુજરાતી નાટ્ય સાહિત્યમાં પ્રથમ મોલિક નાટક ગણાયું છે. દલપતરામનું મિથ્યાભિમાન નાટક ભવાઈ શૈલીનું હાસ્યરસનું નાટક પણ આજ યુગમાં લખાયું તો રણછોડભાઈ ઉદયરામે સંસ્કૃત અને અંગ્રેજી નાટક રીતિએ ‘લલિત દુઃખ દર્શના’ નાટક લખીને ગુજરાતીના નાટ્ય સાહિત્યના પિતા તરીકેનું માન મેળવ્યું.

 

 

  નવલરામે માલીચેરના મોક ડોક્ટર નામના નાટકનું ‘ભટ્ટનું ભોપાળું’ નામનું સફળ રૂપાંતર કરી બતાવ્યું અને ફાર્બસ સાહેબના રાસમાળાની એતિહાસિક કથાને આધારે ‘વીરમતી’ નામનું નાટક લખ્યું. નર્મદે અંગ્રેજી સાહિત્યમાંથી પ્રેરણા મેળવીને ગુજરાતી સાહિત્યની સૌથી પહેલી આત્મકથા ‘મારી હકીકત’ ગુજરાતી સાહિત્યને આપી. મહિપતરામેં પોતાના ઇંગ્લેન્ડના પ્રવાસનું વર્ણન ‘મારી ઇંગ્લેન્ડની મુસાફરી’માં કર્યું. નર્મદે પોતાની ભાષા (ગુજરાતી) નો શબ્દકોશ એકલે હાથે ૧૨ વર્ષની જહેમતે તેયાર કર્યો. આમ નવલકથા, નાટક, આત્મકથા, નિબંધ, પ્રવાસ લેખન વગેરે વિવિધ પ્રકારોનો આરંભ નર્મદ યુગમાં જ થયો.

 

 



૪. કાવ્યક્ષેત્રે નવપ્રસ્થાનો (નવતર પ્રયોગ):-

 

  ગુજરાતી કવિતાને નવો આકાર, નવા ભાવ, નવા વિષય અને નવી પદ્ધતિ આપનાર સોપ્રથમ નર્મદ છે. ગુજરાતી કવિતાને મધ્યકાળનો રૂઢ વિષયોના બંધનોમાંથી મુક્ત કરી એના બદલે પ્રકૃતિ, પ્રણય, વિશ્વ, સ્વદેશપ્રેમ જેવા નવા વિષયો આપનાર નર્મદ જ છે. પરિણામે ગુજરાતી કવિતાનું વેગ વિશાળ બન્યું હતું. નર્મદે પરલક્ષી ઢબે રચાતી ગુજરાતી કવિતાને આત્મલક્ષી વળાંક આપ્યો આ રીતે આત્મલક્ષી ઢબે અંગ્રેજી પદ્ધતિના ઊર્મિકાવ્યો નર્મદે પહેલીવાર વિપુલ પ્રમાણમાં આપ્યા તેથી જ તો સુન્દરમ કહે છે તેમ નર્મદના વ્યક્તિત્વનું પહેલું અને મોટું જોડાણ આત્મલક્ષીતા છે, તો વિશ્વનાથ ભટ્ટ કહે છે કે, “નર્મદે ગુજરાતી કાવ્ય નોકાનું સુકાન જ ફેરવી નાખ્યું અને એકદમ નવી દિશામાં નવા જ પાણીમાં એને તરતી મૂકી દીધી.”

 

 

  દલપતરામની અર્વાચીન સાહિત્યની પ્રથમ ક્યાંથી કરાવતી કૃતિ ‘બાપાની પીપર’ મધ્યકાળની કાવ્ય સ્વરૂપોથી વિષય અને રજૂઆતની દ્રષ્ટિએ જુદી પડી જાય છે. આ ઉપરાંત વિષયની દ્રષ્ટિએ હજારખાનની ચઢાઈ જાત્રા સ્થળી વગેરે પ્રાચીન કાવ્યો સ્વરૂપોથી જુદી પડી જતાં એમના લાંબા કાવ્યો છે. નર્મદયુગના કાવ્ય ક્ષેત્રે નવપ્રસ્થાનો જોવા મળે છે.

 

 

 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ