Recents in Beach

રસ એટલે શું? રસ નિષ્પતિની પ્રક્રિયા વિગતે સમજાવો| ras aetle su? ras nishptini prkriya samjavo

 

રસ એટલે શું? રસ નિષ્પતિની પ્રક્રિયા વિગતે સમજાવો./ રસને સમજાવી ભારત મુનિના રસ સૂત્રની વિસ્તૃત ચર્ચા કરો.


   ૧) પ્રસ્તાવના:-

       ભારતીય કાવ્ય મીમાંસામાં રસ સિધાંત પ્રમુખને પ્રથમ પ્રાચિનતમ કાવ્ય સિધાંત છે. વિશ્વનાથે ‘વાક્યમ રસાત્મકમકાવ્યમ’ એવી કાવ્યની વ્યાખ્યા આપીને “રસને કાવ્યનો આત્મા કહ્યો છે.” સંસ્કૃત મીમાંસને પરિઘ રૂપે કલ્પીએ તો રસ વાદોમાં વ્યાસનું સ્થાન ધરાવે છે. રસ એ કૃતિથી પ્રાપ્ત થતો પરમ આનંદ છે. રસને કાવ્યાત્માનું મહત્વ મળેલું છે.


    ભરતમુનિએ તેમના ‘નાટ્ય શાસ્ત્ર’માં સૌપ્રથમ રસનું નિરૂપણ કર્યું, પછી તો તે કાવ્ય રસ તરીકે સુપ્રસિદ્ધ થઇ ને લગભગ બધા જ આચાર્યની વિવેચનાનો વિષય બને છે. નાટયાચાર્ય ભરતમુનીથી આરંભાઈ રસ વિચાર અભિનવ ગુપ્તની કાવ્ય મીમાંસામાં રસ ધ્વનીરૂપે પરાકાષ્ઠાએ પહોંચે છે. ભારતીય રસ સિદ્ધાંત સમગ્ર સાહિત્ય મીમાસમાં અનોખું સ્થાન ધરાવે છે. એના પાયામાં નાટયાચાર્ય ભરતમુની છે. તેથી ભરતમુનીના રસસુત્ર અને રસ વિચારને વિગતે જોઈએ.


૨) ભરત મુનિનું રસ સૂત્ર:-

    રસ સંપ્રદાયના મૂળ પ્રવર્તક નાટ્ય શાસ્ત્રનાં કર્તા ભરતમુની છે. આશરે બે હજાર વર્ષ પહેલાં ૩૬ પ્રકરણોમાં ‘નાટક’ વિશેની વિસ્તૃત માહિતી ‘નાટ્યશાસ્ત્ર’ નામનાં ગ્રંથમાં ભરતએ આપી છે. તેમાં ઋષીઓ ભરતમુનીને પ્રશ્ન પૂછે છે કે “નાટક કુશળ માણસોએ નાટકમાં જે રસ કહ્યો છે, તેનું ‘રસત્વ’ શાના વડે છે?’ આના ઉત્તરમાં આચાર્ય ભરતમુની નાટ્યશાસ્ત્રના છઠ્ઠા અધ્યાયમાં રસ વિષે તથા સાતમાં અધ્યાયમાં ભાવો વિશે રજૂઆત કરે છે.


  રસ વિષયક ચર્ચા કરતાં આચાર્ય ભરત કહે છે કે:

  ‘ન હિ રસાદ્વતે કાંશ્ચિયર્થ: પ્રવર્તતે'


   એટલે કે ‘રસ વિના નાટકનું કે તેનાં અંગોનું કોઈ અર્થ નથી.’ નાટ્ય ગત કોઈ પણ અર્થ રસ વિના પ્રવૃત થતો નથી. કવિ, નાટક, ભાવક, વિવેચક સૌની દ્રષ્ટિએ નાટકમાં કે કાવ્યમાં રસ એ પ્રથમ અનિવાર્યતા છે. રસનું મહત્વ કાવ્ય કે નાટકમાં સર્વાર્થ સાર્થક છે. રસ નાટકનું ભાવ તત્વ છે, એટલે કે પ્રાણ છે. માટે રસ નિષ્પતી થવી જ જોઈએ. આમ, રસનું મહીમાં દર્શાવીને ભરતમુની રસ નિષ્પતી માટે સુપ્રસિદ્ધ રસ સૂત્ર આપે છે:


“વિભાવ અનુભાવ વ્યભીચારી સંયોગદ રસનિષ્પતી:”

  “વિભાવ, અનુભાવ અને વ્યભિચારી ભાવનાં સંયોગથી રસ નિષ્પતી થાય છે.” આમ, ભરતમુનિના સૂત્ર ઉપર રસ સિદ્ધાંતની ઈમારત ચણવામાં આવી છે.


   આચાર્ય ભરત ઉદાહરણ દ્વારા સમજાવે છે, કે જેમ ગોળ, ઘી અને લોટ વગેરે પદાર્થોનાં સંયોગથી વિભિન્ન મિષ્ટાન બનાવાય છે. તેમ સ્થાયી ભાવ બધા ભાવોમાં મળી રસ બનાવે છે. મનના વિચારો જ ભાવ તરીકે ઓળખાય છે.

   ભરતમુનિના ઉપરના રસ સુત્રને વિગતે સમજવા માટે એ રસ સૂત્રમાં આવેલા શબ્દોની નીચે મુજબ સમજ મેળવીએ.



૩) ભાવ એટલે શું?

    ભરત એ ભાવની વ્યાખ્યા આપતા કહ્યું છે કે ભાવ શબ્દ ‘ભૂ’ ધાતુ પરથી બન્યો છે. ‘ભૂ ઇતિ કર્ણે ધાતુ’ ‘ભૂ’ ધાતુ પરથી હેતુના અર્થમાં ભાવ શબ્દ બને છે.”

    ભાવ એટલે “જે ચેત્તસિક સ્થિતિ નિર્માણ કરે છે તે” અથવા જે કઈ એવી ચેયતસિક સ્થિતિ નિર્માણ કરે છે તે .


    બીજી રીતે કહેવું હોય તો કહી શકાય કે: “વાણી, અંગ અને સાત્વિક અભિનય વડે કાવ્યાર્થને જે ભાવિત કરે છે તે ભાવ કહેવાય.”

   “ભાવયનતી ઇતિ ભાવા’ એટલે કે ભાવન કરવામાં આવે તે ભાવ કહેવાય છે. તે ઓ હંમેશા સ્થિત હોય છે એટલે ભાવ કહેવાય છે.


    ભાવોની સંખ્યા ભારતમુનિએ ૪૯ ગણાવી છે. તે પેકી આંઠ સ્થાયી ભાવો છે. ૩૩ વ્યભિચારી ભાવો છે અને આંઠ સાત્વિક ભાવો છે. જેના વિષે વિગતવાર નીચે મુજબ પરિચય મેળવીએ.



૪) સ્થાયી ભાવો:

     ભરત એ આંઠ સ્થાયી ભાવો ગણાવેલા છે. પણ એમનાં રસ સૂત્રમાં સ્થાયી ભાવનો પ્રત્યક્ષ ઉલ્લેખ નથી. પરંતુ સ્થાયી ભાવ હોય એ સ્વભાવિક જ છે.


   “માનવીનાં ચિત્તનો સ્થાયી વિકારને જ સ્થાયી ભાવ કહેવામાં આવે છે.” એ રસનો મૂળ ભાવ છે. મનુષ્ય માત્રના અંત:કરણમાં વાસના રૂપે એ સ્થિત હોય છે. જેમ સમુદ્ર સર્વ નદીઓને પોતાનામાં સમાવી લે છે. એમ સ્થાયી ભાવ જુદા જુદા ભાવોને પોતાનામાં આત્મસાત કરી લે છે. ભરતમુનિ કહે છે કે:


“યથા મનુષ્યાણામ નૃપતિ:

શિષ્યાણામ ચ યથાગુરું !

એવમ હી સર્વ ભાવાનામ ભાવ:

સ્થાયી મહા નિહ.”


  “જેવી રીતે પુરુષોમાં રાજા અને શિષ્યોમાં ગુરુ તેવી રીતે સર્વ ભાવોમાં, આ લોકમાં સ્થાયી ભાવ મહાન છે.”


   વધારે આશ્રિત ભાવોને કારણે સ્થાયી ભાવ રાજા સમાન થઇ જાય છે, અને વિભાવ આદિ  એના પરિજન રૂપે રહે છે. સ્થાયી ભાવ લાંબા સમય સુધી ટકી રહે છે. અને ભાવ પ્રબળ થતાં જ એનું મન પર પ્રભાવ પડે છે. સ્થાયી ભાવની રસ રૂપમાં અભિવ્યક્તિ ત્યારે જ થાય છે કે જ્યારે એમાં સમૂચિત વિભાવ, અનુભાવ, સંચારી ભાવનો સંયોગ થાય. ભરતે  ચોક્કસ ક્રમમાં રસો ગણાવેલા છે. એ રસ અને સ્થાયી ભાવો નીચે મુજબ છે:


સ્થાયી ભાવ

રસ

૧. રતિ

શ્રુંગાર રસ

૨. હાસ

હાસ્ય રસ

૩. શોક

કરુણ રસ

૪. ઉત્સાહ

વીર રસ

૫. ભય

ભયાનક રસ

૬. જુગુપ્સા

બીભત્સ રસ

૭ વિષમય

અદ્ભુત રસ

૮. ક્રોધ

રોદ્ર રસ

 

   આમ આ રસ ભરતમુનિએ જણાવ્યા છે, જેના દ્વારા રસ નિષ્પતી થાય છે.



૫) સાત્વિક ભાવ એટલે શું?

    સત્વ એટલે ચિત્ત, મન સમાહિત ચિત્તની મદદથી જ આ ભાવો પ્રગટી શકે છે. માટે તેને સાત્વિક ભાવો તરીકે ઓળખવામાં આવ્યા છે.



૬) વિભાવ:-

    વિભાવનો સામાન્ય અર્થ વિશેષ ભાવ થાય છે. રસ શાસ્ત્રમાં એણે હેતુ, નિમિત્ત કે કારણ માત્ર જ માનવામાં આવે છે. માનવીમાં પડેલા સ્થાયી ભાવોને ઉત્પન્ન કરવામાં આ નિમિત કે કારણ મહત્વને સ્થાને હોવાથી વિભાવ કહેવામાં આવે છે. તે રસની વિશેષ રૂપમાં અનુભૂતિ કરાવે છે. ભરત મુનિએ કહ્યું છે કે: “વાચિક, આંગિક તથા સાત્વિક અભિનય દ્વારા ચિત્તવૃતિઓનું વિશેષ રૂપમાંથી વિભાવન અને જાણકારી કરાવનાર હેતું, કારણ કે નીમીતને વિભાવ કહે છે.”


  સંક્ષેપમાં કહેવું હોય તો કહી શકાય કે લોકોમાં રતિ વગેરે સ્થાયી ભાવો જે વસેલા છે તે જ કાવ્ય કે નાટકમાં વિભાવ તરીકે આવે છે. વિભાવના બે પ્રકાર છે. (૧) આલંબન વિભાવ, (૨) ઉદ્દીપન વિભાવ.



(૧) આલંબન વિભાવ

    આલંબનનો શાબ્દિક અર્થ આધાર કે સહારો થાય છે. “કાવ્યમાં જેનો આધાર લઈને રતિ વગેરે સ્થાયી ભાવો જાગૃક કે ઉત્તેજીત થાય છે. તેને આલંબન વિભાવ કહેવાય છે.” દ.ત. રતિ કે શૃંગારનું આલંબન નાયક નાયિકા કહેવાય છે. નાટકમાં નાયક નાયિકાનો પ્રેમ જોઈ ને ભાવક કે સામાજિકના હ્રદયમાં રતિ ભાવ જાગૃક થાય છે. એટલા માટે કાવ્ય શાસ્ત્રીય ભાષામાં નાયક નાયિકાનો આલંબન વિભાવ કહેવાય છે.


દા.ત. મહા કવિ કાલિદાસના પ્રસિદ્ધ નાટક શાંકુતલમાં દુષ્યંત અને શંકુતલા એક બીજાના માટે આલંબન બને છે. તપોવનમાં શંકુતલાની લાવણ્ય મૂર્તિ જોઇને દુષ્યંતના હ્રદયમાં પ્રણય ભાવ જાગૃત થાય છે. તો એ તેજસ્વી પુરુષના પ્રથમ દર્શને શંકુતલા પણ પ્રણય વિવળ બને છે. બંને એક બીજાનાં અંતરમાં લાગણી જગાવનાર ‘નિમિત’ બને છે. એટલે એક બીજાને માટે આલંબન વિભાવ તરીકે જોવાય છે.



(૨) ઉદ્દીપન વિભાવ

    “જાગૃત થયેલા સ્થાયી ભાવોને વધારે ઉદ્દીપ્ત અર્થાત વધુ સક્રિય કરનારા તત્વોને ઉદ્દીપન વિભાવ કહેવામાં આવે છે.”


દા.ત. શંકુતલમમાં શંકુતલામાં રતિ ભાવની જાગૃતિ માટે દુષ્યંત આલંબન વિભાવ છે. તો એની સખીઓ, વનની રમણીયતા, વહેતો ઠંડો પવન, પુષ્પોની શોભા, ભ્રમરો, પક્ષીઓના ટહુકા વગેરે ઉદ્દીપન વિભાવો છે. અલબત્ત આલંબન અને ઉદ્દીપન વિભાવ વચ્ચે કોઈ ભેદરેખા આંકી શકાય નહિ. આલંબન બનેલી વ્યક્તિ પણ પછીથી ભાવના ઉદ્દીપનમાં ઓછો-વત્તો ભાગ ભજવે જ છે. અને ઉદ્દીપનની સામગ્રી પણ નવો ભાવ જગાડવામાં કારણ રૂપ બની શકે છે.



૭) અનુભાવ:

    અનુભાવ શબ્દની પરિભાષા આપતા ભરતમુનિએ કહ્યું છે કે: “અનુભાવ્ય તેડ્નોન વાગ્ડું સત્વ કૃતાડભીનય ઇતિ.”  “અભિનય રૂપ વિશિષ્ટ એવી આંગિક, વાચિકને સાત્વિક ચેષ્ટાઓ ભાવને અનુસરે તે અનુભાવ.”

   અનુભાવ વ્યક્તિના મનમાં જાગેલા ભાવોનો બોદ્ધ જગાવનાર હાવભાવ છે, તેથી ભાવકો પર ધાર્યો પ્રભાવ પડે છે.


દા.ત.૧. ક્રોધનો અગ્નિ જો ભભૂકી ઉઠ્યો હોય તો ચેહરા પરના સ્નાયુઓ અને આંખો પહોળી થઇ જાય, તેમાં લોહી ઘસી આવે અને વળી આખું શરીર રોષથી કંપી ઉઠે.


૨.શોકનો ભાવ જાગતા વ્યક્તિની આંખો સુકી અને નિસ્તેજ બની જાય તેનાં ચહેરા પર ઉદાસીનતા છવાઈ જાય તેનું અંગ શિથિલ બની જાય.


     આ રીતે દેહની વિક્રિયા રૂપે જન્મતા સ્થૂળ લક્ષણો એ તેનાં ચિત્તમાં જન્મતા સ્થાયી ભાવનું જ કાર્ય કે પરિણામ છે. અને એ કારણે જ એને ‘અનુભાવ’ તરીકે ઓળખવામાં આવે છે. એક પાત્રને જોઈ અન્ય પાત્રના મનમાં કંઈક ભાવ જાગે છે. એની અભિવ્યક્તિ એના પર પડેલા પ્રભાવને વ્યક્ત કરાવનારી ચેષ્ટાઓ કે પ્રતિક્રિયાઓ દ્વારા પલ્લવિત થતી ચેષ્ટાઓ કરવામાં આવે છે, એણે ‘અનુભાવ’ કહે છે.

   સાહિત્ય દર્પણકારો ‘અનુભાવ’ શબ્દ સમજાવતા કહ્યું છે કે :

  “અનુંપશ્ચાત ભવન્તિતિ અનુભાવ”

અર્થાત “ભાવોની પાછળ ઉત્પન્ન થાય છે, માટે અનુભાવ છે.”

   ટૂંકમાં અભિનયને અંત: વાંચિક, આંગિક, સાત્વિક અને આહાર્ય ચેષ્ટાઓ એટલે અનુભાવ.



૮) વ્યભિચારી ભાવો (સંચારી ભાવ):-

     સંચારી ભાવની સમાનર્થી સંજ્ઞા છે વ્યભિચારીભાવ. વ્યભીચારીભાવની વ્યુત્પતિ આપતા ભરતમુનીએ કહ્યું છે કે:

“વિશેષાત અભિમુખેન રસેશું ચરન્તીતી વ્યભિચરીણ:”

અર્થાત “વ્યભિચારી ભાવો એ સ્થાયી ભાવોના સહકાર રૂપે આવે છે અને બધા રસોમાં સંચરણ કરે છે.”

     “માનવ ચિત્તમાં જન્મી જન્મીને લય પામતી ક્ષણિક તરલ વૃતિઓ વ્યભિચારીઓ તરીકે ઓળખાય છે.”

      વ્યવહારિક દ્રષ્ટાંત વડે વ્યભિચારી ભાવની સમજ ભરતએ નીચે મુજબ આપી છે:

“જેમ સૂર્ય અમુક દિવસ કે નક્ષત્ર લઈને આવે છે, તેમ આ વ્યભિચારી ભાવો રસને લઇ આવે છે.”

    આમ, નાટક કે કાવ્યમાં આલંબન વિભાવથી ઉદબુધ્ધ, ઉદ્દીપન વિભાવનથી ઉદ્દીપ્ત અને અનુભાવ દ્વારા અભિવ્યક્ત તેમજ વ્યભિચારી ભાવો દ્વારા પરીપૃષ્ઠ અંત:કરણનો સ્થાયી ભાવ જ રસ દશાને પ્રાપ્ત કરે છે.


દા.ત. ‘અભિજ્ઞાન શાકુંતલમ’ના કથા વસ્તુ પ્રમાણે દુષ્યંત વનમાં શિકાર માટે ભ્રમણ કરતા આશ્રમમાં વૃક્ષોને જળ સિંચતી શકુંતલા પર એની નજર પડે છે. વનનું એકાંત વાતાવરણ અને શીતળ મંદ પવન દુષ્યંતના મન અને શરીરને ઉદ્દીપ્ત કરે છે. અહીં દુષ્યંત આશ્રય છે, અને શકુંતલા વિષય છે. પવન બાહ્ય ઉદ્દીપનનો ભાગ ભજવે છે. બંનેનું યૌવન આંતરિક ઉદ્દીપન છે. એ પરસ્પર એક બીજા તરફ આકર્ષિત થાય છે, રોમાંચ અનુભવે છે. અહીં રોમાંચ એ અનુભવાય છે ક્યારેક હર્ષ, ક્યારેક લજ્જા, સંકોચનો ભાવ પ્રદર્શિત કરે છે. અહીં હર્ષ, લજ્જા અને સંકોચ વ્યભિચારી ભાવો (સંચારી ભાવો) છે. આ હ્રદયને નિહાળી સામાજિકના હ્રદયમાં વાસના રૂપે સ્થિર રહેલાં સ્થાયીભાવ જાગૃત થઇ ઉદ્દીપ્ત થઇ જાય છે. દેશ કાળનું ભાન ભૂલી એમાં તન્મય થઇ જાય છે. આ આનંદમય, તન્મય દશાને જ રસ દશા કહેવાય છે.

     આ રીતે ભરતએ રસ અને તેની સામગ્રીનો વિચાર કર્યો છે.



૯) ભરતમુનિના મતે રસ નિષ્પતિની પ્રક્રિયા:

   રસ વિચારણાના ઇતિહાસમાં ભરતની નાટ્ય રસની વિચારણા આ વિશેની ઉપલબ્ધ વિચારણાઓમાં સૌથી પ્રાચીન છે.

    ભરતમુનિની આ રસ વિચારણામાં લોલટ વગેરે વિદ્વાનોએ તેમનાં પ્રસિદ્ધ રસ સૂત્રની વ્યાખ્યા વિચારણા રૂપે કે અર્થ ઘટન રૂપે વિકસાવી છે. રસ વિષે ભરતની ચર્ચા સંક્ષિપ્ત પણ એટલી શાસ્ત્રીય રૂપની છે કે એનાં પછીના વિદ્વાનો ભરતની પહેલાં રસની વ્યવસ્થિત ચર્ચા થયેલી હશે એમ માનવા પ્રેરાય છે.


   રસ એ જ નાટકનું પરમ પ્રયોજન છે, એ જ એનું પ્રાણ તત્વ છે. એમ કહી ભરતએ તેનું અપૂર્વ ગોરવ કર્યું છે. નાટકમાં ભાવ, અભિનય, આદિ સર્વે તત્વો રસ નિષ્પતી અર્થે જ આવે છે. આમ નાટકમાં તેમણે રસનું અનન્ય સ્થાન સ્વીકાર્યું એ તેમની વિચારણાનો અંત્યત નોંધ પાત્ર મુદ્દો છે.


     રસ નિષ્પતી ભારતીય કાવ્ય શાસ્ત્રનો અંત્યત મહત્વપૂર્ણ વિષય છે. વાસ્તવમાં રસનું વિવેચન અહીં રસની નિષ્પતીથી જ શરુ થાય છે. કારણ કે ભરતમુનિએ વાસ્તવમાં રસના સ્વરૂપની વ્યાખ્યા કરી નથી, પરંતુ રસ નિષ્પતીની વ્યાખ્યા આપી છે: “વિભાવાનું ભાવ વ્યભિચારી સંયોગત રસનિષ્પતી:”

અર્થાત “વિભાવ, અનુભાવ અને વ્યભિચારીના સંયોગથી રસની નિષ્પતી થાય છે.”


    આ સૂત્રમાં ‘સંયોગ’ તથા ‘નિષ્પતી’ શબ્દોના અર્થ સ્પષ્ટ છે. અને એણે જ લઈને અનુગામી આચાર્યોએ ગહન શાસ્ત્રાર્થ કર્યો છે. ભરતએ પોતે ‘નિષ્પત્તિની’ વ્યાખ્યા નીચે મુજબ આપી છે:

“જુદા જુદા પ્રકારના વ્યંજનો, ઓષધિઓ અને દ્રવ્યોના સંયોગથી જે રીતે રસ નિષ્પન થાય છે, તે જ રીતે જુદા જુદા ભાવોના સંયોગથી રસ નિષ્પન થાય છે. ગોળ, ઘી, લોટ વગેરે દ્રવ્યો, વ્યંજનો અને ઓષધિઓમાંથી જે રીતે ભોજનમાં છ રસોનું નિર્માણ થાય છે તેવી જ રીતે સ્થાયી ભાવો પણ જુદા જુદા ભાવો સાથે સંયોજાયને રસત્વ પ્રાપ્ત કરે છે.”


   અહીં પહેલાં ઉપવાક્યમાં રસ નિષ્પત્તિ થાય છે, બીજામાં રસ બને છે, અને ત્રીજામાં રસત્વને પ્રાપ્ત કરે છે- આ ત્રણ પરસ્પર સબંધી ક્રિયાઓનો પ્રયોગ કર્યો છે. એના આધારે નિષ્પત્તિનો અર્થ: ‘બનવું’ અથવા ‘હોવું’ સ્વરૂપને પ્રાપ્ત કરવું એવો થાય છે.


  ‘સંયોગ’ શબ્દનો અર્થ વધુ સ્પષ્ટ કરતાં ભરતએ આગળ લખ્યું છે: “જે રીતે વિવિધ વ્યંજનોથી રસાયેલા અન્નનો ઉપભોગ કરતાં પ્રસન્ન ચિત્ત પુરુષો રસોનું આસ્વાદ કરે છે, અને હર્ષ આદિનો અનુભવ કરે છે. એ જ રીતે પ્રસન્ન ચિત્ત પ્રેક્ષક વિવિધ ભાવો અને અભિનયો વડે વ્યંજિત સાત્વિક, વાંચિક, આંગિક અભિનયોથી સંયુક્ત ભાવોનું આસ્વાદન કરે છે અને હર્ષ વગેરેનો અનુભવ કરે છે.”


   ઉપરોક્ત અવતરણના આધારે સંયોગનો અર્થ છે. સ્થાયીભાવોની સાથે સમ્યકયોગ-સંગ, આ પ્રમાણે એણે નીચેનાં ઉદાહરણ દ્વારા સમજીએ.


નાટ્ય રસ                                                ભોજ્ય રસ

સ્થાયી ભાવ                                                અન્ન

વિભાવ, અનુભાવ, વ્યભિચારીભાવ            દ્રવ્ય, વ્યંજન, ઓષધિ


   “જે રીતે દ્રવ્ય, વ્યંજન, ઓષધિ વગેરેનો અન્નની સાથે સંયોગ થવાથી (છ રસો) અર્થાત ભોજ્યરસ બને છે. એજ રીતે વિભાવ, અનુભાવ, વ્યભિચારીભાવનો સ્થાયીભાવ સાથે સંયોગ થવાથી નાટ્ય રસ બને છે.” આને આધારે રસ સૂત્રનો નીચે મુજબ અર્થ થાય:

“વિભાવ, અનુભાવ અને વ્યભિચારી ભાવોનું સ્થાયીભાવ સાથે સંયોગ અથવા સંસર્ગ થવાથી રસ સિદ્ધી થાય છે.”


   અહીં આધારભૂત તત્વ સ્થાયીભાવ છે. જ્યારે તે વિભાવ આદિ સાથે સંયોજાય છે ત્યારે રસ સિદ્ધી થાય છે. સંયોગનો અર્થ અહીં સંસર્ગ છે. સપ્રમાણ યોગ છે.


 'નિષ્પત્તિ’ શબ્દનો અર્થ જોઈએ તો તેનાં બે અર્થ થઇ શકે:

(૧) ઉત્પત્તિ અથવા અભાવમાં ભાવતી કલ્પના

(૨) નિર્માણ

     ભરતએ જો કે રસના પ્રસંગે ઉત્પત્તિ શબ્દનો વારંવાર પ્રયોગ કર્યો છે, પરંતુ દ્રષ્ટાંતથી સ્પષ્ટ થાય છે કે એ તો ફક્ત ઓપચારિક જ છે.

    જેમ પ્રશન ચિત્ત વ્યક્તિ જે રીતે પકાવેલ તેયાર અન્નનો ઉપયોગ કરે છે, તે જ રીતે વિવિધ ભાવોથી સંયોજિત સ્થાયીભાવનો સહ્રદય ભાવક ઉપભોગ કરે છે. અર્થાત ઉપભોગની સામગ્રી અન્યત્ર એટલે કે રંગ મંચ પર તેયાર થાય છે અને તેનું સહ્રદય ભાવક આસ્વાદ કરે છે. અહીં ભરતમુનિના મતે અસંગતિપૂર્ણ સ્થિતિ ઉત્પન્ન થાય છે. સ્થાયીભાવ કાવ્ય નિબંધ પાત્રનો હોય છે. પરંતુ તે રસત્વ પ્રાપ્ત કરે છે. રંગમંચ ઉપર તે તેયાર રસનો આસ્વાદ કરે છે. પ્રેક્ષકોથી ભરતમમુનિના આ મત સાથે સમંત થઇ શકાય એમ નથી.


    એ તો સ્પષ્ટ છે કે રસ નિરૂપણમાં ભરતમુનિનો કોઈ દાર્શનિક આગ્રહ ન હતો. તેમનો દ્રષ્ટિકોણ સંપૂર્ણ પણે વ્યવહારિક તથા વસ્તુગત હતો. રસ સૂત્રમાં તેમણે ‘સંયોગ’ તથા ‘નિષ્પત્તિ’ આ શબ્દનો પ્રયોગ કર્યો છે. તેની વ્યાખ્યા તેમણે કરી નથી. આ બંને શબ્દોને પકડીને તેમનાં અનુગામી આચાર્યો એ તેમની વ્યાખ્યામાં દાર્શનિક રંગ જગાવ્યો. ભરતએ એ બંને શબ્દનો કોઈ પારિભાષિક અર્થમાં પ્રયોગ કર્યો ન હતો. ભારત એ નિષ્પત્તિ શબ્દનાં પર્યાય તરીકે ‘ઉત્પધતે’ અને ‘ઉપજાયતે’ નો પ્રયોગ કર્યો છે. આથી સ્પષ્ટ થાય છે કે ‘નિષ્પતિહી’ શબ્દનો અર્થ ઉત્પત્તિ જ થાય છે.


    આ રીતે ભરતમુનિએ રસ અને તેની સામગ્રીનો વિચાર કર્યો છે.


મિત્રો આમજ બીજી પોસ્ટ માટે Follow the Gujarati Nots channel on WhatsApp


FAQ- ટૂંકા સવાલ -જવાબ :-


૧) ભારતીય કાવ્ય મીમાંસામાં કયો સિદ્ધાંત પ્રથમ અને પ્રાચિનતમ કાવ્ય સિદ્ધાંત છે?

-> રસ સિદ્ધાંત

 

૨) ‘વાક્યમ્ રસાત્મકમકાવ્યમ્’ આ વ્યાખ્યા કોણે આપી?

-> વિશ્વનાથે

 

૩) રસને કાવ્યનો આત્મા કોણે કહ્યો છે?

-> વિશ્વનાથે

 

૪) વિશ્વનાથે કોણે કાવ્યનો આત્મા કહ્યો છે?

-> રસને

 

૫) ભરત મુનિએ સૌપ્રથમ રસનું નિરૂપણ કયાં કર્યું છે?

-> ‘નાટ્યશાસ્ત્ર’માં

 

૬) સૌપ્રથમ રસનું નિરૂપણ કોણે કર્યું છે?

-> ભરત મુનિએ

 

૭) ભારતીય રસ સિદ્ધાંતના પાયામાં કોણ છે?

-> ભરત મુનિ

 

૮) ભરત મુનિએ કેટલાં પ્રકરણોમાં રસ વિષયક ‘નાટ્યશાસ્ત્રમાં’ માહિતી આપી છે?

-> ૩૬પ્રકરણોમાં

 

૯) ભાવ શબ્દ કયા ધાતુ પરથી આવ્યો છે?

-> ‘ભૂ’ ધાતુ પરથી

 

૧૦) ભાવોની સંખ્યા ભરતમુનિએ કેટલી ગણાવી છે?

->૪૯

 

૧૧) સ્થાયી ભાવો કેટલા ગણાવ્યા છે?

->આંઠ (૮)

 

૧૨) વ્યભિચારી ભાવોની સંખ્યા કેટલી ગણાવી છે?

->૩૩

 

૧૩) ચિત્ત, મન સમાહિત ચિત્તની મદદથી કયા ભાવો પ્રગટ કરી શકાય છે?

->સાત્વિક ભાવો.

 


૧૪) વિભાવનો સામાન્ય અર્થ શું થાય છે?

->વિશેષ ભાવ

 

૧૫) વિભાવના કેટલા પ્રકાર છે? કયા કયા?

->વિભાવના બે પ્રકાર છે: ૧.આલંબન વિભાવ, ૨.ઉદ્દીપન વિભાવ.

 

 

૧૬) આલંબનનો શાબ્દિક અર્થ શું થાય છે?


 -> આધાર કે સહારો

 

૧૭)  સંચારી ભાવની સમાનર્થી સંજ્ઞા કઈ છે?


 -> વ્યભિચારી ભાવ

 

૧૮) વિભાવ, અનુભાવ, વ્યભિચારીભાવનો સ્થાયી ભાવ સાથે સંયોગ થવાથી કયો રસ બને છે?

->

è ‘નાટ્ય રસ’




👉રસ નિષ્પત્તિની પ્રક્રિયા અને એ અંગેના વિવિધ આચાર્યોના મતો જણાવો.Clik Her

 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ