Shudh Sahityik mudra Upsaavta narmdna nibandho
ગુજરાતી નિબંધના ઉદભવકાળે નર્મદની નિબંધ-લેખન
પ્રવૃત્તિ અનેક રીતે ધ્યાન ખેંચનારી બની રહે છે. સમય દ્રષ્ટિએ દલપતરામની લગોલગ
રહીને લખતો નર્મદ ગદ્યને એણે જે વિવિધ છટાઓથી પ્રયોજ્યું છે એ રીતે કેટલો બધો જુદો
પડી જાય છે! વળી ‘સ્ટીલ તેમજ એડીસનના સ્પેકટેટર’ જેવું લખાણ કહાડવું તો ખરું “એ
પ્રકારની નિબંધલેખન પાછળ એની નેમ રહી હતી. “નિબંધ લખવા જેવી તેવી વાત નથી.” એ
શબ્દો પણ એ સ્વરૂપ વિશેની એની જાણકારીના સૂચક છે. નર્મદનું સાહિત્યક્ષેત્રે
ચિરંજીવ પ્રદાન નિબંધનું છે. ગદ્યલેખનનો પ્રારંભ તેણે સત્તર-અઢાર વર્ષ જેટલી નાની
વયથી કર્યો હતો, જે પ્રવૃતિને પાછળથી તે જીવનના અંત લગી ટકાવી રાખે છે જ્યારે એની
કાવ્યલેખનની પ્રવૃત્તિના મહત્વના વર્ષો તો અગિયાર-બાર જ! એક તો અનેક વિષયમાં રસ
લેવાની તેની તેમની જીજ્ઞાસાવૃત્તિ અને બીજું તેનું દેશહિતેષી, સુધારાવાદી માનસ આ
બંને નિબંધલેખન માટે અને અનેક વિષયો તરફ ઉન્મુખ કરે છે. જેમકે
(૧) સમકાલીન જમાનાની
સામાજિક રૂઢિઓ અને રીતી-રીવાજો ઉપર પ્રહાર કરવા.
(૨) સાહીત્યક પ્રશ્નોની
ચર્ચા કરવી.
(૩) લોકોને હુન્નર
ઉદ્યોગમાં પ્રવૃત કરવા અને (૪) વિદ્યા તરફ વાળવા નિબંધો લખવા શરૂ કર્યા.
‘બીદ્ધીવર્ધક સભા’માં વક્તવ્ય આપવાને નિમિત્તે અથવા તો સુધારણા વિષયક
નિબંધસ્પર્ધાઓમાં ભાગ લેવાના નિમિત્તે તેના ગદ્યને પણ તર્ક, વાક્પાટવ તેમજ
દ્રષ્ટાંતોથી વિભૂષિત થવાનું બને છે. આ બંને વસ્તુ તેમના નિબંધોની બુનિયાદ બની રહે
છે. એમની પાસે વિચારોત્તેજ્ક અને મર્માળ ગદ્યવાળા નિબંધો સર્જાવે છે.
‘નિબંધ’ ને જો વ્યક્તિત્વનો આવિષ્કાર લેખતા જોઇએતો નર્મદના સર્વ પ્રકારના નિબંધોમાં એમનું દેશદાઝથી બળતું જોમ-જોસ્સા વાળું તો કવચિત, ગંભીર મુદ્રા, ધારણ કરી ચિંતનમાં ડૂબી જતું વ્યક્તિત્વ પદે પણ જોવા મળે છે. પછીએ (૧) ‘મંડળી મળવાથી થતા લાભ’, ‘સ્વદેશાભિમાન’, ‘રણમાં પાછાં પગલાં ન ભરવા’- જેવા નર્મદના સામાજિક સુધારણાને લગતા નિબંધો છે. (૨) ‘સંપ’, ‘સુખ’, ‘વ્યભિચાર નિષેધક’, ‘સ્ત્રીકેળવણી’, ‘ઉદ્યોગમાં વૃદ્ધી’, ‘ભક્તિ અને ધર્મવિચાર’ જેવા નિબંધો ધર્મ, નીતિ અને સંસ્કૃતિને સ્પર્શતા છે. (૩) ‘કવિ અને કવિતા’, ‘કવિ ચરિત્ર’, અને ‘ગુજરાતીભાષાની હાલની સ્થિતિ’ આદિ ભાષા સાહિત્ય વિષયક નિબંધો છે. (૪) ‘ગુજરાત’, ‘પ્રાચીન ઇતિહાસનું મહાદર્શન’, ‘સુરતની ચડતી માટે અને આર્ય દર્શન’ વગેરે ઈતિહાસ તત્વને કેન્દ્રમાં રાખી લખાયેલાં નિબંધો છે. (૫) સિકંદર, સીઝર, મહેમદ, ન્યુટન, કોલંબસ, સોક્રેટીસ, બેકન, હોમર અને પ્લેટો જેવી વિભૂતિઓ ઉપર તેણે સંક્ષિપ્ત, ચરિત્રાત્મક નિબંધો લખ્યાં છે. (૬) ‘કાળું બાવલું’, ‘લેને ગઇ પુત- ખો આઈ ખસમ’ જેવા પ્રહારાત્મક શેલીના નિબંધોનું લેખન પણ તેમણે ‘ડાંડિયો’ નામના પાક્ષિક દ્વારા કર્યું છે.
એમના આ નિબંધ લેખનના મૂળમાં મોટું પરિબળ છે
એનો જમાનો અને એ વિશે એનો પ્રત્યાઘાત. આ ઉપરાંત કશુંક નવું કરી નાખવાની- કરી
બતાવવાની એની ધગશ અને ઉત્સાહવૃતિ નર્મદના વ્યક્તિત્વનો વિશિષ્ટ રણકો તો જોવા મળે
છે. એમની નિબંધ રચનાઓનું ઉડીને આંખે વળગે તેવું એ લક્ષણ છે.
નિરૂપણ અને શેલીની દ્રષ્ટિએ એમના નિબંધો સ્પષ્ટરૂપે
બે પ્રકારમાં વહેંચાઇ જતા લાગે છે. (૧) એક તો છે સંબોધનાત્મક કે ઉદબોધનાત્મક .(૨)
બીજો છે વિમર્શાત્મક કે તાત્વિક નિબંધોનો પ્રકાર.
(૧) પહેલા પ્રકારના નિબંધોમાં એના અંતરનો ઉકળાટ, દેશદાઝ, સુધારાની તમન્ના અને નવું કરવાનો ઉત્સાહ પ્રતીત થાય છે. ધસમસતા પુરની જેમ તે આ પ્રકારના નિબંધોમાં એના ભાવકને વેગપૂર્વક તાણી જાય છે. અહીં તે પોતાના કુશળ વકતૃત્વથી પોતાની બધીજ આંગિક ચેષ્ટોથી શ્રોતાઓને સંબોધતો હોય એવી છાપ ઉભી થાય છે.
(૨) બીજા પ્રકારના નિબંધોમાં તે મુકાબલે વધુ
ઠરેલ અને શાંત દેખાય છે. ઉકળાટ કે આવેગને સ્થાને સંયમ અને ગાંભીર્ય વર્તાય છે.
(૧) પહેલા પ્રકારના નિબંધોમાં જોમ ચાલક બળ છે
તો (૨) બીજા પ્રકારના નિબંધોમાં ચિંતન, મનન અને અંતર્મુખતા ચાલક બળ છે.
‘મંડળી મળવાથી થતા લાભ’, ‘સ્વદેશાભિમાન’, અને
‘રણમાં પાછા પગલાં ન ભરવા વિષે’, વગેરે નિબંધો પ્રથમ પ્રકારના છે. તો ‘સંપ’, ‘આપણી
દેશ જનતા’ ‘ઉદ્યોગ તથા વૃદ્ધિ’, ‘કેળવણી’, ‘રાજ્યસત્તા’, ‘મુક્તીતંત્ર’ આદિ નિબંધો
બીજા પ્રકારના છે.
આમ, પહેલા પ્રકારના નિબંધોમાં જોમ- નર્મદના જ
શબ્દમાં કહીએ તો ‘જોસ્સા’ ચાલક બળ છે. આવાં અધીર ઝડપે લખાયેલાં લખાણોથી તે સભાન
છે. એવા લખાણોને એ ‘પ્રસંગના જોસ્સાની નિશાની તરીકે ઓળખાવી એની પ્રસિદ્ધી વેળા
પાછળનાં દિવસોમાં એ એની કલમ ‘શરમાય’ છે. અને બીજા પ્રકારના નિબંધોમાં ચિંતન-માનન
અને અંતર્મુખતા ચાલક બળ બને છે. દા.ત. ‘મંડળી મળવાથી થતા લાભ’ની સામે ‘સંપ’ વિષે
અથવા તો ‘પુનઃવિચાર’ જેવી રચના મુકતા એમની અભિવ્યક્તિનો મૂળભૂત ભેદ તરી ધ્યાનમાં
આવ્યો.
લેખક તરીકેના પ્રારંભના વર્ષોમાં સર્વ
ક્ષેત્રે કડ્ખેદ બની રહેલા નર્મદે કશી શેહશરમ વિના કે કોઈની કશી પરવા કર્યા વિના
પોતાની જે સત્ય ભાસ્યું છે, એને જ નિર્ભીક રીતે રજુ કર્યું છે. સુધારક નર્મદનું
કંઈક ઉદંડ અને રૂઢીભંજક લાગે તેવું વ્યક્તિત્વ શરુઆતની રચનાઓમાં હુબહુ ઝીલાયું છે.
એના વ્યક્તિત્વનો એવો વિશેષ વક્તવ્યાનુંરૂપ ગદ્યને પણ કેવું રાગમાં લે છે તે
એકીસાથે ‘મંડળી મળવાથી થતા લાભ’માં જોઈ શકાશે.
કેમકે આપણા લોકો એવા તો આળસુ થઈ જઇ વિચારશૂન્ય
થઇ ગયા છે કે ભણવું ગણવું તથા વેપાર રોજગાર વગેરે અનેક પ્રકારના ઉદ્યોગો કરવા મૂકી
દઈ બજારે બજારે, મોહલ્લે મોહલ્લે ને ચકલે ચકલે એકઠાં મળી બેસી રહે છે. કેટલાએક
મજાક-ઠઠ્ઠામાં મગ્ન રહે છે; કેટલાએક હાથ પગ બાંધી નવરા બેઠા બેઠા લોકોની નિંદા કરે
છે; કેટલાએક જમણવાર વગેરે ખાવાપીવાની જ વાતો કરે છે.’(ગદ્ય પ્રસ્તુતિ-મંડળી મળવાથી
થતા લાભ’-જુનું નર્મગદ્ય)
જે પર્યાવરણ વચ્ચે નર્મદ શ્વસે છે એ પર્યાવરણ
તો નર્યું ધર્માંધ છે, નર્યું સ્વાર્થાન્થ, નર્યું સ્વકેન્દ્રી છે. નર્મદ સમકાલીન
સમાજની એવી અવદશાથી દ્રવી જાય છે. ઊંડેથી શોક અનુભવે છે. એવે વખતે એના કથનમાં
ઉત્કટતા આવે છે. એનું ગદ્ય વાતચીતના મરોડવાળું બને છે અને ‘ભાઈ ઓ’, ‘રે’, ‘આહા’
જેવા શબ્દોથી એ આપણો વિશ્વાસ સંપાદિત કરીને આપણો સહ્રદય બનીને આપણી લગોલગ આવી બેસે
છે, એણે પ્રશ્ન ચિહ્ન(?) અને આશ્ચર્ય ચિહ્ન(!) પાસેથી પણ એવે સ્થાને કેવું કામ
લીધું છે! જુઓ- ‘રણમાં પાછા પગલાં ન ભરવા વિષે’ માં :
“ભાઈ ઓ , આપને બહુ પાછા હઠયા છે!- ના ન કહેવાય
નાં હઠીયે?- જાણી જોઇને ભૂલ કરીએ ત્યારે પસ્તાવો શાનો? રે જાઓ જાઓ જાણી જોઇને વળી
કોઈ ભૂલ કરતા હશે?- સ્વારથીયા માટે જાગતો બમણું ઘોરે તેની પીઠે જાણી જોઈ આંધળા થઇ
રસ્તો ભૂલી જઈ ખાડામાં ન પડે વારુ?- ખરું કોહો- ઊભા રોહો, ઊભા રોહો;
પંચોપાખ્યાનમાં બ્રાહ્મણને ત્રણ ડઝની વાત છે તે આહા કેવી મઝેની છે!આપણે
દ્રવ્યમાનના લોભથી કેટલી ધામધૂમ કરી મેહેલી હતી?! ને તે ધામ ધૂમના જોશમાં આપણે
કેટલાં બધા ફાવ્યા હતા? આ હા ! વ્હેમજ કેટલો નબળો પડ્યો હતે પણ રે ! તેવું ને
તેવું ન ચાલ્યું! (રણમાં પાછાં પગલા ન કરવા વિષે’)- નર્મદના કટાક્ષની પણ અહીં કેવી
ધાર નીકળે છે!
તો ક્યારેક પ્રશ્ન પૂછી, તેનો ઉત્તર પણ પોતે જ
આપી આગળ વધતો હોય છે. અંદરના ભાવ પ્રમાણે, વાક્યો પણ લાંબા ટૂંકા કદે સર્જાઈ આવી
એના વક્તવ્યને બનાવે છે. ‘સ્વદેશાભિમાન’ નામનાં નિબંધનો એક પરિચ્છેદ:-
“ઓ હિંદુઓ, તમે કોઈ દિવસ મંડળીમાં મળી, એકમત
થવાનો વિચાર નથી કીધો, તમે સુધારાના કામમાં આગળ નથી પડ્યા. તમે દેશને રોજગારે
કારખાનાઓએ પ્રખ્યાત કરવાને સપનામાં પણ ધાર્ય નથી, તમે અટકે કેમ અટકી રહ્યા છો?
દેશમાં ભાજી રોટલા મળે તે સારું, પણ પરદેશમાં લાખ મળે તે ખોટા, એમ બોલી સંતોષે કાં
રોહો છો? પણ તમારા દેશ એ તો તમારું ઝુપડું ને તમારું કુળ; એ છોડવાની હિંમત ધરી
પરદેશ જઈ સન્માર્ગે વિદ્યા, ધન, યશ મેળવીને પછી દેશમાં ઉતરતી વયે ચેહેનમાં દિવસ
ગુજરો થવાનું તે થશે. કળીયુગનું મહાત્મ જ છેકની, અલ્યા ભૂંડા! દેશમાં ખાઈ પીને મોજ
કરીએ છ, એમ બઈલા બોલ કાહાડીને જ દુશ્મનોને લગાર હટાવ્યા વના પાછાં પગલાં તમે કર્યા
છે.”
પ્રશ્નો પૂછી વક્તવ્યને વધુ ધારદાર બનાવતાં તે
આગળ લખે છે: “તમારો માણસરૂપે શો હક્ક છે? એક બીજા સાથે, સ્ત્રી બાળક જોડે, સગા
ન્યાતી જોડે ચાલવાની પરસ્પર શી રીતે છે? સ્વતંત્રતા શી વસ્તુ છે? રાજ કારભાર શું
છે? વિદ્યા તે શું છે? સુધારો તે શું? તમારા ઉપર હાલની સરકારનો શો હક્ક છે ને શી
રહેમ છે?”- નર્મદના વિશિષ્ટ વ્યક્તિત્વનો સ્પર્શ પામીને લખાયેલ ‘સ્વદેશાભિમાન’
નિબંધના બંને ગદ્યખંડો એમાં પ્રતીત થતા છટાદાર વકતૃત્વને લઈને અને વાતચીતના લહેકાને
કારણે એ નિબંધને એક જુદી જ ભાતવાળો બનાવે છે.
નર્મદની પ્રારંભની નિબંધરચનાઓમાં નિરૂપણની
કચાશ જોવા મળે છે. પણ નર્મદ એ મર્યાદાથી વાકેફ પણ હતો. પણ પછી ઉતરોત્તર એના વિચાર
અને ગદ્ય અનેરી પકવતા ધારણ કરતાં જાય છે. ‘સંપ’ જેવી રચનાઓમાં વિષયનું તર્ક્પુત
નિરૂપણ અને ગદ્યની સુઘડતા ધ્યાનાહ બની રહે છે. સંપથી જ પ્રીતિ બંધાય છે, મિત્રતા
તકે છે, ઉદ્યમ, નીતિ અને દ્રવ્ય વધે છે, તેમજ તન અને મન પ્રફુલ્લિત થઇ ખજાને બરકત
રહે છે એવું એનું દ્રઢ મંતવ્ય છે. સંપના આ અમૂર્ત ભાવને તે રૂપક શેલીનો આશ્રય લઇ
મૂર્ત રૂપ આપે છે: સંપનું રૂપ: ‘સંપ ગોર વર્ણો છે. તે બેદી પણ મજબુત દડીનો પહેલવાન
છે. તે ઘણો જાડો નથી, તેમ ઘણો પાતળો પણ નથી. તેની રગેરગો કસાઈને ઉચકાયેલી તેયાર
તેયાર રહેલી છે. તેનું મોહોડું ગોળ ને ભરાવ છે. ડાચાં બેસી ગયેલા નથી, પણ મજબુત છે
ને તેના ગાલ ઉપર તંદુરસ્તીની લાલી આવી રહેલી છે. તેની આંક આરોગ્ય છે- સ્વચ્છ
લોહીનો ભરેલો છે તેથી તેની ઝૂમને લીધે તેની આંખ કિંચિત મીચાયલી રહે છે. જાણે કોઈ,
ચિત્રની ખૂબી જોતી વખત આંખને કઇએક ઝીણી, અર્થાત પસરેલી દ્રષ્ટિએ એકઠી કરીને જોતો
હોય, તેમ જોય છે....... તે વીર પુરુષની આકૃતિ ઉપરથી ઉપરથી સર્વ મોહજાળમાં પડી જાય
છે અને તેથી તે જલદીથી સહુને વશ કરી લે છે. માથું જોઈએ તો ગોળ, મોટું ને કંઈ આગળ
પડનું; કપાળ વિશાળ ને ભવ્ય; તેનામાં પ્રોઢતા, શોર્ય, વિચાર, ચાતુર્ય વગેરે ગુણો
છે. તેનો તેનાં અવયવો ઉપરથી અભ્યાસ થાય છે.”
નર્મદે ‘સ્ત્રીના ધર્મો’ ‘રણમાં પાછા પગલાં ન કરવા
વિષે’ ‘ગુજરાતી ભાષા’ જેવા અન્ય નિબંધોમાં પણ આવાં રૂપકો પ્રયોજ્યાં છે. ‘સંપ’નું
રૂપક એની કલ્પનાશક્તિના ઘોતકરૂપ ગણી શકાય એવું છે. પણ તેનું નિરીક્ષણ સૂક્ષ્મ
બનવાને બદલે સ્થૂળ કોટિનું જ રહે છે. એની રૂપક શેલીની આવી કેટલીક મર્યાદાઓ
છે.(પુનર્વિવાહ માંથી)
નર્મદનું ચિત્ત સદેવ સનાજ અને દેશના પ્રશ્નોથી
વ્યથિત રહ્યા કર્યું છે. એવી વ્યથાએ એને અનેક વિષયો ઉપર લખવાની પ્રરણા આપી છે. તો
એ વ્યથાએ એના ગદ્યના પણ અનેક ખુણાઓ કાઢી આપ્યા છે. જેમકે ‘દેશાભીમાન’, ‘આપણી
દેશજનતા’, ‘પુનર્વિવાહ’,’ગુરુની સત્તા વિષે’, ‘કેળવણી’ વિષે ‘સુધારો અને
સુધારાવાળા’.... વગેરે નિબંધો.
નર્મદના નિબંધોમાં તરી આવે બીજું લક્ષણ છે
તેમાં થયેલો કહેવતોનો ઉપયોગ. એના નિબંધોમાં કહેવતોનો તો ગેજ પકડી દે છે. કવચિત તો
કોઈ પરિચ્છેદમાં એનું આખું વક્તવ્ય જ કહેવતો વડે પૂરું કરતો હોય છે. ક્યારેક
કહેવતોને આધારે હાસ્ય ઉત્પન્ન કરવાનો પ્રયત્ન પણ તેણે કર્યો છે. ક્યારેક કટાક્ષ
અર્થે પણ તેણે કહેવતોનો ઉપયોગ કર્યો છે. પોતાના વક્તવ્યને વિશદ કરવા માટે તે સચોટ
દ્રષ્ટાંતોનો અને ઉપમા, રૂપક વગેરે અલંકારોનો પણ આધાર લે છે. અંગ્રેજી પ્રજાના
સંસ્કારનો સદુપયોગ કરવાનું સૂચન તે આવી આલંકારિક ભાષામાં કરે છે; “અંગરેજ લોકો
ફાનસમાના દીવા છે. એ દીવા તમને રોશની આપે છે, પણ એ અજવાળાનો યોગ્ય ઉપયોગ કરવો
તમારે હાથ છે. ......”
આ સર્વ ને લઈને એનું ગદ્ય વાતચીતની ઉપમા ધારણ
કરે છે. ભાવક અને લેખક વચ્ચે અનોપચારિકતાનું વાતાવરણ ઊભું કરી આપવામાં એવા વેયક્તિકતાના
સ્પર્શવાળા એના ઉષ્માસભર ગદ્યનો મોટો ફાળો રહ્યો છે.
વિષયને એમાંની સામગ્રીને લક્ષમાં રાખીને
નર્મદના નિબંધોનું આજે કોઈ મૂલ્યાંકન કરવા બેસે તો સંભવ છે કે, બદલાયેલા સામાજિક
પરિવેશને લઈને, એમાં સ્થાયી તત્વ ઘણું ઓછું પ્રાપ્ત થાય પણ નર્મદનું મહત્તમ લક્ષ્ય
તો પોતાના જમાનાના ક્રૂર પ્રશ્નોને નિબંધના માધ્યમ દ્વારા તાદ્રશ્ય અભિવ્યક્તિ
આપવાનું રહ્યું હતું. નર્મદે એ લક્ષ્ય તો બરાબર પાડ્યું છે. સાથે સાથે એ આડ
નિમિત્તે તેના હાથે કેટલીક સુભગ રચનાઓ પણ સ્ફૂર્તિવાળા ગદ્યમાં નીર્માઈ આવી છે.
ઉત્તરકાળનાં ગદ્ય લખાણો વિચારની દ્રષ્ટિએ વધુ ટકાઉ છે, એમાં એના સ્વસ્થ-પ્રોઢ
વ્યક્તિત્વનો પરિચય આપણને મળી રહે છે. ગદ્ય પણ કણીદાર ને કસાયેલું જોવા મળે છે.
અલબત્ત પેલો સ્પર્શી જાય તેવો તરવરાટ ને જોસ્સો અહીં ગેરહાજર છે. ઉત્તરકાળના ધર્મ
વિષયક લખાણોમાં ઠરેલ નર્મદના તત્વ સમૃદ્ધ માનસનો પરિચય જ ભાવક માટે ઉપલબ્ધિરૂપ
બનતો હોય છે.
નર્મદના ઈતિહાસ વિષયક લખાણો નિબંધ કરતાં તો
વિશેષ પ્રસ્તારી લેખો છે. એને મુકાબલે સાહિત્ય અને વિવેચનને લગતા કેટલાંક નિબંધો
આદર પ્રેરે તેવા બન્યા છે. આ નિબંધોમાં સાહિત્ય અને વિવેચનના કેટલાંક મહત્વના
પ્રશ્નોની સરસ ચર્ચા કરે છે. વીવેચકનો ધર્મ સ્પષ્ટ કરતા તે યોગ્ય જ કહે છે:
“ટીકાકારે અદેખાઈથી નહિ પણ યથા ન્યાય વર્તવું, પણ સામાને માઠું લાગશે એમ સમજીને
ડરીને નહિ, પણ જેમ બને તેમ સારી પેઠે યથા વિધિ વિસ્તારે ટીકા કરવી.”
તો ‘કવિ અને કવિતા’ માં એ કવિતાના કેટલાંક
મહત્વના પ્રશ્નોને સ્પર્શ કરે છે. ‘જેનું રસજ્ઞાન થનથન કરી રહેલું હોય’ અને ‘જેવું
સાંભળ્યું’ એને ‘જુક્તીથી રંગીને બતાવવાની જેની શક્તિ હોય’ તેને જ નર્મદ કવિ કહેવા
તેયાર છે. કવિઓએ ‘માત્ર બનેલું હોય તે જ પ્રમાણે ન બતાવવું પણ એને તર્કથી
વધારી-દીપાવી બતાવવું’ એવું કહી એ કલ્પનાને (Imagination) કવિતાનું અગત્યનું બળ લેખે
છે. કવિતા અને રાગ વચ્ચેનો ભેદ પણ તે સ્પષ્ટ કરે છે. શીઘ્ર કવિતાને વશ છે તે કવિ
હોય ખરો’, એ એનું કવિતા વિશેનું મંતવ્ય છે. નરસિંહ, દયારામ, પ્રેમાનંદ, મીરાંબાઈ
અને શામળ આદિ કવિઓની તેણે કરેલી કેટલીક ચર્ચા આજે પણ ઉપયોગી નીવડે તેવી છે.
નર્મદે સંક્ષિપ્ત શેલીના ચરિત્રાત્મક નિબંધો
પણ લખ્યાં છે પણ એ નિબંધો પાછળનો તેનો ઉદેશ્ય ‘તે કાળનો ઈતિહાસ જાણવામાં આવે અને
‘તે પુરુષ આપણને દ્રષ્ટાંતરૂપ ને શિક્ષણીય’ બને તે રહ્યો હતો.
નર્મદના નિબંધોમાં ‘ડાંડિયો’ની રચનાઓ તદન જુદી પડી જાય છે એના વિષયો સમકાલીન જમાનાના જ છે. છતાં વિષયની માવજત જુદી જ ઢબે થયેલી જોવા મળે છે. કટાક્ષ અને હાસ્યના હથિયારનો અહીં નોંધપાત્ર માત્રામાં ઉપયોગ થયો છે. પટાન્તર વિના નર્મદનું અહીં સ્વ-રૂપ પ્રકટ્યું છે. રોમેન્ટિક લેખકની અનેક અંતસ્થ છટાઓ અહીં આ લખાણોમાં અભિવ્યક્ત થતી રહી છે.
દા.ત.-
‘.... હું માહારી મેળે
પહેલેથી જ ડાંડિયો છઊં એમ કહું છું-
ખબરદાર.... તો પણ કોઈના ઉપર વગર કારણે હું હમલો કરનાર નથી; કારણકે હું ઊંચકુળનો
ભણેલો, વિવેકી, નીતિમાન, દુનિયાદારી જાણનાર, સુખદુઃખનો અનુભવી, ટેકને સમજનાર- અને
જ્ઞાનથી ક્ષમાનો ગુણ ધારણ કરનારો છઉં..... સોટા મારવામાં અને અજ્ઞાની લોકોની
લુચ્ચાઈ – અનીતિ- વહેમ બાબતની ડાંડી પીટવામાં આળસ કરનાર નથી”. .......
વ્યક્તિત્વથી અનુપ્રાણિત આ નિબંધોની ખરી ખૂબી તેના વિવિધ પ્રકારના નિરૂપણમાં રહેલી
છે.
નિબંધકાર નર્મદે આમ અનેક વિષયો ઉપર, ગદ્યની
અનેક ચાલે ચાલી નિબંધો લખ્યા છે. એના લેખનની પાછળ રહેલી ઉપદેશલક્ષીતાને જોતાં
કલાત્મકતાની માત્રા સર્વત્ર સરખી રહે એ શક્ય નથી જ નથી. શરૂઆતના નિબંધો વિચાર
દ્રષ્ટિએ કંઇક અપરિપક્વ છે, પણ પછી ઉતરોતર એ ગદ્ય સુઘડ બનતું ગયું છે. વિચારોમાં
પકવતા આવતી ગઈ છે. એની રચનાઓમાં આસ્વાદ્ય તો બની રહે છે. એનું નિખાલસ અને
અહંતાયુક્ત આવેશી વ્યક્તિત્વ એ નિબંધોમાં પ્રસંગોપાત પ્રકટતો કવિ, સુધારક અને
વક્તા એ નિબંધોની સમૃદ્ધિને દ્રઢાવે છે.
સાહિત્યિક દ્રષ્ટિએ જોતા નર્મદના નિબંધો એકંદરે
ઘડાય છે. ગમે તે વિષયને વ્યક્તિત્વના રંગે રસી દેવાની તેની પાસે અજબની ફાવટ છે.
એના સમકાલીન એવા દલપતરામના નિબંધો મુકાબલે શાળાકીય નિબંધની છાપ પાડે છે, જ્યારે
નર્મદના નિબંધો એકંદરે સુદ્ધ સાહિત્યિક નિબંધની મુદ્રા ઉપસાવે છે. ગુજરાતી ગદ્યને
આળોટી આપી તેને નિબંધ માટે તેયાર કર્યું નર્મદે એટલું જ નહિ પણ વ્યવસ્થિત
આકારવાળા, સંક્ષિપ્ત નિબંધો લખી પછી આવનારને માટે નિબંધલેખનના દ્વાર પણ તેણે ઉઘાડી
આપ્યાં. એતિહાસિક દ્રષ્ટિએ આમ એના નિબંધોનું મુલ્ય અનેક ગણું વધી જાય છે. નર્મદના
બહુમુખી વ્યક્તિત્વના અનેક તેજ લીસોટા- આ નિબંધો છે.
0 ટિપ્પણીઓ
Please do not Enter any Spam Link in the Comment box.😈