Gandhiji nu Shikshn Darsan
આ પોસ્ટમાં સમાવિષ્ટ મુદ્દાઓ:-
૧) ગાંધીજીની ટૂંકમાં માહિતી
૨) ગાંધીજીના મતે કેળવણીની વિભાવના / આધારભૂત સીધાંતો
૩) ગાંધીજીના મતે શિક્ષણના વિવિધ હેતુઓ
*ગાંધીજી
જન્મ સોરાષ્ટ્રના પોરબંદરમાં ૨ ઓક્ટોમ્બર
૧૮૬૯માં થયો હતો. પિતા કરમચંદ ગાંધી રાજ્યના દીવાન પદે હતાં. માતા પૂતળીબાઈ ધર્મ
પરાયણ અને પતિવ્રતા નારી હતાં. પ્રાથમિક શિક્ષણ પોરબંદરમાં, માધ્યમિક રાજકોટમાં
અને ઉચ્ચશિક્ષણ ભાવનગરમાં મેળવ્યું. ઈ.સ.૧૮૮૯ થી ૧૮૯૦ દરમિયાન ઈંગ્લેન્ડમાં અભ્યાસ
કરી ૧૮૯૧માં બેરિસ્ટરની પદવી પ્રાપ્ત કરી ભારત પાછા ફર્યા.
ગાંધીજીનું શિક્ષણ દર્શન:-
ગાંધીજી પ્રબળપણે એમ માનતા કે શિક્ષણ એ વ્યક્તિ
અને સમાજના સર્વાંગીણ વિકાસ માટેનું શ્રેષ્ઠ સાધન છે. તેઓના મતે શિક્ષણ એ વ્યક્તિ
અને સમાજનો કાયા કલ્પ છે. શિક્ષણ એટલે જ ક્રાંતિ, શિક્ષણ એટલે જ આર્ષદર્શન અને
ક્રાંતદર્શન. પાશ્ચાત્ય કેળવણીકારો પેસ્ટોલોજીને આધુનિક શિક્ષણના પ્રણેતા માને છે,
પ્રારંભબિંદુ માને છે. જ્યારે પોર્વાત્ય ચિંતકો ગાંધીજીને આધુનિક શિક્ષણના
પ્રસ્થાનકાર તરીકે નવાજે છે.
ગાંધીજી શિક્ષણની વિવિધ વિચારધારાઓના વાદોનાં
સમન્વયકાર હતા. પ્રકૃતીવાદ, આદર્શવાદ, વાસ્તવવાદ અને પ્રયોજનવાદની વિવિધ શેક્ષણિક
તત્વ વિચારણાનું પ્રતિબિંબ તેમની શેક્ષણિક વિચારધારા કે શિક્ષણદર્શનમાં ઝીલાયું
છે.
*ગાંધીજીના મતે કેળવણીની વિભાવના / આધારભૂત સીધાંતો:-
૧) કેળવણી દ્વારા બાળકોમાં
અપેક્ષિત માનવગુણોનો વિકાસ થવો જોઈએ.
૨) બાળકની શક્તિઓનો વિકાસ
સમાજના હિતાર્થે થવો જોઈએ.
૩) કેળવણી દ્વારા બાળકના
શરીર, મન, હ્રદય અને આત્માનો સુસંવાદી વિકાસ થવો જોઈએ.
૪) કેળવણી બાળકની શારીરિક,
માનસિક અને અધ્યાત્મિક શક્તિઓનો વિકાસ કરે તેવી હોવી જોઈએ.
૫) શિક્ષણ દ્વારા બાળકોની
બેરોજગારીની સમસ્યાનું સમાધાન થવું જોઈએ.
૬) જીવનની વાસ્તવિક
પરિસ્થિતિઓ સાથે શિક્ષણનો સબંધ જોડાવો જોઈએ.
૭) બાળકને પ્રવૃત્તિ દ્વારા
અથવા ક્રિયા દ્વારા શિક્ષણ અપાવું જોઈએ.
૮) સંપૂર્ણ રાષ્ટ્રમાં ૬ થી
૧૪ વર્ષ સુધીનું શિક્ષણ મફત, સાર્વત્રિક અને ફરજીયાત હોવું જોઈએ.
૯) શિક્ષણનું માધ્યમ માત્ર
માતૃભાષા હોવી જોઈએ.
*ગાંધીજીના મતે શિક્ષણના હેતુઓ:-
૧) સ્વાવલંબન માટે / આત્મનિર્ભરતા માટે કેળવણી:-
ગાંધીજી એમ માનતા કે કેળવણી દ્વારા વ્યક્તિ અને
સમાજ સ્વાવલંબી બનવો જોઈએ. કેળવણી દ્વારા વ્યક્તિની મૂળભૂત જરૂરિયાતો અન્ન, આવાસ
અને આચ્છાદાન સંતોષવી જોઈએ. કેળવણી દ્વારા વ્યક્તિ સ્વાશ્રયી બનવી જોઈએ.
૨) સાંસ્કૃતિક વિકાસ:-
ગાંધીજીના મંતવ્ય અનુસાર કેળવણીનો મહત્વનો
ઉદ્દેશ રાષ્ટ્રની સામાજિક સંસ્કૃતિનું સંરક્ષણ અને સંવર્ધન કરવાનો છે. સંસ્કૃતિના
ઉચ્ચ આદર્શો અને મૂલ્યોનું જતન અને માવજત કરવાનું કેળવણીનું કાર્ય છે. તેઓ કહેતા
કે અક્ષર જ્ઞાન કરતાં હું સંસ્કારની કેળવણીને વધારે મહત્વ આપું છું.
૩) ચારિત્ર્ય નિર્માણ:-
ગાંધીજીને જ્યારે પૂછવામાં આવ્યું કે, “તમારી
દ્રષ્ટિએ કેળવણીનો મહત્વનો ધ્યેય કયો હોઈ શકે?” ત્યારે ગાંધીજીએ એક જ શબ્દમાં
ઉત્તર આપ્યો, ‘ચારિત્ર્યઘડતરનો’, તેમણે જણાવ્યું કે શિક્ષણ દ્વારા વ્યક્તિમાં
હિંમત, બળ વગેરે ગુણોના વિકાસ ઉપરાંત વ્યક્તિએ જીવનના કોઈ મહાન ધ્યેય માટે પોતાને
સમર્પિત કરી દેવી જોઈએ. ગાંધીજી કહે છે કે, ‘જ્ઞાન માત્રનું ધ્યેય
ચારિત્ર્યઘડતરનું હોવું જોઈએ.
૪) મુક્તિ માટે કેળવણી:-
પ્રાચીન ભારતમાં કેળવણીનો મહત્વનો ઉદ્દેશ “ સા
વિદ્યા યા વિમુક્તયે- નો હતો. સાચી કેળવણી એ છે કે માનવને મુક્તિ અપાવે તે
મુક્તિદાતા હોય. જે સર્વ પ્રકારના બંધનોમાંથી કે દાસત્વમાંથી મુક્તિ અપાવે તે જ
સાચી વિદ્યા અને સાચી કેળવણી.
૫) સર્વાગીણ વિકાસ:-
કેળવણી દ્વારા પૂર્ણ માનવનો વિકાસ થવો જોઈએ.
તેઓ કેળવણી દ્વારા હસ્ત, હેયું અને મસ્તિષ્કનો વિકાસ થવો જોઈએ તેમ માનતા. ગાંધીજીએ
વિદ્યાર્થીઓની શારીરિક, માનસિક અને આધ્યાત્મિક શક્તિઓને બહાર લાવી તેમનો સમુચિત
અને સંતુલિત વિકાસ થાય તે રીતે કેળવણી આપવી જોઈએ તેના પર ભાર મુક્યો. ગાંધીજીની
શિક્ષણની વ્યાખ્યા પ્રમાણે, “બાળકોમાં રહેલા શરીર, મન અને આત્માના ઉત્તમ અંશોને
બહાર લાવવા” તેનું નામ કેળવણી. આમ, ગાંધીજી બાળકોનાં સર્વાગીણ વિકાસના હેતુ પર ભાર
મુકે છે.
૬) જીવનના ઉચ્ચતમ મૂલ્યોનો વિકાસ:-
કેળવણી દ્વારા નેતિક, આધ્યાત્મિક, સામાજિક અને
સોંદર્યબોધક મુલ્યો જે જીવન ઘડતર કરે છે તે મુલ્યોના વિકાસ પર ભાર મુકતા હતા.
કેળવણી દ્વારા જીવનનાં કેટલાંક શાશ્વત કે સનાતન મુલ્યો જેવાં કે સત્ય, અહિંસા,
પ્રેમ કે કરુણા, ભ્રાતૃત્વ જેવાં મૂલ્યોનો સમુચિત વિકાસ થવો જોઈએ તેમ તે દ્રઢ પણે
માનતા હતાં. મૂલ્યોના સંક્રમણ દ્વારા વિદ્યાર્થીઓના ચારિત્ર્યનું ઘડતર થાય છે.
૭) આત્મસાક્ષાત્કાર:-
ગાંધીજી એક આદર્શવાદી કેળવણીકાર તરીકે
કેળવણીના સર્વોચ્ચ ઉદેશ્ય તરીકે આત્મસાક્ષાત્કારને ગણાવે છે. આત્મસાક્ષાત્કાર એટલે
સ્વપ્રતીતિ- વ્યક્તિને પોતાની મહાનતા અને મર્યાદાઓનું જ્ઞાન થાય અને તે દ્વારા વ્યક્તિ
આત્મ સંયમ, આત્મસાક્ષાત્કાર અને આત્માનુભૂતિ કરવા પ્રેરાય છે. આત્મસાક્ષાત્કાર એ
જ્ઞાનનું સર્વોચ્ચ શિખર છે, જ્ઞાનનું અંતિમ ધ્યેય છે.
0 ટિપ્પણીઓ
Please do not Enter any Spam Link in the Comment box.😈