Aatmchritr (Aatmktha) sahity svrupna Lakshno
આત્મકથા માટે કોઈ ચોક્કસ વ્યાખ્યા ક્યારેય ન
કરી શકાય. આમ છતાં સર્જાયેલી આત્મકથાઓના આધારે આપણે એના લક્ષણોની આછી પાતળીરૂપ
રેખા અવશ્ય રચી શકીએ. આત્મકથાના સર્વ સ્વીકૃત સ્વરૂપ લક્ષણો તારવવા માટે આપણે
ઉદ્યમ કરી શકીએ.
૧) લેખક જ ચરિત્ર નાયક:-
આત્મકથાના સ્વરૂપનું સૌપ્રથમ ધ્યાન
ખેંચનારું તત્વ એ છે કે એમાં લેખક પોતે જ કથા નાયક હોય છે. પોતે જ [પોતાની જાત
વિષે વાત કરવાની હોય ત્યારે તે કામ કેટલું દુષ્કર બને છે. કેટ કેટલા વ્યવધાનોનો
સામનો આત્મકથાકારે કરવાનો રહે છે. છતાં ડૉ.સેમ્યુલ જોન્સને કહ્યું છે કે “Every mans life should best writing by him self”
“દરેક માણસ પોતે જ પોતાનું
જીવન સારી રીતે આલેખી શકે.” એમ કહેવામાં અનેક વિવાદો સર્જાઈ શકે.જોન્સનનું આ વિધાન
વિવાદસ્પદ છે.
માણસ પોતે પોતાની અંત: પ્રવૃતિને જેટલી જાણે
તેટલી અને તેવું બીજું કોણ જાણવાનું હતું? જીવનચરિત્રમાં સર્જક અને ચરિત્ર નાયક
બંને અલગ અલગ હોય છે, જ્યારે આત્મકથામાં આ બંને એક જ છે. આત્મકથાનો સર્જક પોતે જ
પોતાની વાત માનતો હોય છે. એટલે પોતાની સ્મૃતિના આધાર પોતાની જ વાત કહેવાની હોય છે.
શેશવની સ્મૃતિ આધારભૂત ન ગણાય એટલે પોતાના જન્મથી માંડીને ૫વર્ષ સુધીની હકીકતો
અન્ય લોકો પાસેથી મેળવવાની હોય છે. આ સામગ્રીની પ્રમાણ ભૂતતા વિશે પણ પ્રશ્ન પેદા
થાય. આત્મકથાનો સર્જક પોતે જ કથા નાયક હોવાને કારણે એના મૃત્યુ સુધીની વિગતો એમાં
ન આવી શકે. વ્યક્તિ પોતે જ પોતાના દુર્ગુણોને છુપાવીને સદગુણોનાં આલેખનમાં રચ્યા
પચ્યા રહેવાની માનવ સહજ નબળાઈઓનો તે કઇ ક્ષણે ભોગ બને તે કહી શકાય નહિ.પોતાની વાત
કહેતી વખતે આત્મકથાનો સર્જક પોતાની જાત સાથે અમુક પ્રકારની દૂરતા અંતર ન રાખી શકે.
તો એની કથા વિશ્વસનીય ન જ બની શકે. જીવન ચરિત્રનો લેખક ચરિત્ર નાયક સાથે તાદાત્મ્ય
સાંધી શકતો નથી. જ્યારે આત્મકથાના સર્જક એ પોતાની વાત પોતે જ કરવાની હોય તાદાત્મ્ય
સંધી શકે. પરંતુ તાટસ્થ્ય ન જાળવી શકે તો એણે આલેખેલી પ્રમાણભૂતતા કેટલી? એવો એક
પ્રશ્ન અનિવાર્યપણે ઉપસ્થિત થાય. આત્મકથાનો લેખક કથા નાયક હોવાના કારણે ધૂમકેતુ
કહે છે તેમ “સાચે જ સાહિત્યનો આ પ્રકાર ઘણો જ અટપટો અને વિકટ ગણાય છે?
૨) આત્મનિવેદન- આત્મ આવિષ્કરણની ઝખના:-
જીવન-ચરિત્રના લેખન પછવાડે વ્યક્તિ પૂજા કે વીર
પૂજા જો મુખ્ય ચાલક બળ છે તો આત્મકથા લેખન પછવાડે આત્મનિવેદન કે આત્મ આવિષ્કરણની
ઝંખનાને મુખ્ય ચાલક પરિબળ તરીકે ગણી શકાય. માનવીને જેમ બીજા માનવીમાં રસ છે તે જ
રીતે માનવીને પોતાની વાત બીજાને સંભળાવવાની કહેવાની તીવ્ર ઝંખના હોય છે. પોતે જે
અનુભૂતિમાંથી પસાર થયો, પોતે જે મુશ્કેલીઓ વેઠી, પોતે જે આંતરિક સંઘર્ષોનો સામનો
કર્યો અને પોતે જે રીતે પોતાની જાતને વિકસિત કરી તે બધું બીજાઓ પણ જાણે એવી ખેવના
આત્મકથાના લેખન પછવાડે રહી હોય એ સહજ છે. આ પ્રકારની હેયું ખાલી કરવાની ઈચ્છા અને
એમ કરીને દાખલ થતો આનંદ આત્મકથાના લેખન પછવાડે રહેલું કારણ મળી શકે છે. આ પ્રકારની
વૃતિ વલણને લીધે જ આત્મકથાનો સર્જક પોતાની ભૂલો અને કચાશોનો નિખાલસ પણે એકરાર કરવા
પ્રેરાય છે. પોતાનું દ્રષ્ટિબિંદુ બીજાઓને સમજાવવા માટે કે પોતે કરેલા કાર્યો
પછવાડે પોતાની શી ભૂમિકા છે તે સમજાવવા સારું પણ આત્મકથા લખાય છે. પોતાની જાત વિશે
ચોખવટ કરવા કે પોતે કરેલા કાર્યોના સમર્થન માટે પણ આત્મકથાનું સર્જન થતું હોય છે.
એને Self-justification આત્મ સમર્થન સારું પણ આત્મકથાનું લેખન થાય છે. ભૂતકાળના
દિવસો પણ સ્વજન જેવું મહત્વ હોવાને કારણે બીજાઓ પણ પોતાના ભૂતકાળને માણે એવા
હેતુથી પણ આત્મકથાનું લેખન થાય છે. ‘માણ્યું તેનું સ્મરણ કરવું’ એ પણ એક લહાવો છે.
આત્મકથાના સર્જન પછવાડે આ પણ એક કારણ પડેલું છે. પોતાના અનુભવો બીજાઓના જીવન પથ માટે
ઉપકારક બની રહે. એવા મકસદથી પણ આત્મકથાનું સર્જન થતું હોય છે. પ્રજ્ઞાચક્ષુ હેલન
કેલર કહે છે: “મારા જીવનમાં ઉડતા કણોને હું શબ્દ બદ્ધ કરું તો માણસ જેમાંથી જીવન
સામર્થ્ય મેળવે છે એવા જે સત્યશીલતા વિચાર અને સહાનુભુતિ છે તેના ભંડોળમાં હું
ભરતી કરી શકીશ એમ મને ઘણીવાર કવેવામાં આવ્યું છે. આમ, પોતાની અનુભૂતિ કોઈ અન્યને
ખપમાં આવે અને એમાંથી જીવંત સામર્થ્ય મેળવે એ હેતુથી પણ આત્મકથાનું સર્જન થાય છે.
ક્યારેક માનવી પોતાની પ્રતિભા-પ્રશન્શા પોતે જ કરતો હોય છે અને એવા માનવી
આત્મકથાના માધ્યમથી ઘણીવાર આપબડાઈને અંજલી પણ આપવામાં આવે છે.”
શ્રી વિશ્વનાથ ભટ્ટ કહે છે: આપણો યુગ આત્મગોરવ
દ્રષ્ટતા અને વાચાળતાનો યુગ છે. અને તેથી એને પોતાની જાત વિષે બોલવામાં બહુ મજા
પડે છે.પહેલા પુરુષ સર્વનામના મહિમાનો આ યુગ છે.મુનશી પોતાની આત્મકથામાં આ રીતે જ
સ્વ પ્રશંશા કરી દે છે એવું ઘણીવાર જોવા મળે છે. પરંતુ આત્મનિવેદન, આત્મપ્રશંશા,
આત્મ અનુભૂતિ કે આત્મ આવિષ્કરણ એ આત્મકથાના ચાલક પરિબળો એવું નિ:સંકોચ કહી શકાય.
૩) આંતર વ્યક્તિત્વને પ્રગટ કરવાની અપૂર્વ તક:-
આત્મકથાનો સર્જક સ્વંય કથાનાયક હોવાને કારણે
પોતાના આંતર વ્યક્તિત્વને પ્રગટ કરવાની એની પાસે અપૂર્વ તક પ્રમાણમાં ઘણી ઓછી હોય
છે. ચરિત્રનાયકનાં વ્યક્તિત્વ વિશેની જે સામગ્રીને ચરિત્રકારે એકત્રિત કરી હોય
તેને આધારે એણે ચરિત્ર નાયકના આંતર વ્યક્તિત્વને આલેખવાનું હોય છે, જ્યારે
આત્મકથામાં તો આત્મકથાકાર પોતે જ કથાનાયક હોવાને કારણે પોતે જે સંવેદનાઓ અનુભવી હોય
તેમને દતોદત રજુ કરી શકે છે. પોતે જે પ્રસંગો અને પરિસ્થિતિઓમાં મુકાયો હોય તેના
પરિણામે જે વિચારો અને સંવેદનાની પ્રક્રિયામાંથી પસાર થયો હોય તે બધું એ યથાગત રજુ
કરી શકે છે. પોતે જ ઘટનાઓના ઘમાસાણમાંથી પસાર થયો હોય તેને એ સાક્ષાત તાદ્રશ કરાવી
શકે છે.
આત્મકથાનો લેખક જો પ્રામાણિક હોય તો પોતાની
સદ-અશ્દ વૃતિઓનું પણ નિર્ભીક રીતે આલેખન કરી શકે છે. માણસનું બાહ્ય વ્યક્તિત્વ
સારું દેખાતું હોય પરંતુ એના આંતર વ્યક્તિત્વમાં ઘણા બધા દોષ પડેલા હોઈ શકે.
આત્મકથાનો સર્જક આંતરિક વ્યક્તિત્વને પ્રગટ કરવાની અપૂર્વ તક પ્રાપ્ત કરે છે. એ
તકનો એ કેવો અને કેટલો ઉપયોગ કરે છે તેના ઉપર એની આત્મકથાની વિશ્વસનીયતાનો આધાર
રહે છે. આત્મકથાનો સર્જક પોતાના આંતર વયાક્તીત્વની છબી કેવી અને કેટલી ઉપસાવી આપે
છે. એના ઉપર જ આત્મકથા કેવા રૂપ રંગ ધારણ કરે છે એનો આધાર રહે છે.
૪) નિખાલસતા અને સત્યકથન:-
‘સત્ય સંજ્ઞા સાપેક્ષ છે.’ આત્મકથાકાર સત્ય
શોધન કરે છે. એમ જ્યારે કહેવાય છે ત્યારે એ સત્ય પણ લેખકના યુગ દર્શકની જેમ જ લેખક
સાપેક્ષ છે. એમ જ માનવાનું છે. આત્મકથાનો સર્જક પોતાના શેશવથી માંડીને આત્મકથાના
લેખન સુધીની જે ઘટના નીરુપે છે એ સર્વ ઘટનાઓનું નિરૂપણ કરતી વેળા એણે નિખાલસ તો
બનવું જ પડે છે. પરંતુ એવી નિખાલસતાની સાથે સાથે ઘટનાઓની સત્યતાને પણ જાતે જ
ચકાસવાની હોય. એ કામ કેટલું બધું કપરું છે એ સમજી શકાશે. ‘મો શમ કોન કુટિલ ખલ
કામી’ એમ કહેવાની નિર્ભીકતા જ્યાં સુધી આત્મકાથાકારની વફાદારી સત્ય પ્રત્યે હોવી જોઈએ.
સંપૂર્ણ સત્યકથન એ જ આત્મકથાની ખરી કસોટી છે. આત્મચરિત્રકાર ઘણીવાર એક યા બીજા
કારણસર અહંમ- પ્રેમથી કે શરમથી પોતાના વિષે સંપુર્ણ સત્ય કથન કરી શકતો નથી. એની
સ્મૃતિ અને વિસ્મૃતિ પણ એની પાસે સભાન કે અભાન પણે આમ કરાવે એવી શક્યતા છે.
સત્યકથન વસીધારા જેવું છે. સત્યકથનમાં જેટલી કચાસ તેટલી આત્મકથા નબળી પડવાની
સંભાવના છે. સત્ય નિષ્ઠા અને સત્યકથન એ જ આત્મકથાકાર માટે પહેલી અને છેલ્લી
આવશ્યકતા છે. આત્મકથાનો વાચક ખોટી આત્મકથા હરગીશ વાંચવા માંગતો નથી. આત્મકથાના
સર્જકે પોતાના સદ-અસદ્ સાથેની પૂર્ણદોષ મિશ્રિત ખરી મૂર્તિ નિર્માણ કરવી જોઈએ.
સ્ટીફન કહે છે તેમ
“આત્મકથાકારની સત્ય નિષ્ઠા કે સચ્ચાઈ ઉપર તેના પોતાના જ સિવાય બીજા કોઈનો કાબુ ન
હોઈ શકે, તેવી રીતે તેના પોતાના જ સિવાય બીજું કોઈ તેનું હિસાબ પણ ન લઇ શકે. તેથી
લાખમાંથી એકમાં પણ ભાગ્યે જ મળી આવે તેવા આ ગુણોનો ત્રિવેણી સંગમ એનામાં હોવો
જોઈએ.” તેને તેણે એક સાથે જ સાક્ષી, ન્યાયધીશ, ફરીયાદી અને બચાવ કરનાર
આરોપી(ગુનેગાર) બનવાનું હોય છે.
“સત્ય એ જ મારી કથાનો નાયક છે.” એવું
ટોલ્સટોયે કહેલું. તેના સંદર્ભમાં સ્મરણમાં લાવવા જેવું છે. મહાત્મા ગાંધીજીએ
‘સત્યના પ્રયોગો’ નામક પોતાની આત્મકથામાં લખ્યું છે: “સત્યના શોધકને રજકણથી પણ
નીચે રહેવું પડે છે. જગત આખું રજકણને કચડે છે, પણ સત્યનો પુજારી તો રજકણ સુદ્ધાં
તેને કચડી શકે એવો અલ્પ બની ન શકે ત્યાં સુધી તેને સ્વતંત્ર ઝાંખી પણ દુર્લભ છે.
ભલે મારા જેવા અનેકોનો ક્ષય થાવો પણ સત્યનો જાય થાવો, અલ્પાત્માને માપવાને સારું
સત્યને ગજ કદી ટૂંકો ન બનો.”
નર્મદ પણ પ્રતિજ્ઞા કરતા કહે છે: ‘જે જે હું
લખીશ તે મારી જાણ પ્રમાણે સાચે સાચું જ લખીશ, પછી તે ભલે ને સારું હોય કે નરસું
હોય, લોકોને પસંદ પડો કે ન પડો.’(મારી હકીકત પૃ.૨) નર્મદ, ગાંધીજી, મણિલાલ નભુભાઈ
દ્રિવેદી, બેરિસ્ટર વિનાયક સાવરકર અને ટોલ્સટોય જેવા મહાનુભાવો શીખવે છે કે
સત્યનું કથામાં કેટલું બધું મહત્વ છે. સત્યની અભિવ્યક્તિ માટે નિર્ભીકતા વધુ મહત્વ
છે. નિર્ભીક વ્યક્તિ જ નિખાલસ બનીને સત્ય કરે છે. અન્યથા રુચિકર પરંતુ અસત્ય બાબતો
આત્મચરિત્રમાં આવી જ જાય છે.
૫) આત્મલક્ષી સાહિત્ય પ્રકાર:-
આત્મકથામાં આત્મકથાકારની પોતાની જિંદગી
નિરૂપતી હોવાના કારણે તે આત્મલક્ષી સાહિત્ય પ્રકાર છે. આત્મકથામાં સર્જક સ્વની વાત
કરે છે. પોતાની જાત વિષે આ પ્રકારની વાત કરવા પછવાડે અનેક વિધ કારણો હોઈ શકે.શ્રી
જવાહરલાલ નહેરુ પોતાની આત્મકથા વિષે કહે છે આત્મ પરીક્ષણની વૃતિથી ને એ કાર્ય
આરંભ્યું અને ઘણે અંશે એ વૃતિ આખર સુધી કાયમ જ રહી.(મારી આત્મકથા), ઘડતર અને ચણતર
નામક આત્મકથામાં શ્રી નાંના ભટ્ટે પણ કબુલ કર્યું છે.”અંતર- નિરીક્ષણની પ્રધાનતા
નજરે નજરે પડે છે.” નર્મદ ભૂતનું જોઈ ભવિષ્યમાં ઉત્તેજન મળ્યાં કરે તેને માટે
આત્મનિરીક્ષણ કરે છે. રૂસોના એકરાર તેમણે કરેલા ઊંડા આત્મનિરીક્ષણ એમના નિર્દય
આત્મ પરીક્ષણના જ હાર્દ છે- ખ્રિસ્તી સંત ઓગસ્ટેટ અને ફ્રેંચ લેખક રૂસો.
૬) સમાજ જીવન તથા પરીચીતોનો આલેખ-દસ્તાવેજી ચિત્રણ:-
આત્મકથાકારના વ્યક્તિત્વ ઘડતરમાં એના સ્વજનો,
મિત્રો, હિતેચ્છુઓ, શિક્ષકો, વડીલો, કુટુંબ, સંસ્થાઓ અને એના વિરોધીઓ સુધ્ધાંનો
મહત્વનો ફાળો રહેલો હોય છે. કોઈ પણ વ્યક્તિનું જીવન એના જમાનાથી નિરપેક્ષ હોતું
નથી અને એમાય આત્મકથામાં તો એના લેખકે તત્કાલીન સમાજનું તથા પરિચિતોનું આલેખન
કરવાનું હોય છે. આત્મકથાકારના વ્યક્તિત્વ ઘડતરમાં તત્કાલીન સમાજ જીવનના સંજોગોએ
એના વ્યક્તિત્વ પિંડને કંડારવાના મહત્વનો ફાળો આપ્યો હોય એ કામ આત્મકથાકારે
કરવાનું હોય. નર્મદે કહ્યું છે કે ‘કેટલીક વાર મારા સંબંધમાં આવેલા એવા લોકના મન
દુભવવાને અને મારા કુટુંબ સબંધીઓને નુકશાન પહોંચાડવાના કારણે હાલ હું ઘટિત ધરાવતા
નથી.’(મારી હકીકત) નર્મદનું આ વિધાન ભલે વિવાદા સ્પદ રહ્યું પરંતુ એમાં સત્ય
નિષ્ઠા, વિવેક અને નિર્ભીકતા રહેલી છે. નર્મદ તો આવું કહીને લખતો નથી એટલો જ દોષ
એનો પણ ઘણા લેખકો આવું કબુલ્યા વગર આવું કરતા હોવાનો પુરેપુરો સંભાવ છે.
‘ચરિત્ર લેખનનો આદર્શ’ નામના એક લેખમાં શ્રી
અનંત રાવળ કહે છે કે “ “જે દેશકાળ કે સંજોગોમાં વ્યક્તિ જીવી ગઈ અથવા પ્રો.ઠાકોરની
ભાષામાં બોલીએ તો જે જળની માછલી હતી તેના યોગ્ય પરિચય વિના વાંચકોને તેના જીવનની
વિશિષ્ટતા કે મહત્તા સમજાવવાની નહિ. દરેક મહાપુરુષ પોતાના જમાનાના સંતાન હોય છે.”
જીવન કથાના મહદંશે કથાનાયકના જીવનમાં વિશેષ
રસ લેવાનો હોય છે. જ્યારે આત્મકથાકારને પોતાની સાથે પરિચયમાં આવેલી વ્યક્તિઓના
જીવનને નીરુપવાના હોય છે. આ દ્રષ્ટિએ જોવા જઈએ તો જીવન ચરિત્રના સર્જકમાં
આત્મકથાકારનું કામ પ્રમાણમાં વધારે વિસ્તારવાળું બને છે. ક્યારેક આત્મકથાકારનું
કામ નમ્ર બનીને પોતાના કરતા અન્ય વ્યક્તિના ચરિત્રો વધારે આલેખી બેસે તો
આત્મકથાસ્વરૂપની સમગ્ર વિભાવને ભારે હાની પહોંચવાનો સંભવ રહે છે. જેમ વ્યક્તિનું
જીવન યુગ સાપેક્ષ હોય તેમ વ્યક્તિનું યુગ નિરૂપણ અને યુગ દર્શન દ્વારા વ્યક્તિનું
અંતરણ પારખી કે પામી શકાય છે. ક્યારેક કેટલીક વ્યક્તિઓનું જીવન પુરુષાર્થ સમગ્ર
યુગ માટે પરિવર્તન લાવનારું હોય છે અને તેથી જ એવી વ્યક્તિઓનું યુગ દર્શન સાપેક્ષ
હોવા છતાં મુલ્યવાન હોય છે.
દા.ત. મારી હકીકતમાંથી
પ્રાપ્ત થતું તત્કાલીન સમાજ જીવનનું ચિત્ર. ‘સત્યના પ્રયોગો’માંથી પ્રાપ્ત થતું
ભારતનું દર્શન, ઇન્દુલાલ યાજ્ઞિકની આત્મકથામાંથી પ્રાપ્ત થતું બૃહદ ગુજરાતનું
દર્શન કે રસેલની આત્મકથામાંથી ૨૦મી સદીના રૂઢીચુસ્ત ઇંગ્લેન્ડનું દર્શન એ માત્ર
સ્થૂળ દસ્તાવેજ ન બની રહેતા ગનીશીલ વિવિધ પરિમાણ ચિત્ર બની રહે છે.
૭) આત્મકથાની
ભાષા/સર્જકતાનો વિનિયોગ:-
ડૉ. સતીષ વ્યાસ કહે છે તેમ આત્મકથા લેખકના
સંકુલ અંતરંગનો આવિષ્કાર છે. આ અંતરંગને ઓળખવું, આલેખવું અતિ કઠીન છે. એના
વિરોધાભાશોને અભિવ્યક્ત કરવા ભાષાનું સાધન કાચું પણ પડે એ સંકુલ અનુભવ જગતને એ
અટપટા સંવેદન પર્યાવરણને ઝીલવા માટે ભાષાનું માધ્યમ કસોટી કરે. જીવનકથાકારને
ભાષાનો આ પ્રસંગ સીધો જ નડતો નથી કેમકે એને જેનું જીવન ચરિત્ર આલેખવાનો છે તેના
ભીતરના પુરેપુરા ર્ય્પથી તો એ કડી જ્ઞાત થવાનો નથી.
ભાષામાં જ્યારે એ બહાર આવે ત્યારે ખુદ સર્જક પણ
આશ્ચર્ય ચકિત થઇ જાય એવો સંભવ છે. આપણે જ્યારે આપણી છબી જોઈએ છે ત્યારે ઘણી વાર
આપણને આશ્ચર્ય થાય છે. ભીતરની છબી બહાર આવે ત્યારે કેટલી નવી કેટલી અપરિચિત લાગે એ
ચલિત આંતર છબીને રૂપ્બદ્ધ કરવા ભાષાને વિશેષ સજ્જતાની અપેક્ષા રહે છે, જે સર્જક આ
બે વચ્ચે અભેદ રચી શકે તેની આત્મકથા વધારે કલાત્મક બને એ નિ:શક.”
આત્મકથામાં સર્જકે પોતે જ પોતાની વાત માનવાની
હોય છે. એટલે એમાં વાસ્તવ જીવનનું વફાદારી પૂર્વક નિરૂપણ કરવાનું હોય. કલ્પનાને
ઝાઝો અવકાશ નથી પરંતુ પોતાના જીવનને ઘણી બધી કલ્પનાઓને એકબીજી સાથે સાંકળીને
આકારનું નિર્માણ કરતી વખતે કલ્પનાનો વ્યાપાર જરૂરી બની રહે છે. કથાના સત્યમાં
રૂપાંતરિત કરવા સારું કલ્પના જ મદદગાર બની શકે છે. સર્જક પોતાના જીવનનું આલેખન
કરતી વેળા પણ જીવન તરફનો પોતાનો દ્રષ્ટિકોણ કલ્પના અને સર્જકતાના સમન્વયથી મુક્ત
રાખે તો એનું પરિણામ સુભગ જ આવે.
કાકાસાહેબ કાલેલકરની સ્મરણયાત્રા કે જયંત પાઠકની
વનાંચલ જેવી કૃતિઓમાં કાવ્યની અને સર્જકતાનો આ પ્રકારનો સુભગ સમન્વય સંધાયેલો જોવા
મળે છે. શ્રી મોહનભાઈ પટેલ ‘ધૃતિ’ નામના પોતાના વિવેચનના પુસ્તકમાં આત્મકથા માટેની
ભાષાનો વિચાર કરતા લખે છે કે “જેમ સદ ભાષાના માધ્યમ દ્વારા મળે છે તેમજ અસત પણ તે
જ માધ્યમ દ્વારા મળે છે. સત્ય પણ ભાષાના માધ્યમ દ્વારા લખાય છે, તેથી ભાષા બને
તેટલી ઓછી અનાલંકૃત હોય એ ઇષ્ટ બને તેટલી ઓછી અર્થ ગોરવવાળી હોય.”
શ્રી મોહનભાઈ પટેલ સાદી, સરળ તથા અર્થ
ગોરવવાળી ભાષાનો મહિમા કરે છે. વાસ્તવમાં આત્મકથાના સર્જકે સાદી, સરળ અને સચોટ,
રસાળ ભાષાનો વિનિયોગ કરીને પોતાની રચનાને બને એટલી રચનાત્મક બનાવવી જોઈએ.
સર્જકતાનો સસ્પદ પામેલી આત્મકથા વધુ આસ્વાદ્ય બની રહે એ નિ:શક છે.
ભાષાનો
સંબંધ કોઈ સ્વરૂપની વિભાવના સાથે જોડવાની જગ્યાએ સર્જક સાથે એનો સબંધ જોડવો વધુ
હિતાવહ છે. કારણ કે સ્વરૂપના માધ્યમમાં પ્રગટ થતા ભાવ જગત સાથે જ ભાષાનો સબંધ સૌથી
વિશેષ હોય છે. આત્મકથાનો લેખક ઘણીવાર સાહિત્યિક પ્રતિભા નથી ધરાવતો, ક્યારેક
સાહિત્ય વિષયક સમજ પણ એની કાચી હોય એ સંભવિત છે. હિટલર, રસેલ કે ગાંધીજી
સાહિત્યકાર ન હતા, છતાં તેમની પાસેથી આપણને આત્મકથાઓ પ્રાપ્ત થાય છે. સાહિત્યકાર
હોય તે જ આત્મકથા લખી શકે એવા પ્રકારના કોઈ મનાય એકમો ન કાઢી શકીએ. કોઈ પણ વ્યક્તિ
પોતાના જાત વિષે વાત કહે- લખે ત્યારે તે આપોઆપ આત્મકથાનો લેખક બની રહે છે.
સાહિત્યકાર ન હોય એવી વ્યક્તિ પણ પોતાના જીવન વિષે સાત ભાષા પ્રયોજીને પોતાના
વ્યક્તિત્વને સુયોગ્ય રીતે આકાર બક્ષી શકે. ગાંધીજી સાહિત્યકાર તો ન હતા પરંતુ
‘સતીના પ્રયોગો’માં એમને પ્રયોજેલી સાદી સરળ છતાં બલિષ્ટ ભાષા એમના ચહેરાને સાચા ચહેરાને
યથાવત ઉપસાવી શકે છે. ગાંધીજીની ભાષા કલાત્મક અભિવ્યક્તિ કે સોંદર્ય દર્શન કરવા કે
કરાવવામાં કદાચ ઊણી ઉતરે, વર્ણનો કરવામાં પણ કદાચ તેને ઝાઝી સફળતા પ્રાપ્ત ન થાય
પરંતુ સર્જકના દર્શન, ચિંતનને એ સંપૂર્ણત: પ્રગટ કરી આપે છે, એ દર્શાવે છે કે એમની
ભાષામાં પારદર્શકતા અને વેધકતા પૂર્ણ પ્રમાણમાં છે.
આત્મકથાના સર્જકને પોતાનો ચહેરો પ્રગટ કરવા
ભાષા જ્ઞાન કે ભાષા સૂઝની જરૂરત ઊભી થાય છે. કેટલીક વાર સમાજ જીવનમાં લોકનાયક
તરીકે જેમની છબી અંકિત થઇ હોય તેવા મહાનુભાવોને વાકૃતત્વ કળાનું બળ એમની ભાષામાં
ઉતરે ત્યારે એમની ભાષા વેધકતા અને તીક્ષ્ણતાના ગુણોની સાથોસાથ પારદર્શકતા પણ ધારણ
કરે છે. અભિવ્યક્તિની ગુંજાઇસ આ પ્રકારના લોક નાયકોની ભાષામાં નીરખવા મળે છે.
ક્યારેક ગાંધીજીની બાબતમાં બન્યું છે તેમ વ્યક્તિત્વની નિખાલસતા અને નમ્રતા પણ
એમની પાણીમાં સરળતા આણે છે. વકૃત્વની છટ્ટાઓ જેમાં ભળી હોય એવી ભાષામાં વ્યવહારના
રુધિ-પ્રયોગો કહેવતોનું બળ અને વાણીનો વૈભવ અચૂક જોવા મળે છે.
આત્મકથાનો સર્જક જો સાહિત્યકાર હોય તો તે
પોતાની કૃતિમાં કુશળતાથી અલંકાર પ્રતિરૂપ પ્રતિક પુરાકલ્પન વગેરેનો સર્જકાત્મક
વિનિયોગ કરી લે છે. આ પ્રકારની સર્જકતાને કારણે વ્યવહારનાં સત્યનું સુંદર રૂપાંતર
થાય છે. ચુસ્ત સત્ય જેટલું આકર્ષક રોચક ન લાગે તે ભાષાના આવા જીવંત સ્પર્શથી
આકર્ષક અને રોચક બની રહે છે. લક્ષ્યાર્થ, વ્યંગ્યાર્થ વગેરે શબ્દ શક્તિઓનો સુભગ વિનિયોગ
કરીને સર્જક પોતાનાં ભીંતરને વધારે સૂચક રીતે પ્રગટ કરે છે.
આત્મકથાના સાહિત્ય સ્વરૂપને સમજવા ઉપર
બતાવેલા લક્ષણો તો ફક્ત દિશા સુચન રૂપ જ છે. આટલા લક્ષણો પૂરતા ન પણ હોય આનાથી એ
વધારે લક્ષણો કોઈક તારવી શકે. કોઈક આત્મકથા એને વિલક્ષણ પણ હોય કે જે તારવેલા
સ્વરૂપ લક્ષણોને ગાંઠતી ન હોય. આવી આત્મકથા માટે તો પછીથી નવા લક્ષણો તારવવા પડે.
આત્મકથાના વ્યાવર્તક લક્ષણો તરીકે સત્યકથન અને આત્મલક્ષીતા આ બંનેને ગણવામાં આવે તો
તે યોગ્ય એટલા માટે છે કે આ બે વ્યાવર્તક લક્ષણોથી જ સાચી સારી આત્મકથા રચી શકાય.
લેખકની સર્જકતા આમાં સમાવેશ પામે તો તે સમગ્ર કૃતિને અખંડિત રચી શકે. ડૉ. સતીશ
વ્યાસ કહે છે તેમ: “આત્મકથા એના લેખકના ભૂતકાળના જીવનની વર્તમાનના જીવન સુધીનું
કલાપૂર્ણ ગતિશીલ ચરિત્ર ચિત્રણ છે.” એ માત્ર ભૂતકાળનું નિરૂપણ નથી પણ જે ભૂતકાળે
વર્તમાનના લેખકને ઘડ્યો એનો પુરાવો છે. આ કલાના સંદર્ભમાં વ્યક્તિના ઘડતર કથામાં
ઉપયોગી ન હોય એ વસ્તુઓ પ્રસંગો કે ઘટનાઓ વ્યક્તિઓની સામગ્રી અંદર લાવવી જરૂરી નથી.
0 ટિપ્પણીઓ
Please do not Enter any Spam Link in the Comment box.😈