યોગ શિક્ષણ એટલે શું? વિદ્યાર્થી જીવનમાં તેની ઉપયોગીતા/ યોગનું શિક્ષણમાં મહત્ત્વ
યોગ શબ્દનો સાધારણ અર્થ ‘જોડવું’ એવો થાય. આ
શબ્દની ઉત્પત્તિ ‘યુજ્’ ધાતુમાંથી થઇ છે. કોઈ ઉંધે માથે લટકે તો આપણે કહીએ કે તે
યોગી છે, પરંતુ ખરેખર તેવું નથી. ઉંધે માથે તો ચામાચિડ્યું પણ આખો દીવસ આખું જીવન
લટકી રહે છે; પરંતુ તેને આપણે યોગી કહેતા નથી. આગ પર ચાલે કે પાણી ઉપર ચાલે તે
યોગી કહેવાય તે સમજણ પણ ખોટી છે. શ્રીરામકૃષ્ણદેવ આ સબંધી ખરો વિનોદ કરતા તેમની
પાસે એવો એક યોગી આવેલો તેણે કહ્યું, ‘મેં બાર વર્ષ સાધના કરી છે, હું પાણી ઉપર
ચાલીને આવ્યો છું.’ પરંતુ આ સાંભળી શ્રીરામકૃષ્ણદેવે કપાળ ઠોકેલું ; અરે અમે એક પૈસો
આપીએ તો ગંગા પાર જઈને પાછા આવીએ છીએ.’ હોડીવાળાને બે પૈસા આપીએ તો ગંગામાં અડધો
કલાક ફેરવી લાવે છે; જે કામ એક-બે પૈસામાં થાય તેને માટે તમે બાર વર્ષ બગાડ્યા?”
આમ યોગ એટલે ભૂખ્યા રહેવું કે વધારે ખાવું,
ઊંઘવું જ નહિ કે બહુ ઊંઘવું, બોલવું જ નહિ કે બસ બોલ્યા જ કરવું.આવી અસંતુલિતતાને
યોગ ન કહેવાય. ગીતા આને માટે ‘યુક્ત’ શબ્દનો પ્રયોગ કરે છે.
યુક્તાહાર....વિહારશ્વ... આહાર અને વિહારમાં સંતુલન હોવું જોઈએ, માટે જ કહેવામાં
આવ્યું કે ‘સમત્વ યોગ ઉચ્યતે’- જીવન વ્યવહારનું સંતુલન એટલે યોગ.
આ સિવાય શ્રીકૃષ્ણે યોગની બીજી ખુબ જ સુંદર
અને સચોટ વ્યાખ્યા કરી, ‘યોગ: કર્મસુ કોશલમ્’ કર્મકુશળતાને યોગ કહેવામાં આવ્યો. આ
કર્મકોશલ એટલે શું? જે કઈ પણ કાર્ય આપણે કરીએ તે ચોક્કસ હોવું જોઈએ. ઢીલુંપોચું
નહિ. લબાચો ચાલે ન ચાલે. જે કરો તે પાકું કરો ખુબ વ્યવસ્થિત- એટલે જ શ્રી
રામકૃષ્ણદેવ કહેતા કે, ‘જે સ્ત્રી ખુબ સારી રસોઈ કરી શકે; તે ખુબ જ સારું ધ્યાન
કરી શકે.’ કારણ એટલું જ કે બેધ્યાન પણે કરવામાં આવેલી રસોઈમાં કઈ ભલીવાર ન હોય.
આજે મીઠું ભુલાઈ ગયું, કાલે ભૂલથી બે વાર નખાઇ ગયું. રસોડામાં અઠવાડિયે એક-બે વાર
દૂધ તો ઉભરાતું જ હોય છે. કારણ શું? ધ્યાન ન રહ્યું. આ શરીર જ્યાં હોય, મન પણ
ત્યાં જ રહે, તેનું નામ યોગ. પરંતુ દુર્ભાગ્યે આપણા શરીર શિકાગો અને મન માન્ચેસ્ટર
રહેતા હોય છે. સોયમાં દોરો પરોવવાનો હોય અને એ દોરાનું એક પાંખડું ડાબે કે જમણે
હોય તો તે દોરો સોયના છિદ્રમાં પરોવી શકાય નહિ, તેને એકાગ્ર કરવો પડે. આમ યોગનો
અર્થ કર્મમાં કુશળતા અર્થાત કર્મ વ્યક્તિગત હોય કે પારિવારિક, સામાજિક હોય કે
લોકિક, નાનામાં નાના કામમાં સંપૂર્ણ જાગૃતિ કેળવી શકાય, તો યોગ શબ્દનો અર્થ સાર્થક
થાય.
આ સર્વસાધારણ સમજણ શિવાય જે ખૂબ જ મહત્વનું અને
યોગનું ઉચ્ચતમ પાસું છે તે છે મહર્ષિ પતંજલિ કથિત વ્યાખ્યા ‘યોગચિત્તવૃતિનિરોધ:’-
યોગ એટલે ચિત્તની વૃત્તિઓનો નિરોધ કરવો તે. ચિત્ત ચંચળ છે. ‘માનવા ભટકત ચહું દિશ
રામ; કેમ કરીને ઠરે એક ઠામ’ આ મન જ્યાં સુધી ચંચળ હોય, વ્યગ્ર હોય, ઉત્પાત કરે
ત્યાં સુધી જીવ સ્વસ્થતાનો અનુભવ કરી શકે નહિ.
યોગનો અર્થ છે, સુખ, વિયોગ એટલે દુઃખ, યોગ એટલે
શાંતિ, સમૃદ્ધિ, ઉન્નતી, ઉત્કર્ષ, અભ્યુદય અને આત્મચેતનામાં શાશ્વત સ્થિતિ અને
તેનાથી વિપરીત બધું દુઃખ, અશાંતિ, અવનતિ અને આત્મવીમુખતા.
એક સારા વિદ્યાર્થી, ગૃહસ્થી, એન્જીનિયર,
ડોક્ટર, વકીલ, કલાકાર કે સમાજસેવક, જીવનનાં વિવિધ સોપાનો અને દિશાઓની સુચારુતાપૂર્વકની
ઉપલબ્ધિ, નીરોગી શરીર વડે અને સ્વસ્થ મન વડે જ સંભવી શકે. તન અને મનની તંદુરસ્તી
માટે યોગની આવશ્યકતા છે.
કોઈ પણ કામ કરવું હોય તો મનની શાંતિ અત્યંત
આવશ્યક છે. એકાગ્રતા અને સ્વસ્થતા પણ ખરા જ, આ બધું યોગથી સંભવી શકે. થોડાં
યોગાસનો; પ્રાણાયામ અને ધ્યાનનો અભ્યાસ નિશ્ચિત નિયમ સમયે અને નિયમિતપણે કરવામાં
આવે તો યમ અને નિયમ સાથે કરવામાં આવેલી સાધના, વ્યક્તિત્વનું અનુશાસન, સામાજિક
અનુશાસન, શારીરિક અનુશાસન, પ્રાણનું અનુશાસન, ઈન્દ્રિયોનું અનુશાસન અર્પે છે અને
ઇન્દ્રિયો અનુશાસિત થાય એટલે મન, બુદ્ધી અને બુદ્ધિથી પર જે અગોચર તત્વ છે; તેનું
અનુસંધાન પણ સાધી શકાય.
મોટા ભાગના લોકોની સમજણ કે માન્યતા એવી હોય છે
કે અમે તો ઘરકામ બધું કરીએ છીએ. અમારે વળી આ પંચાત શી? પરંતુ ખરેખર એવું નથી, આપણે
વેક્યુમ ક્લીનર ઉભા ઉભા કરીએ; કપડાં વોશિંગ મશીનમાં ધોવાય, ડીશ વોશરમાં ક્રોકરી
ધોવાય, રસોડું ઉભું છે, શોચાલય પણ ઉભડક છે; આમાં ગોઠણ વાળીને બેસવાનો કોઈ અવસર જ
નહિ, હાં! કોઈકના બેસણામાં જઈએ ત્યાં... પરંતુ આજ કાલ તેમાયે બધે ખુરશીઓ થઇ ગઈ છે,આમ
આપણા ગોઠણનાં સાંધાઓની કસરત ભાગ્યે જ થાય છે. વળી દરિયાપારના દેશોનું પ્રમુખ ભોજન
બ્રેડ (મેંદો) અને રાઈસ-ભાત જ છે. તે સિવાયની વાનગીમાં હરીફરીને પાસ્તા, પિઝ્ઝા
અને કોકની ત્રિવિધ શૃંખલામાં બંધાયેલો જીવ હાઈ કોલેસ્ટ્રોલ, હાઈ ગ્લાઈસીરીડીન, હાઈ
બ્લડપ્રેશરના થ્રી-હાઈ ફાઈની ફરિયાદ કરે તો હાઈ સોસાયટી અને હાઈટેકના યુગમાં તમારી
ફરિયાદ પણ ‘હાઈ’ હોય તો તેમાં નવું શું?
આપણા શરીરમાં જે ક્રિયાઓ ચાલે છે; તેને છ
ભાગમાં વહેંચવામાં આવેલ છે.
૧. શ્વસનતંત્ર એટલે
રેસ્પીરેટરી સિસ્ટમ.
૨. રુધિરાભિસરણ તંત્ર અર્થાત્
રક્તસંચાર અથવા સરકયુંલેટરી સીસ્ટમ.
૩. પાચનતંત્ર અર્થાત્
એલીમેન્ટરી સીસ્ટમ.
૪. ઉત્સર્ગતંત્ર અર્થાત્
જિનીટો-યુરીનરી સિસ્ટમ.
૫. અસ્થિતંત્ર અર્થાત્
હાડકાંઓનું તંત્ર અથવા લોકોમોટર સીસ્ટમ.
૬. સંવેદનતંત્ર અર્થાત્
નર્વસ સિસ્ટમ.
આ બધી સિસ્ટમ્સ કે પદ્ધતિ ઉપર યોગાસનો અને
પ્રાણાયામની પ્રક્રિયાઓનો સારો એવો પ્રભાવ પડે છે. લાગણીઓ ઉપર નિયંત્રણ, ક્રોધ
શમન, મનની એકાગ્રતા, ભાવુકતા પર અવરોધ, માનસિક સ્વસ્થતા, રોગપ્રતિકાર કરવાની
ક્ષમતા વગેરે.. વિષમ પરિસ્થિતિમાં સંતુલન પ્રદાન કરવાની ક્ષમતા યોગાસનો અને
પ્રાણાયામના અભ્યાસથી પ્રાપ્ત થાય છે. પરંતુ જે કઈ આવશ્યક છે તે એટલું જ કે તેનો
અભ્યાસ નિરંતર કરતાં રહેવું જોઈએ.
આમ થોડો સમય પણ જો નિરંતર યોગાભ્યાસ સાધના,
ધ્યાનનો દેનિક મહાવરો રાખવામાં આવે તો જનસાધારણમાં જીવનની ઘણી વીડબંણાઓને નિવારી
શકાય, અથવા તો આવનારી સમસ્યાઓ સામે સક્ષમ થઇ સંઘર્ષ કરવાની શક્તિ પ્રાપ્ત કરી
શકાય.
યોગ એટલે શું? અને યોગ શા માટે? આટલું ઉપરની
બધી વાતો પરથી જાણવા મળે છે.
0 ટિપ્પણીઓ
Please do not Enter any Spam Link in the Comment box.😈